અમદાવાદ શહેરમાં હવે પાલતુ પશુઓ માટે સ્મશાનગૃહ બનાવાશે

શહેરમાં મરેલા પશુઓને કાર્કસ ડેપો ખાતે  દાટવામાં આવે છે,પક્ષીઓને લઈને પ્રશ્ન,વાંદરાઓનો નિકાલ ઝૂ દ્વારા કરવામાં આવે છે.

અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણાં વર્ષોથી લોકોમાં પશુ અને પક્ષીઓને પાળવાનો શોખ વધતો જાય છે. આવા સમયે જા તેમનુ મોત થાય તો તેનો નિકાલ ક્યાં અને કેવી રીતે કરવો એક સમસ્યા બની જતી હોય છે. આ પ્રશ્નનો નિકાલ કરવા હવે અમદાવાદ શહેરમાં પશુઓ માટે સ્મશાન બનાવવા અંગેની વિચારણા હાથ ધરવામાં આવી છે. શહેરમાં હાલ મોટા પશુઓને મોત બાદ ગ્યાસપુર ખાતે આવેલા કાર્કસ ડેપો ખાતે લઈ જઈને દફનાવવામાં આવે છે.વાંદરાઓનો નિકાલ ઝૂ દ્વારા કરવામાં આવે છે. પણ પક્ષીઓને લઈને મોટી સમસ્યા હોવાની રજુઆત કરવામાં આવી છે.

હેલ્થ કમિટીની મળેલી બેઠકમાં સભ્ય દિપ્તી અમરકોટિયાએ રજુઆત કરતા કહ્યુ,અમદાવાદ શહેરમાં લોકો મોટી સંખ્યામાં પોપટ, કાચબા, કૂતરા, બિલાડી, સસલા વગેરે ઘરોમાં પાળતા હોય છે. આ પૈકી જા તેમના મોત થાય તો કયાં અને કેવી રીતે તેનો નિકાલ કરવો તે એક મોટી સમસ્યા હોય છે. ઘણી વખત તો પેલ ડેપોમાં આ મામલે જાણ કરવા છતાં તે ગંધાઈ ઉઠે ત્યાં સુધી વિભાગ દ્વારા ફરીયાદનો નિકાલ પણ કરવામાં આવતો નથી. આ પરિસ્થતિમાં શહેરમાં પશુ અને પક્ષીઓના મૃતદેહોના નિકાલ માટે એક સીએનજી સમ્શાનગૃહ હોવુ જરૂરી છે. જા આમ થશે તો પશુઓ ચુંથાતા બચી જશે. ચેરમેન હેલ્થ કમિટી પરેશ પટેલ કહે છે,આ અંગે હેલ્થ ઓફીસર ભાવિન સોલંકીને પત્ર લખીને રજુઆત બાદ સક્ષમ સત્તાધીશો સમક્ષ માંગણી કરાશે.


અમદાવાદ શહેરમાં વર્ષે ૪૫,૦૦૦ માનવ મરણ..

અમદાવાદ શહેરની ૬૫ લાખની વસ્તી સામે હાલ શહેરમાં દર વર્ષે ૪૫,૦૦૦ લોકોના મોત થાય છે. આ લોકોના અગ્નિ સંસ્કાર કરવા માટે અમદાવાદ શહેરમાં એલિસબ્રિજ, જમાલપુર, વી.એસ.થલતેજ સહીતના વિસ્તારોમાં કુલ ૧૨ સ્થળોએ સીએનજી સ્મશાનગૃહ કાર્યરત છે. રોજ ૧૨૫ લોકોના અંતિમ સંસ્કાર કરવા માટે ૨૬ સી.એન.જી.ભઠ્ઠી ચાલી રહી છે.