અમપામાં સમાવાયેલા નવા વિસ્તારોને સો ટકા ડ્રેનેજ સિસ્ટમ પણ પૂરી પાડવાનાં ફાંફા

અમદાવાદ,તા.૨

અમપાની હદમાં સરદાર પટેલ રીંગરોડ આસપાસના નવા વિસ્તારોના સમાવેશની વધી રહેલી રાજકીય હીલચાલની વચ્ચે વર્ષ-૨૦૧૦માં અમપાની હદમાં જે વિસ્તારોનો સમાવેશ કરાયો છે એ વિસ્તારો સુધી પણ સો ટકા ડ્રેનેજ સિસ્ટમ પુરી પાડી શકાઈ નથી.ઓકટોબર-૨૦૨૦માં અમપાની આવી રહેલી સામાન્ય ચૂંટણી અગાઉ પોતાની વોટબેંકને મજબૂત કરવાની કોશિશમાં લાગેલા સત્તાધારીપક્ષની હીલચાલની વચ્ચે અમપાનુ તંત્ર નવી આવી પડનારી જવાબદારી સંભાળવા કેટલુ સજજ છે એ અંગે તપાસ કરતા ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે.

વર્ષ-૨૦૧૦માં અમપાની હદમાં આઠ નગરપાલિકા અને ૩૩ ગ્રામપંચાયતોનો સમાવેશ કરાયા બાદ નવા પશ્ચિમઝોનની રચના કરાઈ હતી.નવા પશ્ચિમઝોનમાં પણ વહીવટી અનુકુળતા માટે બે ભાગ પાડવામાં આવ્યા જેમાં ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ એમ બે વિભાગોનો સમાવેશ થાય છે.અમપાની હદમાં આ વિસ્તારોનો સમાવેશ કરાયા બાદ એકમાત્ર ઘાટલોડીયા વિસ્તાર એવો છે કે જયાં સો ટકા ડ્રેનેજ અને પાણીની સુવિધા અમપા આપી શકયુ છે.

અમપાના સૂત્રોના કહેવા મુજબ,ઘાટલોડીયાને મોટો ફાયદો પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને વર્તમાન કેન્દ્રીય મંત્રી અમિત શાહનો ગઢ હોવાને કારણે મળ્યો.કામો અને તેની મંજુરી,ગ્રાંટની રકમ પણ સમયસર મળી રહી.અન્ય વિસ્તારોમાં જયાં સુધી ડ્રેનેજને લાગેવળગે છે ત્યાં સુધી હજુ સુધી સો ટકા કામગીરી પુરી કરી શકાઈ નથી.ગોતા વિસ્તારની જા વાત કરવામાં આવે તો ગોતામાં હજુ સુધી પચાસ ટકા વિસ્તારમાં ડ્રેનેજલાઈન નાંખી શકાઈ છે.આજ પ્રમાણે જાધપુર વોર્ડમાં ચોવીસ કલાક પાણી આપવાના પ્રોજેકટની નવ વર્ષથી કામગીરી ચાલી રહી છે.સામે હજુ દસ ટકા વિસ્તારમાં ડ્રેનેજલાઈન નાંખવાની કામગીરી ચાલી રહી છે.

ચાંદલોડીયા વિસ્તારમાં ચાલીસ ટકા જેટલી કામગીરી ડ્રેનેજલાઈન નાંખી શકાઈ છે.બોડકદેવ વિસ્તારમાં ૬૦ ટકા ડ્રેનેજલાઈન નાંખી શકાઈ છે.થલતેજમાં ચાલીસ ટકા કામગીરી બાકી છે.અમપા હદમાં જે નવ વર્ષ પહેલા વિસ્તારો સમાવવામા આવ્યા તેમાં ગોતા,ઓગણજ વિસ્તારમાં કેટલીક ટાઉનપ્લાનિંગ સ્કીમો એવી છે કે,જેમાં હજુ રસ્તા પણ ખુલ્યા નથી જેથી ત્યાં નો મેન્સ લેન્ડ જેવી પરિસ્થિતિ હોઈ ડ્રેનેજલાઈન નાંખવાની કામગીરી પાઈપલાઈનમાં છે.

નવા વિસ્તારોના સમાવેશથી કઈ-કઈ મુશ્કેલી સર્જાઈ શકે.. 

૧.હાલના વહીવટી માળખામાં ટેકનીકલ અને નોન-ટેકનીકલ એમ બંને પ્રકારના સ્ટાફની મોટાપાયે ભરતી કરવી પડે.

૨.અમપામાં છેલ્લા દસ વર્ષથી મોટાભાગની કામગીરી આઉટ સો‹સગની મદદથી બહારના કોન્ટ્રાકટર પાસે મેનપાવર મંગાવીને કરાઈ રહી છે.

૩.હાલ અમપાનુ વાર્ષિક બજેટ રૂપિયા આઠ હજાર કરોડ છે એ વધારીને અંદાજે દસ હજાર કરોડ કરવુ પડે.

૪.નવા સંભવિત સમાવવામા આવનારા વિસ્તારોમાં ડ્રેનેજલાઈન નાંખવા માટે નાના-મોટા તમામ રોડ ખોદવા પડે.

૫.નવા તમામ વિસ્તારોમાં ડ્રેનેજલાઈન નાંખવામાં અંદાજે ત્રણ વર્ષ જેટલો સમય લાગી શકે છે.

૬.આ ડ્રેનેજલાઈન નાંખવા જયાં દબાણો હોય કે ગેરકાયદેસર બાંધકામો થઈ ગયા હોય એને દુર કરવા પડે.

અમપા એકલા હાથે પહોંચી નહીં વળી શકે

અમપાની હદમાં નવા વિસ્તારોના સમાવેશની વાતોની વચ્ચે અમપાના એક અધિકારીના કહેવા પ્રમાણે આ નવા વિસ્તારોમાં પાયાની સુવિધા પુરી પાડવા જંગી રકમનુ ભંડોળ એલોકેટ કરવુ પડે.માત્ર અમપાને માથે જવાબદારી ઢોળવાની વાત હોય તો એ શરૂઆતમાં બહુ બહુ તો ૨૫ કે ૫૦ કરોડ ફાળવે બે વર્ષ પછી તો એ પણ બાર-પંદર કરોડ ઉપર આવી જાય.

૩૩ વર્ષ થયા હજુ સુધી ઉત્તર-પૂર્વને પ્રાથમિક સુવિધા આપી શકાઈ નથી

નવા વિસ્તારોના સમાવેશની વાતોની વચ્ચે અમપાના એક નિવૃત્ત અધિકારીએ કહ્યુ,વર્ષ-૧૯૮૬માં અમપામા ઉત્તર અને પૂર્વના વિસ્તારોનો સમાવેશ કરાયો હતો.આ વિસ્તારોને ૩૩ વર્ષ પછી પણ અમપા નળ,ગટર અને રસ્તાની સુવિધા પુરી પાડવામાં પહોંચી વળ્યુ નથી તો નવા વિસ્તારો લઈને એ વિસ્તારોનો વિકાસ કેટલા વર્ષે થઈ શકશે એ વિચારવા જેવી બાબત છે.