અમપાના રૂપિયા ૫૫૩ કરોડ તેમજ ઔડાના રૂપિયા ૨૪૫ કરોડના વિકાસકામો નું આજે લોકાર્પણ-ભૂમિપુજન

અમદાવાદ,તા.૨૫
અમદાવાદ શહેરમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યા નિવારવા રૂપિયા ૯૯ કરોડના ખર્ચે અંજલી પાસે બનાવાયેલા ફલાયઓવરના લોકાર્પણ ઉપરાંત અમપાના રૂપિયા ૫૫૩.૭૨ કરોડ અને ઔડાના રૂપિયા ૨૪૫.૬૦ કરોડ મળી કુલ રૂપિયા ૮૦૦ કરોડના વિકાસકામોનુ શનિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ,રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી,નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ,અમદાવાદના મેયર બિજલ પટેલની હાજરીમાં લોકાર્પણ ,ભૂમિપૂજન કરાશે.વિવિધ કાર્યક્રમોમાં શહેરમાં સાયન્સ સિટી અને ઝુંડાલ પાસે બે ફલાયઓવરબ્રિજ બનાવવાના આયોજન ઉપરાંત બોપલમાં આવતા ગામતળ સહીત ત્રણ ટાઉન પ્લાનિંગ સ્કીમોના વિસ્તારને આવનારા સમયમાં ૨૪ કલાક મીટરથી પાણી પુરુ પાડવા રૂપિયા ૭૩.૫૪ કરોડના ડીસ્ટ્રીબ્યુશન નેટવર્કનો પણ સમાવેશ થાય છે.

અમપાના મેયર બિજલ પટેલ અને મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ આ અંગે માહીતી આપતા કહ્યુ,અમપા દ્વારા અત્યારસુધીમાં ૫૪ ઓવરબ્રિજ બનાવાયા છે.રૂપિયા ૯૯ કરોડના ખર્ચે પાલડી જંકશનથી વાસણા સુધીનો સૌથી લાંબો ફોરલેન ઓવરબ્રિજ જે ૧.૨૧ કીલોમીટર લંબાઈ ધરાવે છે એનુ લોકાર્પણ શનિવારે ઔડા ગાર્ડન પાસે,સોબો સેન્ટર સર્કલ ,સાઉથ બોપલ ખાતે સવારે ૮.૩૦ કલાકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ,મુખ્યમંત્રી વિજય રૂપાણી સહીતનાઓ દ્વારા કરાશે.અંજલી ફલાયઓવરના લોકાર્પણથી રોજના એકલાખથી વધુ વાહનોને પસાર થવામાં સરળતા રહેશે.ઔડા દ્વારા એસ.પી.રીંગ રોડ પર ટ્રાફીકના ભારણને ઘટાડવા સાયન્સસિટી જંકશન પર રૂપિયા ૭૩.૩૮ કરોડના ખર્ચે સિકસલેન ઓવરબ્રિજ અને ઝુંડાલ સર્કલ પાસે રૂપિયા ૬૦.૯૯ કરોડના ખર્ચે સિકસલેન ફલાયઓવરબ્રિજ બનાવવામાં આવશે.

અમદાવાદ શહેરમાં મલ્ટી કાર-પાર્કીંગ.

મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ કહ્યુ,અમદાવાદ શહેરમાં પ્રહલાદનગર ઉપરાંત સિંધુભવન,રિવરફ્રન્ટ,દાણાપીઠ અને ચાંદલોડીયા ખાતે મલ્ટી કાર-પાર્કીંગ શહેરની ભવિષ્યની જરૂરને ધ્યાનમાં રાખી બનાવવા જઈ રહ્યા છીએ.કાંકરીયા અને નવરંગપુરા ખાતે મલ્ટી-કાર પાર્કીંગ બનાવાયા બાદ ચાંદલોડીયા ખાતે રૂપિયા ૬૦.૮૫ કરોડના ખર્ચે ૧૩૬ કાર અને ૧૩૨ ટુવ્હીલર પાર્ક કરી શકાય એવુ આયોજન કરાશે.ચાંદલોડીયા પાર્કીંગ માટે ખાતમુહુર્ત કરાશે.હાલ શહેરમાં ૮૦ સ્થળોએ ખુલ્લા પ્લોટમાં પાર્કીંગની સુવિધા પુરી પડાય છે.

બોપલમાં ૨૪ કલાક પાણી આપવા આયોજન.

ઔડા દ્વારા બોપલની ટીપી સ્કીમ નંબર-એક,બે અને ત્રણ જેમાં ગામતળ વિસ્તારનો પણ સમાવેશ થાય છે.આ તમામ વિસ્તારોને મીટરથી ઓટોમેટીક કોમ્પ્યુટરાઈઝડ સ્કાડા પધ્ધતિથી ૨૪ કલાક પાણી આપવા માટે ૭૯ કીલોમીટરની લંબાઈમાં વોટર ડીસ્ટ્રીબ્યુશન નેટવર્ક નાંખવા માટે રૂપિયા ૭૩.૫૪ કરોડના ખર્ચે પ્રોજેકટ અમલી બનાવાશે આ પ્રોજેકટનુ ખાતમુહુર્ત કરાશે.

કયા-કયા વિકાસકામોનુ લોકાર્પણ,ભુમિપુજન.

-અંજલીફલાયઓવરબ્રિજનુ લોકાર્પણ કરાશે.
-બે નવા ફલાયઓવરબ્રિજનુ ખાતમૂહુર્ત કરાશે.
-ચાંદલોડીયા મલ્ટીલેવલ કારપાર્કીંગનુ ખાતમૂહુર્ત કરાશે.
-રૂપિયા ૨૮૮.૮૩ કરોડના ખર્ચે અમપા દ્વારા બનાવાયેલા થલતેજ,સોલા,અસલાલી,ચાંદખેડામાં કુલ ૪૪૩૯ ઈ ડબલ્યુએસ આવાસોનો ડ્રો કરી લોકાર્પણ કરાશે.
-ઔડા દ્વારા ૩૧ કરોડના ખર્ચે કલોલ અને દહેગામમાં ઈ ડબલ્યુએસ આવાસ તૈયાર કરાશે.
-રૂપિયા ૧૧.૨૬ કરોડના ખર્ચે જાધપુર,ગોતા,થલતેજ અને સરખેજ વોર્ડમાં ટેનિસકોર્ટ,જીમનેશીયમ,સ્નાનાગર બનાવાશે.

રિવરફ્રન્ટ ખાતે ચિલ્ડ્રનપાર્કનુ લોકાર્પણ.

સાબરમતી રિવરફ્રન્ટ ખાતે રૂપિયા ૭.૨૫ કરોડના ખર્ચે ચિલ્ડ્રન પાર્ક બનાવાયો છે.જેમાં વિવિધ પ્રકારની રમતોના સાધનો,સેન્ટ્રલ પ્લાઝા વીથ ફુલ સ્ટ્રીમનો સમાવેશ થાય છે.જેનુ લોકાર્પણ શનિવારે થયા બાદ લાભપાંચમ સુધી ૧૨ વર્ષની વય સુધીના બાળકોને મફત પ્રવેશ અપાશે.