અમપાના કર્મચારીની ઓળખ આપી તોડ કરવા ગયેલા બે શખ્સો ઝડપાયા

અમદાવાદ, તા.૧૦

અમપાના કર્મચારી તરીકે ઓળખ આપીને ચવાણાની દુકાનના માલિકનો તોડ કરવા નિકળેલા બે ગઠીયાઓ ઝડપાઈ જતા અમરાઈવાડી પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી છે. દુકાન માલિકને શંકા જતા બંને ગઠીયાઓ આબાદ રીતે પકડાઈ ગયા છે.

અમરાઈવાડી વિસ્તારમાં રહેતા કાનજી દેસાઈની માલિકીની દુકાન ભાડે રાખી કિશનસીંગ ભૈરવનાથ ચવાણાના નામથી ધંધો કરે છે. કિશનસિંગ વતનમાં ગયા હોવાથી તેમની દુકાન ગજેન્દ્રસિંગ રાજપૂત નામનો તેમનો કર્મચારી ચલાવે છે. બે દિવસ અગાઉ ગજેન્દ્રએ કાનજીભાઈને ફોન કરી જણાવ્યું હતું કે, કોર્પોરેશનમાંથી બે અધિકારી આવ્યા છે અને ગુમાસ્તા તેમજ ખાદ્ય પદાર્થના વેચાણનું લાયસન્સ નહીં લીધું હોવાથી દુકાન સીલ કરવી પડશે. બંને જણા પોતાનો મોબાઈલ ફોન નંબર આપીને ત્યાંથી ચાલ્યા ગયા હતા.

આજે સવારે ફરીથી બંને શખ્સો દુકાન ઉપર આવ્યા હતા. અમપાના કર્મચારી તરીકેની ઓળખ આપનારા શખ્સો અંગે શંકા જતા કાનજીભાઈ દેસાઈએ કોર્પોરેશનના અધિકારીઓને જાણ કરતા આવા કોઈ અધિકારી ચેકીંગ માટે નથી મોકલ્યા તેવું સ્પષ્ટ થયું હતું. આથી અમરાઈવાડી પોલીસને જાણ કરાતા પોલીસ દોડી આવી હતી અને યુસુફ અયુબભાઈ અન્સારી (રહે. જનતાનગર, રામોલ) તથા નજીર જહીરભાઈ શેખ (રહે. બિરજુનગરની ચાલી, ઓઢવ)ને ઝડપી લીધા હતા.