અમદાવાદ,તા.૨3
આખા દેશમાં વિકાસની ધુન પાંચ વર્ષથી ગવાઈ રહી છે.ભારતને વિશ્વગુરુ બનાવવાની જાણે કે એક પ્રકારની હોડ જામેલી છે. આ પરિસ્થિતિમાં વર્ષ-૨૦૫૦માં અમદાવાદ શહેર કેવુ હોઈ શકે એ વિષય પર શકયતાઓ ચકાસવા પ્રયાસ કર્યો. સૌ પ્રથમ અમદાવાદ શહેરમાં હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને વર્ષ-૨૦૫૦માં કેવી પરિસ્થિતિ સર્જાઈ શકે એ માટે અમદાવાદ ફાયરબ્રિગેડ તરફ નજર પડી. હાલ અમદાવાદ ફાયર બ્રિગેડ પાસે કુલ પંદર ફાયર સ્ટેશન અને ૮૦૦થી વધુનો સ્ટાફ છે. વર્ષ-૨૦૫૦ના વર્ષમાં અમદાવાદ શહેરની વધનારી વસ્તી અને વિસ્તારને ધ્યાનમાં લઈને ઓછામાં ઓછા ત્રીસ ફાયર સ્ટેશન અને બે હજાર લોકોનો અને તે પણ ટ્રેઈન અને ફીઝીકલી ફીટ સ્ટાફ જાઈશે. અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી કેમિકલ યુનિટોમાં આગના બનાવો વધી રહ્યા છે. જેને નિયંત્રણમાં લેવા નવી ટેકનોલોજીથી સતત અમદાવાદ ફાયરબ્રિગેડને અપગ્રેડ કરાઈ રહ્યુ છે. વર્ષ-૨૦૫૦ સુધીમાં અમદાવાદ શહેરનુ મહત્તમ તાપમાન વધી જશે,પાણીની પુષ્કળ જરૂર પડશે. અત્યારથી સત્તામાં બેઠેલાઓ દ્વારા કોઈપણ નકકર આયોજન વગર ૮૦ મીટરની ઉંચાઈ સુધીના બાંધકામોને મંજુરી આપવામાં આવી રહી છે તો એ વર્ષ સુધીમાં તો અમદાવાદ શહેર સિમેન્ટ-કોંક્રીટના જંગલમાં ફેરવાઈ ગયુ હશે. આ પરિસ્થિતિમાં લોકોએ પણ સચેત બની જો સમયની માંગ મુજબનુ આયોજન નહીં કર્યુ હોય તો અમદાવાદ શહેર એક બારૂદના સ્વરૂપમાં જાવા મળશે.
અમદાવાદમાં એક સમયે ધમણભઠ્ઠી સાથેના ફાઈટર હતા
અમદાવાદ શહેરમાં એકસમય એવો હતો જયારે કોઈપણ વિસ્તારમાં આગનો બનાવ બને અને ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવે તો ફાયરનો સ્ટાફ ધમણભઠ્ઠીની મદદથી ચાલતા ફાઈટરને લઈને ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવતો.એ સમયે લાયબંબો એમ કહેવાતુ હતુ.
વર્ષ-૨૦૦૧ના ભૂકંપે ફાયરની તસ્વીર બદલી
વર્ષ-૨૦૦૧માં ૨૬મી જાન્યુઆરીના રોજ આવેલા વિનાશક ભૂકંપે અમદાવાદ ફાયરવિભાગની જાણે કે તસ્વીર જ બદલી નાંખી.દેશ અને વિદેશમાંથી સાધનો મળે એ પહેલા હાલના ચીફફાયર ઓફીસર મહેરનુસ દસ્તુર,ડીવીઝનલ ચીફ ફાયર ઓફીસર રાજેશ ભટ્ટ અને અન્ય સ્ટાફે પરાળ જેવા સાધનની મદદથી ભૂકંપમાં ધરાશાયી બનેલી મોટી-મોટી સિલિંગો અને દિવાલો તોડીને અનેક લોકોના જીવ બચાવ્યા હતા.એ બાબતની વિશ્વના દેશોએ પણ નોંધ લીધી હતી.
અમદાવાદ ફાયર વિભાગ પાસે શું નથી
-અમદાવાદ ફાયર વિભાગમાં જે લોકોની નિમણૂંક કરાય છે તે ફુલ્લી ફીઝકલી કન્ડીશન્ડમાં હોય તેવુ કોઈ ચોકકસ કહી શકતુ નથી.
-અમદાવાદ ફાયર વિભાગમાં છેલ્લા એક દસકામાં લેડર સહીતના જે નવા વાહનો આવ્યા છે તે કેવીરીતે ઓપરેટ કરવા એનુ આંગળીના વેઢે ગણાય એટલા લોકો પાસે જ જ્ઞાન છે.
-અમદાવાદ ફાયરબ્રિગેડમાં વર્ષ-૨૦૦૪ના વર્ષમાં જે ફાયર વોલિયન્ટરોની ભરતી કરાઈ હતી તે પૈકી મોટાભાગના મેયર,કમિશનર સહીતના હોદ્દેદારોને ત્યાં સિકયોરીટી તરીકે અથવા અમપા પાર્કીંગમાં વાહનો વ્યવસ્થિત મુકાવવાની કામગીરીમાં લાગેલા છે.
-અમદાવાદ ફાયરબ્રિગેડમાં ભરતી માટે રખાતી પરીક્ષાઓમાં ફાયરના ટેકનીકલ જ્ઞાનને બદલે જનરલ નોલેજના પ્રશ્નો પુછવામાં આવતા હોય છે.
-અમદાવાદ ફાયરમાં લેવાનો થતો સ્ટાફ હોય કે નવા વાહનોની ખરીદી ડેપ્યુટી કમિશનર અને કમિશનર કચેરી સુધી ફંગોળાતી રહે છે.જયારે નિર્ણય લેવાય તે સમયે ટેકનોલોજી પાંચ વર્ષ આગળ નીકળી ચુકી હોય છે.ફાયરના વાહનો જીપીએસ સિસ્ટમથી જાડાયેલા નથી
પાંચ વર્ષથી ડ્રેસ પણ અપાયા નથી..
અમપા ફાયરના અધિકારીઓ હોય કે જવાનો પાંચ વર્ષથી ડ્રેસથી લઈને ગમબુટ સુધીની કોઈપણ ચીજ પુરેપુરી તેમને કયારેય અપાઈ નથી.આમછતાં ફાયરના જવાનો કયારેક કયારેક ૧૬ કલાક સુધીની ડયુટી પણ બજાવી રહ્યા છે.