અમદાવાદ,તા.૧૬
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ૨જી ઓકટોબરથી સમગ્ર દેશમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશ પર પ્રતિબંધની જાહેરાતને પગલે અમદાવાદમાં પણ સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.પાણી માટે વપરાતી મિનરલ પાણીની બોટલો મામલે રાજય સરકાર એક સર્વગ્રાહી નીતિ ઘડવા જઈ રહી છે.જે જાહેર કરવામાં આવ્યા બાદ તેનો અમલ અમદાવાદમાં કરાશે એમ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ કહ્યુ છે.
અમદાવાદમાં ૧૬ સપ્ટેમ્બર સુધીમાં કુલ ૩૯,૯૫૩ એકમોની તપાસ કરીને ૯૭૧૫ કીલોગ્રામ જેટલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરાયો છે.રૂપિયા ૨.૯૮ કરોડનો દંડ વસુલવામાં આવ્યો છે.શહેરમાં આવેલા આઠ રેફયુઝ સ્ટેશનો ખાતે એમઆરએફ ફેસીલીટી શરૂ કરીને રેગ પીકર્સ બહેનો દ્વારા પ્લાસ્ટિક સહીતનો રીસાયકલ વેસ્ટ અલગ કરવાની કામગીરી કરવામાં આવે છે.શહેરમાં ૫૦ માઈક્રોનથી ઓછી જાડાઈના પ્લાસ્ટિકના વપરાશ અંગે કમિશનરે કહ્યુ,દૂધની થેલી સાથે જે કેરીબેગ આપવામા આવતી હતી એને પણ પ્રતિબંધિત કરાઈ છે.શહેરમાં જે પાણીની મિનરલ બોટલો વેચાઈ રહી છે તે અંગે રાજય સરકાર રીસાયકલિંગ,રીફયુઝ અને રીયુઝ અંગેની એક ચોકકસ નિતી ધડી રહી છે.આ નિતીની જાહેરાત બાદ સરકાર જે નકકી કરશે એ મુજબની કાર્યવાહી અમદાવાદ શહેરમાં પણ કરવામાં આવશે.
હાલમાં અમપા જે લોકો પ્લાસ્ટિકની કેરીબેગ ખરીદદારોને આપી રહ્યા છે એ તમામને કાગળ અથવા સરળતાથી ડીસ્પોઝ થઈ શકે એ પ્રકારના મટિરીયલમાંથી તૈયાર કરેલી થેલીઓ આપવા સમજૂતી કરી રહ્યુ છે.આગામી દિવસોમાં અમદાવાદના તમામ સાત ઝોનમાં આ અંગેનો એક વિસ્તૃત કાર્યક્રમ પણ અમલમાં મુકી અમદાવાદ શહેરને પ્લાસ્ટિક મુકત બનાવવાની દિશામાં પ્રયાસ કરાશે.