અમરેલીના દુધાળા ગામે બનાવાયું હરિકૃષ્ણ સરોવર

ભારતની જાણીતી હીરાની કંપની હરિકૃષ્ણ ડાયમંડ્‌સના સ્થાપક અને અમરેલી જિલ્લાના લાઠી પાસેના દુધાળા ગામના વતની-ઉદ્યોગપતિ સવજીભાઈ ધોળકિયાએ એક મહિના સુધી ગાગડિયા નદી, પડતર જમીન અને નદીના કિનારાની દોઢસો એકર જેટલી જમીનમાં લાખો લિટર પાણીનો સંગ્રહ થઈ શકે એ માટે નદીને પહોળી-ઊંડી કરવાનું કામ આદરેલું. સવા લાખ ટન માટી કાઢી તેનો ઉપયોગ પડતર જમીનમાં એક નાનકડું સ્ટેડિયમ તૈયાર કરવામાં કર્યો હતો.

સિમેન્ટ કાઁક્રિટના ચાર મોટા બંધારા બાંધવામાં આવ્યા છે. સરકાર કે બીજા કોઈની એક રૂપિયાનીય મદદ લીધી નથી. સવજીભાઈ ધોળકિયા તથા એમની ટીમે સ્પીડ બોટથી સરોવરની સેર કરી હતી.

કલ્પના પણ ન કરી શકે કે અહીં આવું સરોવર બની શકે. દોઢસો એકર જમીનમાં ચાર બંધારામાં સર્જાયેલા આ સરોવર જાણે આંખની સામે દરિયો ધુઘવતો હોય એવું લાગે છે. એનો લાભ આસપાસના ગામના હજારો ખેડૂતોને થશે અને પાણીની સમસ્યાનો કાયમી ઊકેલ આવશે. કોઈ વતનપ્રેમી માટે આનાથી મોટો સંતોષ જીવનમાં શું હોઈ શકે?

માનવી ધારે તો કઠિનમાં કઠિન કામ મક્કમતા અને શરીર ઘસાઈ જાય એટલા પરિશ્રમથી પાર પાડી શકે. કાયમ ઍરકન્ડિશન્ડમાં રહેતા સવજીભાઈ ધોળકિયાએ આ ઉનાળામાં અમેરિકામાં ફરવા જવાને બદલે દુધાળા ગામની પાણીની સમસ્યા કાયમ માટે ઉકેલવા માટે સંકલ્પ કર્યો હતો. એમણે કાયમ સુકી ભઠ રહેતી જમીનમાં સરોવરરૂપી અમૃત આકાશમાંથી ઉતારીને લોકોને ચરણે ધરીને સમાજમાં ઉદાહરણ પૂરું પાડ્યું છે. NEWBHARATNEWS July 23, 2017