અમદાવાદ શહેરમાં ૨૪ કલાકમાં ચાર મકાન ધરાશાયી

અમદાવાદ,તા.૬
અમદાવાદ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં ચાર મકાન ધરાશાયી બનવા પામ્યા છે.ગતરોજ બનેલી અમરાઈવાડીની દુર્ઘટનામાં મૃત્યુઆંક પાંચ પર પહોંચવા પામ્યો છે.શહેરમાં અમરાઈવાડી ઉપરાંત દરીયાપુર વાડીગામ,ખાડીયા અને જમાલપુર વિસ્તારમાં મકાન ધરાશયી થયા છે.જો કે આ બનાવોમાં કોઈ જાનહાની થવા પામી નથી.

અમરાઈવાડી બાદ દરિયાપુર અને જમાલપુરમાં મકાન ધરાશાયી

આ અંગે મળતી માહીતી મુજબ,અમરાઈવાડીમાં ગુરુવારે બનેલી ઘટનામાં બળદેવ સુરી,તેમના પત્ની વિમલાસુરી પુત્ર રાજેન્દ્ર ઉપરાંત આશાબહેન રાકેશભાઈ પટેલ કે જે ભાડુઆત હતા તેમના અને શાંતાબહેન નામના મહીલાના મોત થવા પામ્યા છે.કુલ આઠ લોકોને એલજી હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી રહી છે.આ વિસ્તારના સ્થાનિક કોર્પોરેટર જગદીશ રાઠોડના કહેવા મુજબ,અમરાઈવાડી સ્લમ કવાટર્સ ઉપરાંત ઈન્દિરાનગર વસાહત જવાહર હાઉસીંગના મકાનો જર્જરીત હાલતમાં છે આ અંગે સત્તાવાળાઓ સમક્ષ અનેક વખત રજુઆત કરવા છતાં આજદીન સુધી તેના સમારકામ મામલે કોઈ ગંભીરતા લેવામાં આવી નથી. આ તરફ આજે શહેરના દરીયાપુર વાડીગામ વિસ્તારમાં એક બે માળનુ અને જમાલપુર વિસ્તારમાં ગાયકવાડ હવેલી વિસ્તારમાં એક બે માળનુ મકાન ધરાશાયી બનવા પામ્યુ હતુ. જો કે આ બંને બનાવમાં કોઈને ઈજા કે જાનહાની થવા પામી નથી

શહેરમાં કેટલા મકાન ભયજનક

શહેરના ખાડીયા વિસ્તારમાં ૧૨૯,જમાલપુરમાં ૧૦,દરીયાપુરમાં સાત,શાહીબાગમાં છ અને શાહપુરમાં બે મકાનો ભયજનક હોવાનું જાણવા મળે છે

એસ્ટેટ વિભાગની બેદરકારી

અમપા દ્વારા શહેરના દરેક ઝોનમાં વોર્ડ મુજબ,ઈન્સપેકટર અને સબ ઈન્સપેકટરને ફરજ ઉપર મુકવામાં આવ્યા છે.આ કર્મચારીઓને તેમને સોંપવામાં આવેલા વિસ્તારમાં કેટલા ભયજનક મકાનો છે એ અંગેનો સર્વે કરી નોટીસની બજવણી કરવાની હોય છે.છતાં આ કર્મચારીઓ માત્ર વિસ્તારમાં થતા ગેરકાયદે બાંધકામોનુ ધ્યાન રાખતા હોવાનુ સ્થાનિક રહીશોનુ કહેવુ છે

બીપીએમસી એકટ શુ કહે છે?

બીપીએમસી એકટ મુજબ,ભયજનક મકાનો અંગે નોટીસની બજવણી કરવામાં આવ્યા બાદ પણ જા તે ન ઉતારવામા આવે તો અમપા દ્વારા તેને ઉતારવાની કાર્યવાહી કરવાની હોય છે.આમ છતાં એવુ ધ્યાનમાં આવ્યુ છે કે,તંત્ર માત્ર નોટીસ આપીને જ સંતોષ માની  લે છે.

તજજ્ઞ શુ કહે છે?

મકાનો ધરાશાયી બનવા મામલે નિષ્ણાતોને પુછતા તેમનુ કહેવુ છે કે,આ મકાનો ૭૦ થી પણ વધુ વર્ષ જુના છે.પણ તેમાં બાંધકામમા લાકડાનો વધુ પડતો ઉપયોગ કરવામા આવેલો હોઈ અને સમયસર સમારકામ ન થવાના કારણે વરસાદને પગલે તેના પીઢીયા ખવાઈ ગયા હોય છે અથવા તો ઉધઈ લાગવાના કારણે તે ભેજથી નમી પડે છે આગળ જતા મકાનનો ભાગ કે મકાન તમામ ભાર પિલર પર આવી જવાના કારણે ધરાશાયી બનતા હોય છે.