18 એપ્રિલ 2019માં લોકસભાના મતદાન પહેલાં અમદાવાદના અડાલજ ખાતે વિહોતર ગૃપ ઓફ ગુજરાતના નેજા હેઠળ માલધારીઓની એક બેઠક મળી હતી. જેમાં ભાજપે માલધારીઓને ટિકિટ આપી ન હોવાથી તેમને મત આપવાના બદલે નોટામાં મત આપવાનું નક્કી કર્યું હતું. ત્યાર બાદ અમદાવાદમાં એક મહિલાનું મોત ગાયના કારણે થતાં અમદાવાદ મહાનગર પાલિકાએ શહેરમાં રહેતા પશુઓને બહાર કાઢવા માટે ઝૂંબેશ શરૂ કરી હતી. મથાભારે રબારીએ હુમલો કર્યો હતો. આ બધા પાછળનું રાજકારણ અડાલજ ખાતે મળેલી રબારી સમાજની બેઠક હોવાનું માનવામાં આવી રહ્યું છે. પણ અમપાનું આ કામ લોકોએ વખાણ્યું છે. અમદાવાદના 80 ટકા લોકો એવું માને છે કે, શહેરમાંથી પશુઓને દૂર કરવા જોઈએ.
લોકોની આ માંગણીને ધ્યાને લઈને અમપાએ અમદાવાદ શહેરમાં વસતા માલધારીઓની સાથે પશુઓની વસ્તીગણતરી કરી હતી. જેમાં પશુઓની નોંધણીની ઝૂંબેશ હાથ ધરાઇ હતી. 30 સપ્ટેમ્બર 2018 સુધીમાં 2830 માલધારીઓએ તેમના 21,672 પશુઓની નોંધણી કરાવી હતી. જોકે, અમદાવાદમાં નાગરીકોની સાથે 50 હજારથી 1 લાખથી વધું મોટા પશુઓ રહેતાં હોવાનો અંદાજ છે.
મેગાસિટી અમદાવાદમાં રોડ પર પશુઓની ભારે કનડગત છે, અકસ્માતો, લોકોના મૃત્યુ, ટ્રાફિકજામ, ગંદકી, મિથેન ગેસ, દિવાલો ગંદી કરવી, મચ્છર થવા, રોગચાળો જેવી સમસ્યાઓથી શહેરીજનોને ભારે હાલાકી ભોગવવી પડે છે. શહેરમાં રોડ પર રખડતી ગાયો હટાવવાના હાઇકોર્ટના આદેશ બાદ મ્યુનિ.તંત્ર દ્વારા ગાયોને પડકવાની ઝૂંબેશ હાથ ધરાઇ હતી. રબારીઓ પોતાના પશુ રસ્તા પર છૂટા ન મૂકે તે માટે દંડ 8 ઓગસ્ટ 2018થી 15 સપ્ટેમ્બર 2018 સુધીમાં રૂ.24.60 લાખ કરાયો હતો.