અમરેલીના સરપંચનું અમદાવાદથી અપહરણ, હીરાનો ધંધો કાણભૂત

અમદાવાદ સ્થિત એસ.જી.હાઈવે ઉપર થી અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના કાનાતળાવ ગામના સરપંચ અનિલ રાદડિયાનું અપહરણ કર્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસ અને ભોગ બનનારના નિવેદન મુજબ જમીન અને હીરાના વેપારમાં અમદાવાદથી અપહરણ કર્યું હતું અને અપહરણ બાદ અનિલ રાદડિયાને મહેસાણા સ્થિત યોગેશ્વર ગેસ્ટહાઉસમાં ગોંધી રાખી મૂઢ માર માર્યો હતો. જોકે મહેસાણા જિલ્લા પોલીસને મોડી રાત્રે બાતમી મળતાં ભોગ બનનારને અપહરણકારોની ચુંગલ માંથી છોડાવી અપહરણકારોને ઝડપી પાડવામાં આવ્યા છે.
અમરેલી જિલ્લા કાનાતળાવ ગામના સરપંચ અનિલ રાદડિયા પોતાના ગ્રામપંચાયતના કામે ગાંધીનગર આવ્યા હતા અને તે દરમિયાન સુરત મુકામે રહેતાં ચાર શખ્સોએ અનિલ રાદડિયાનો હીરાના વેપારના બહાને સંપર્ક કર્યો હતો. વિજય સગર, દરબાર પ્રતાપ, યુવરાજસિંહ વાળા અને આયર કેતન પિસ્તોલ અને ત્રણ છરી સાથે આવેલા આ ત્રણે શખ્સોએ સરપંચ અનિલ રાદડિયાનું એસ.જી.હાઈવે ઉપરથી કારમાં અપહરણ કર્યું હતું. જોકે ચારે અપહરણકારોએ અપહરણ કર્યા બાદ અનિલ રાદડિયાને ઢોર માર માર્યો હતો.
અમદાવાદ એસ.જી.હાઈવે ઉપરથી અપહરણ કરી મૂઢ માર્યા બાદ મહેસાણામાં રાધનપુર ચાર રસ્તા નજીક આવેલા યોગેશ્વર ગેસ્ટ હાઉસમાં અપહ્રત અનિલ રાદડિયાને ગોંધી રાખવામાં આવ્યો હતો. જોકે અપહરણ અને મૂઢ માર મારવાની ઘટનામાં યોગેશ્વર ગેસ્ટ હાઉસે અપહરણકારોને રૂમ આપ્યો કેવી રીતે ? એ પ્રશ્ન પણ ઉઠવા પામ્યો છે. જોકે પોલીસને સમયસર મળેલી બાતમીના કારણે ભોગ બનનાર અનિલ રાદડિયાને બચાવી લેવામાં આવ્યો છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં જમીન અને હીરાનો વેપાર એમ બંને બાબતો હાલ પ્રકાશમાં આવી છે, જોકે એક વાત નિશ્ચિત છે કે પિસ્તોલ અને છરીઓ સાથે આવેલા અપહરણકારો પાસેથી પોલીસે સમયસર છોડાવ્યો ન હોત તો કદાચ મોટી અનિચ્છનીય ઘટના ઘટી ગઈ હોત.