અમપાના નઘરોળ તંત્રની બેદરકારીને કારણે ઘાટલોડીયામાં પાણીની ટાંકી ધડાકાભેર તૂટી પડી

અમદાવાદ, તા. 0૩

શહેરના બોપલમાં પાણીની ટાંકી ધરાશાયી થવાની ઘટનાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં રવિવારે વહેલી પરોઢે શહેરના ઘાટલોડીયા વિસ્તારમાં આવેલા કર્મચારીનગરની ૨૫ વર્ષ જૂની પાણીની ટાંકી ધડાકાભેર તૂટી પડતાં આસપાસના રહીશો ભયના માર્યા ફફડાટ સાથે ઘરની બહાર દોડી ગયા હતા. આ ઘટના બાદ ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી રેસ્કયૂ કામગીરી કરી હતી. જેમાં એક ૨૫ વર્ષની યુવતીને ઈજા થતા તેને સારવાર માટે ખસેડાઈ હતી. અમપા એસ્ટેટ વિભાગે ઘટનાસ્થળે પહોંચી કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરી હતી.

આ અંગે મળતી માહિતી મુજબ, શહેરના પશ્ચિમઝોનમાં આવેલા ઘાટલોડીયાના કર્મચારીનગર પાસે ૨૫ વર્ષ જૂની પાણીની ટાંકી છે, આ ટાંકીની મરામત અંગે સ્થાનિક રહીશો દ્વારા સત્તાવાળાઓ સમક્ષ અવારનવાર રજૂઆત કરાઈ હતી. છતાં તંત્રના બહેરાકાને આ રજૂઆત સંભળાઈ નહોતી. દરમિયાન રવિવારે વહેલી સવારે ૪.૩૦ વાગે આ ટાંકી ધડાકાભેર તૂટી પડતાં ફાલ્ગુની આચાર્યને હાથે ઈજા થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

ટાંકી ક્ષતિગ્રસ્ત હોવાનો સ્થાનિકોનો આરોપ

આ ટાંકી ક્ષતિગ્રસ્ત હોઈ રાત્રિના બે વાગ્યાથી જ તેમાંથી પાણી લીક થવા લાગ્યું હતું. અંતે ૪.૩૦ કલાકે તે તૂટી પડતા ભરઉંઘમાંથી લોકો જાગીને બહાર દોડી આવ્યા હતા. સ્થાનિક રહીશોની મળેલી પ્રતિક્રિયા મુજબ, અવાજ એટલો પ્રચંડ હતો કે જાણે ભૂકંપ આવ્યો હોય એવી અનુભૂતિ થઈ હતી. ઘટના અંગે અમપા ફાયરને જાણ કરાતા ફાયર અને એસ્ટેટની ટીમ ઘટના સ્થળે દોડી ગયા હતા. બોપલની ટાંકી ધરાશાયી બનવાની ઘટના બાદ ઘાટલોડીયામાં પાણીની ટાંકી ધરાશાયી બનતા લોકોએ સ્થાનિક તંત્રની બેદરકારી સામે ઉગ્ર રોષ ઠાલવ્યો હતો. પાર્ક કરેલી અલ્ટો કારનો ખૂડદો બોલી ગયો હતો. ઉપરાંત નજીકના ઘરમાં પાણી ફરી વળ્યા હતા.

વિશાલા સર્કલ પાસેની ઘટનામાં બે મજુરોના મોત થયા હતા

દિવાળીના થોડા દિવસો અગાઉ વિશાલા સર્કલ પાસે નવી બનાવવામાં આવી રહેલી પાણીની ટાંકીમાં પાઈપલાઈન માટે માપ લેવા ઉતરેલા બે મજૂરો અચાનક જ નીચે પડી જતા દટાઈ જવાથી તેમના મોત થયા હતા. આ ઘટના અંગે હજુ સુધી કોઈ સત્તાવાર રીપોર્ટ જારી કરવામાં આવ્યો નથી.

નિકોલ ટાંકીની દુર્ઘટનામાં મોડી કાર્યવાહી કરાઈ

આ અગાઉ નિકોલ વિસ્તારમાં પણ બનેલી ટાંકીની દુર્ઘટનામાં સ્થાનિક કોર્પોરેટર દ્વારા કામમાં ગેરરીતી આચરવામાં આવતી હોવા અંગેની ૨૭ વખત મ્યુનિસિપલ કમિશનરથી લઈને લાગતા-વળગતાઓ સમક્ષ ફરીયાદ કરવામાં આવી હતી. આમ છતાં તંત્ર તરફથી કોઈ પ્રકારની કાર્યવાહી કરાઈ ન હતી. અંતે ટાંકીનો સ્લેબ તૂટી પડતા તેમાં દટાઈ જવાના કારણે બે લોકોના મોત થયા હતા. આ ઘટના બાદ અમપાના ઈજનેર પી.એ.પટેલ.ને મ્યુનિસિપલ કમિશનર દ્વારા બેદરકારી બદલ સસ્પેન્ડ કરાયા હતા. ઘટનાના ઘણા સમય બાદ ગત સપ્તાહે અમપાની મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં કોન્ટ્રાકટર ભૂપતાણી એસોસિએટને ત્રણ વર્ષ માટે કોઈપણ કામ ન આપવા અને સ્મૃતિ મંદિર, ધોડાસર ખાતે પાણીની ટાંકી બનાવવા ભૂપતાણીને જે કામ સોંપવામાં આવ્યું હતું એ કામ પણ પરત લેવા નિર્ણય કરાયો છે.

શહેરમાં ૧૬૫ ઓવરહેડ ટાંકીનો સર્વે, ૪૪ ઓવરહેડ ટાંકી ભયજનક, એક ઉતારાઈ

અમદાવાદ શહેરમાં બોપલમાં બનેલી દુર્ઘટના બાદ અમપા દ્વારા ઓવરહેડ ટાંકીઓનો સર્વે હાથ ધરાયો હતો. અમપાના હદ વિસ્તારમાં કુલ મળીને ૧૬૫ જેટલી ઓવરહેડ ટાંકીનો સરવે કરાયો છે. આ ટાંકીઓ પૈકી ૪૪ જેટલી ટાંકીઓ જર્જરિત હાલતમાં છે. ગોતામાં આવેલી ૬૦ વર્ષ જૂની ઓવરહેડ ટાંકી અમપા દ્વારા તોડી પાડવામાં આવી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં વર્ષ-૨૦૦૮થી વર્ષ-૨૦૧૦ સુધીના સમયગાળામાં ૩૩ ગ્રામ પંચાયત અને ૧૧ નગરપાલિકાના વિસ્તારોને અમપાની હદમાં સમાવવામાં આવ્યા હતા. આ પછી અમપા દ્વારા જર્જરિત ટાંકીઓ અંગે કોઈ જ સરવે કરાયો ન હતો. વોટર સપ્લાય કમિટીના ચેરમેન રશ્મિકાંત પટેલે પ્રતિક્રિયા આપતા કહ્યું, અમદાવાદમાં બોપલમાં બનેલી દુર્ઘટના બાદ એક સરવે જર્જરિત ટાંકીને લઈને કરવામાં આવ્યો છે. અમપાની હદમાં કુલ ૧૬૫ ઓવરહેડ ટાંકીઓનો સરવે કરાયો છે. જેમાં ૪૪ જર્જરિત હાલતમાં છે. આ પૈકી ઉત્તર-પશ્ચિમઝોનમાં ૧૪, પશ્ચિમઝોનમાં ૧૦, દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં આઠ, ઉત્તરઝોનમાં ત્રણ, પૂર્વઝોનમાં ત્રણ અને મધ્યઝોનમાં એક ટાંકીનો સમાવેશ થાય છે.અમદાવાદમાં વેજલપુર, જોધપુર, ગોતા, ઓગણજ, શેલા, મકરબા, હેબતપુર જેવા વિસ્તારોમાં જર્જરિત ટાંકીઓ હોવા છતાં અમપા દ્વારા કોઈ ભયસુચક બોર્ડ કે બેરિકેટસ પણ સાવચેતી માટે મુકવામાં આવ્યા નથી.