અમપા ફાયરના ૧૫ જવાનો રાષ્ટ્રપતિ ગેલેન્ટરી ભથ્થા,મેરોટીયસ ઈન્ક્રીમેન્ટથી વંચિત

અમદાવાદ,તા.૨૮
અમદાવાદ શહેરમાં વર્ષ-૨૦૦૨માં ગોધરાકાંડ બાદ કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા.એ સમયે શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલા અંડરપાસ નજીકની હોટલ મોતી મનોર નામની હોટલમાં તોફાની ટોળા દ્વારા આગ લગાવવામાં આવી હતી.આ આગમાં પોતાના જીવને પણ જાખમમાં મુકીને અમદાવાદ ફાયરના જવાનો દ્વારા સતત ચાર કલાકની ભારે જહેમત બાદ આગમાં ફસાયેલા ૧૮ લોકોને જીવતા બચાવી લેવામાં આવ્યા હતા.આ ઘટના બાદ ભારતના રાષ્ટ્રપતિ દ્વારા ફાયર સર્વિસ માટે આપવામાં આવતા ગેલેન્ટરી એવોર્ડ માટે કુલ ૧૧ લોકોની પસંદગી કરાઈ હતી.આ ૧૧ પૈકી માત્ર બેને ગુજરાત હાઈકોર્ટના ઓર્ડર બાદ ભથ્થુ આપવામાં આવ્યુ છે.ઉપરાંત ૧૧ પૈકી છ હજુ ફાયર વિભાગમાં ફરજ બજાવે છે.

શું અમારે ફાયરની ચાલુ નોકરી છોડીને કોર્ટમાં જવું?

અમદાવાદ ફાયર વિભાગના ચાર અધિકારીઓ એવા છે જેમને વિશિષ્ટ સેવા માટે મેરીટોરીયસ એવોર્ડ આપવામાં આવ્યો છે.જે અંગે કરાયેલા ઠરાવ અનુસાર દર મહીને તેમને પગાર સાથે રૂપિયા બે હજાર ભથ્થુ આપવુ જોઈએ.પણ આજે આઠ વર્ષ બાદ પણ આ ઠરાવનો અમલ કરાયો નથી.જે લોકોને ભથ્થુ કે ઈન્ક્રીમેન્ટ આપવામાં નથી આવ્યા એ એવો સવાલ પુછી રહ્યા છે કે,શું અમારે ફાયરની ચાલુ નોકરી છોડીને કોર્ટમાં જવું?

માત્ર બે ને ભથ્થુ મળ્યુ

નિવૃતી બાદ ફાયરના જવાનોના પરીવારજનોને પેન્શન સાથે પણ દર મહીને નકકી કરવામાં આવેલુ ભથ્થુ આપવા રાષ્ટ્રપતિ અને કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને એક જાહેરનામા દ્વારા જાણ કરવામાં આવી હતી.આમ છતાં આ ભથ્થુ ન મળતા આ જવાનો પૈકી કેટલાક હાઈકોર્ટમાં જતા હાઈકોર્ટે કરેલા ઓર્ડર મુજબ દાદુભા ગઢવી નિવૃત્ત ચીફ ફાયર ઓફીસર અને અનવર મલિક ફાયરમેનના કેસમાં આ ભથ્થુ ચુકવી આપવા આદેશ કરતા આ બંનેને ભથ્થુ આપવામાં આવ્યુ છે.

આજ સુધી ઈન્ક્રીમેન્ટ નહી

અમદાવાદ ફાયરવિભાગના હાલના ચીફ ફાયર ઓફીસર,ડીવીઝનલ ચીફ ફાયર ઓફીસર સહીતના કેટલાક એવા અધિકારીઓ પણ છે જેમને વિશિષ્ટ સેવા માટે મેરીટોરીયસ એવોર્ડ આપવામાં આવ્યો છે.વર્ષ-૨૦૧૧માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ લોકોને દર મહીને એક ઈન્ક્રીમેન્ટ આપવા પહેલા સ્ટેન્ડીંગ કમિટી અને બાદમાં જનરલ બોર્ડમાં મંજુરી આપી છે.છતાં આજદીન સુધી તેમને ઈન્ક્રીમેન્ટ આપવામાં આવ્યા નથી.

પૂર્વ મેયર ગૌતમ શાહે ફાયરજવાનોને સ્લીપર પહેરી ફરજ બજાવતા જોયા હતા
અમપાના પૂર્વ મેયર ગૌતમ શાહ જે સમયે મેયર તરીકે હતા એ સમયે વર્ષ-૨૦૧૫-૧૬માં શહેરના મીઠાખળી વિસ્તારમાં આવેલા એક કોમર્શીયલ કોંપલેક્ષમાં ભીષણ આગ લાગતા ઘટના સ્થળે દોડી ગયા હતા.આ સમયે ફાયરમેનો પગમાં સ્લીપર પહેરીને આગ બુઝાવવાની કામગીરી કરતા હોવાનુ તેમણે નજરોનજર જાતા તાકીદે ફાયરમેનોને ગમબુટ અને ગણવેશ આપવાની દરખાસ્ત સ્ટેન્ડીંગ કમિટીમાં મંજુર કરાવી હતી.
પ્રેસીડેન્ટ ગેલેન્ટરી એવોર્ડમાં શુ છે?
રાષ્ટ્રપતિ તરફથી ફાયર સર્વિસ માટે પ્રેસીડેન્ટ ગેલેન્ટરી એવોર્ડ આપવામાં આવે છે.આ એવોર્ડ માટે વર્ષ-૨૦૦૨ પહેલા દર મહીને રૂપિયા ૬૦ ભથ્થુ આપવાનો નિયમ હતો.બાદમાં માર્ચ-૨૦૧૫થી એમાં સુધારો કરીને દર મહીને રૂપિયા બે હજાર ભથ્થુ આપવા ઠરાવ કરવામાં આવ્યો છે.
ગેલેન્ટરી એવોર્ડ માટે પસંદ કરાયેલા હાલમાં નિવૃત્ત જવાનો
વર્ષ-૨૦૦૨માં જેમની પસંદગી કરાઈ હતી તેમાં બિપીન જાડેજા,ગુલામનબી બોરડીયા,કીરીટ પટેલ,પ્રેમનારાયણ દુબે અને અનવર મલીક હાલ નિવૃત્ત થઈ ગયા છે.
હાલ ફરજ બજાવતા જવાનો..
જયેશ ખડીયા,વસંત મોરે,દીતાભાઈ રાઠોડ,હીતેશ પટેલ,રામજીભાઈ વાઘેલા અને જગદીશ નિનામા હાલ અમપા ફાયર વિભાગમાં ફરજ બજાવે છે.
મેરીટોરીયસ એવોર્ડ મેળવનારા અધિકારીઓ
હાલના ચીફ ફાયર ઓફીસર મહેરનુસ એફ દસ્તુર,ડીવીઝનલ ચીફ ફાયર ઓફીસર રાજેશ ભટ્ટ,મિથુન મિ†ી અને પી એસ પરમાર હાલ ફરજ બજાવી રહ્યા છે.
દાદુભા ગઢવીને વીસ વર્ષે ન્યાય મળ્યો..
અમપામાં ચીફ ફાયર ઓફીસર તરીકે જીવન પસાર કરવાવાળા મુળ સુરેન્દ્રનગરના દાદુભા ગઢવીને વર્ષ-૧૯૮૮થી ચાલતી લડત બાદ હાઈકોર્ટ દ્વારા ઓર્ડર કરાતા ન્યાય મળ્યો છે.
ફાયર જવાનો સાથે અન્યાયનો ઘટનાક્રમ

વર્ષ-૨૦૦૨માં શાહીબાગ વિસ્તારમાં ૧૮ લોકોને જીવતા બચાવાયા.
રાષ્ટ્રપતિ દ્વારા ગેલેન્ટરી એવોર્ડ માટે પસંદગી કરાઈ
કેન્દ્ર સરકારે ખાસ નોટીફિકેશન બહાર પાડયુ.
ગુજરાત સરકારના ચીફ સેક્રેટરી અને અમપા કમિશનરને જાણ કરાઈ.
વર્ષ-૨૦૦૨માં ગેલેન્ટરી એવોર્ડ અને મેરીટોરીયસ એવોર્ડ માટે સ્ટેન્ડીંગ કમિટી અને બાદમાં જનરલ બોર્ડમાં મંજુરી આપવામાં આવી.
વર્ષ-૨૦૧૭માં કેટલાક કર્મચારીઓ હાઈકોર્ટના શરણે ગયા.
ડીસેમ્બર-૨૦૧૮માં હાઈકોર્ટે દાદુભા ગઢવી અને અનવર મલિકને ભથ્થુ ચુકવી દેવા આોર્ડર કર્યો.