અમપાનો મુર્તિ વિસર્જન માટે પાંચ કરોડના ખર્ચે 60 કુંડ બનાવવાનો નિર્ણય

અમદાવાદ શહેરમાં ગણેશ ચતુર્થીના દિવસથી અનેક ભકતો દ્વારા ગણેશની સ્થાપના કરી તેનુ વિસર્જન પણ શરૂ કરાયુ છે.ઘણાં એવા ભકતો હોય છે કે જે દોઢ,ત્રણ કે પાંચ દિવસ ગણેશ ભગવાનની મૂર્તિનુ ઘરમાં સ્થાપન કરતા હોય છે.આ પરિસ્થિતીમાં અમપા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં રૂપિયા પાંચ કરોડના ખર્ચે ૬૦ કુંડ બનાવવાના નિર્ણયને પગલે હડકંપ મચી જવા પામ્યો છે.અમપાના સુત્રોના કહેવા અનુસાર જે કુંડ માત્ર ત્રણ કે સાડા ત્રણ લાખની કીંમતમાં તૈયાર થઈ જાય એ કુંડ માટે રૂપિયા આઠ લાખની કીંમત અંદાજવામાં આવી છે.આ મામલે સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેને પોતે આ બાબતમાં કાંઈ ન જાણતા હોવાનો રાગ આલાપ્યો છે.સત્તાધારી ભાજપનુ આ ગણેશ મૂર્તિ વિસર્જનના નામે કૌભાંડ કોના માટે એવો સવાલ પ્રત્યેક અમદાવાદી અને ગણેશ ભકત પુછી રહ્યા છે

ટેકસના નાણા અમપાની તિજોરીમાં

અમદાવાદ શહેરમાં ૫ જુનથી ૧૩ જુન સુધી મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ સાબરમતી નદીને શુધ્ધિકરણ અભિયાન હેઠળ સાફ કરાવી હતી.આ પછી એવો દાવો કરવામાં આવ્યો છે કે,સાબરમતી નદીને અશુધ્ધ નહીં થવા દેવાય.આ માટે આ વર્ષે શહેરના વિવિધ વિસ્તારોમાં ગણેશ ભકતો મૂર્તિનું સરળતાથી વિસર્જન કરી શકે એ માટે ૬૦ જેટલા કૃત્રિમ વિસર્જન કુંડ બનાવવાની તૈયારીઓ તંત્ર દ્વારા જારશોરથી આરંભી દેવામાં આવી છે.પર્યાવરણ અને નદીને શુધ્ધ રાખવાની મોટી મોટી વાતો કરનારાઓ તેમના મળતીયાઓને પોષવા માટે જે કૃત્રિમ કુંડ માત્ર ત્રણ કે સાડા ત્રણ લાખની કીંમતમાં તૈયાર થઈ જાય એની રૂપિયા આઠ લાખ સુધીની કીંમત અંદાજીને બેઠા છે.શહેરના લોકોના ટેકસના નાણાં અમપાની તિજારીમાં જાય છે ત્યારે ધર્મની અને લાગણીઓની આડમાં ભાજપના શાસકો કોને પોષવા માંગે છે એ જાણવાનો હક પણ શહેરીજનોને છે.નોંધપાત્ર બાબત એ છે કે,તંત્ર દ્વારા ભાવિક ભકતોને તેમના વિસ્તારમાં કયા સ્થળે પહોંચીને મૂર્તિનું વિસર્જન કરવાનું છે એ બાબતની જાણ થાય એ માટે કોઈ પ્રકારના સાઈન બોર્ડ પણ મુકવામાં આવ્યા નથી.

કુંડ કેવો બનાવવામાં આવે છે

ઈજનેર વિભાગને કુંડ બનાવવા મામલે જે સુચના આપવામાં આવી છે તે મુજબ અઢી મીટર ઉંડો,વીસથી ૩૦ મીટર લંબાઈ અને સાતથી દસ મીટર પહોળાઈ ધરાવતો કુંડ જેમને કુંડ બનાવવાની કામગીરી સોંપવામાં આવી છે તેમની પાસે કરાવવાની હોય છે.એક અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યુ,જે પ્રમાણે અમે કુંડ તૈયાર કરાવી રહ્યા છીએ એ મુજબ,ત્રણ લાખની આસપાસની કીંમતમાં આ કુંડ તૈયાર થઈ જાય છે.માત્ર જે સાઈઝ સુચવવામાં આવી હોય છે એ મુજબનો ખાડો તૈયાર કરીને તેના ઉપર પ્લાસ્ટીક મુકવાનું હોય છે

૧૫ ક્રેઈન ભાડે લેવાની છે

અમપા દ્વારા ભકતો મૂર્તિનું કુંડમાં સરળતાથી વિસર્જન કરી શકે એ માટે ૧૫ જેટલી ક્રેઈન ભાડે લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ અંગે અમપાના એક અધિકારીને પુછતા તેમણે કહ્યુ,એક ક્રેઈનનું છ કલાક લેખે જા ભાડુ ગણવામાં આવે તો કુલ મળીને નેવુ લાખ રૂપિયા જેટલુ ભાડુ ચુકવવાનુ થાય.

સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન અજાણ

આ સમગ્ર વિવાદ મામલે સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન અમુલ બળવંતરાય ભટ્ટનો સંપર્ક કરતા તેમણે કહ્યુ,આ મામલે મને કોઈ જાણ નથી.અમપામાં કોઈ પણ દરખાસ્ત સ્ટેન્ડીંગ કમિટીની મંજુરી માટે મુકવામાં આવતી હોય છે ત્યારે ચેરમેનનું આ અજ્ઞાન ઘણા સવાલો સર્જે છે.

અંદાજ અને વાસ્તવિકતામાં રમત રમાય છે

અમપાના એક અધિકારીએ આ મામલે કહ્યુ,ઘણાં સમયથી અમપામાં અંદાજ અને વાસ્તવિક ખર્ચની રમત રમાઈ રહી છે.પહેલા તંત્ર દ્વારા કોઈ પણ બાબતમાં અંદાજીત ખર્ચની મંજુરી માંગવામાં આવે છે.બધુ પુરુ થઈ જાય પછી થયેલા વાસ્તવિક ખર્ચની મંજુરી માટે સ્ટેન્ડીંગ કમિટીની મંજુરી માટે દરખાસ્ત રજુ કરાય છે.અધિકારીના કહેવા
આભાર – નિહારીકા રવિયા  પ્રમાણે ,મુળ અંદાજીત રકમની માંગવામાં આવેલી મંજુરી અને કમિટીમાં આવતીમંજુરી માટેની દરખાસ્ત કે જેને બહાલી આપવામાં આવતી હોય છે એ મોટાભાગના કીસ્સાઓમાં અંદાજ કરતા વધુ જ હોય છે અને કમિટી એને બહાલી પણ આપવામાં આવતી હોય છે.

ક્રેઈનથી મૂર્તિઓ બહાર કાઢતી વખતે પ્રદુષણ જશે નદીમાં..
નદીમાં મૂર્તિના કલર અને રંગોના કેમિકલ જવાની સંભાવના મામલે અમપાના એક અધિકારીએ કહ્યુ,ક્રેઈનથી મૂર્તિ કુંડમાં નાંખતી વખતે પ્લાસ્ટીક ફાટવાની સંભાવનાને બદલે જે સમયે કુંડમાંથી મૂર્તિ બહાર કાઢવામાં આવશે એ સમયે પ્લાસ્ટીક ફાટી જવાની પુરેપુરી સંભાવના વધી જાય છે.આ કારણે કલર કે કેમિકલ કુંડની નીચે રહેલી નદીની રેતી દ્વારા નદીના પાણીમાં પ્રવેશવાની પુરેપુરી સંભાવના છે.આ કલર કે કેમિકલ રેતી શોષશે અને એ પાણી અંતે તો નદીમાં જ જવાનું છે.