અમપા ફાયરબ્રિગેડના ફાયરમેનો ૧૫ વર્ષથી અંગારકોલના ભથ્થાથી વંચિત રહેતા રોષ

અમદાવાદ,તા.૨૦

અમપા હસ્તકના ફાયરવિભાગમાં ફરજ બજાવતા ૪૮૧ ફાયરમેનો અને ૫૪ જમાદારોને છેલ્લા પંદર વર્ષથી અમદાવાદ બહાર એટેન્ડ કરવામાં આવતા અંગારકોલ અને રેસ્કયુકોલ એટેન્ડ કરવા માટે મળવાપાત્ર ભથ્થુ આપવામાં ન આવતા ભારે નારાજગી પ્રવર્તી રહી છે.અમપાના છાસવારે યોજાયા વિવિધ કાર્યક્રમો ઉપરાંત મેયર,કમિશનર કચેરી ઉપરાંત પાર્કીંગમાં વાહનોને શિસ્તબધ્ધ મુકવા સુધીની તંત્ર ફાયરના જવાનો પાસે કા્ગીરી કરાવી રહી છે.પણ તેમને મળવાપાત્ર ભથ્થુ આપવામાં સત્તાધીશોને કોઈ રસ નથી.

આ અંગે મળતી માહીતી અનુસાર,અમપા ફાયરવિભાગમાં ફરજ બજાવતા જવાનો અમદાવાદ શહેરની બહાર અંગાર કોલ એટેન્ડ કરવા જાય કે રેસ્કયુની કામગીરી કરવા જાય તો તેમની કામગીરી જેટલા કલાક સુધી ચાલે એ સમય મુજબ,પ્રતિ કલાક ૭૦ રૂપિયાનુ ખાસ ભથ્થુ ચુકવવા સ્થાયી સમિતિ અને મ્યુનિસિપલ જનરલ બોર્ડ દ્વારા પંદર વર્ષ અગાઉ ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.આમ છતાં આજદીન સુધી ફાયરના જવાનો કે જમાદારોને અમપા તરફથી આ ભથ્થુ આપવામાં આવ્યુ નથી.

અમપા તરફથી અમદાવાદ શહેરમાં આયોજીત વિવિધ કાર્યક્રમો,સમારંભોમા કે પછી અમદાવાદ શહેરની મુલાકાતે કોઈ રાજકીય નેતા કે મંત્રી આવવાના હોય એ સમયે અમદાવાદ એરપોર્ટ ઉપરાંત તેમનો જયાં કાર્યક્રમ યોજાવાનો હોય એ સ્થળે પણ ફાયરની એક ટીમ એમબ્યુલન્સ અને ફાયર ફાઈટર સાથે કાર્યક્રમ પુરો થાય ત્યાં સુધી તૈનાત કરવામાં આવે છે.આ કામગીરી માટે હાજર એવા ફાયરના જવાનોને પ્રતિ કલાક સિત્તેર રૂપિયા ખાસ ભથ્થુ આપવાનો ઠરાવ પસાર કરાયો હોવાછતાં આજદીન સુધી એકપણ ફાયરના જવાનોને આ ભથ્થુ આપવામાં આવ્યુ નથી.