અમરેલી,તા:૨૮ તાલાલાના ધુસિયા ગામની વડોદરામાં નોકરી કરતી યુવતીએ પિતા પાસેથી નાણાં પડાવવા માટે પોતાના અપહરણનું તરકટ ઊભું કર્યું, જેમાં તેના પ્રેમીએ તેનો સાથ આપ્યો. યુવતીએ અપહરણનું નાટક કરી પિતાને રૂ.2.5 કરોડની ખંડણી માટે પરપ્રાંતીય યુવક પાસેથી હિન્દીમાં ફોન કરાવ્યો હતો.
તાલાલાના ધુસિયા ગામના નગાભાઈ બારડની પુત્રી દિશા વડોદરામાં કો-જેન્ટ કંપનીમાં કામ કરતી હતી, જ્યાં તેણે તેના પ્રેમી સાથે મળીને પોતાના જ અપહરણનું નાટક કર્યું હતું. આ અંગે ખુદ યુવતીના ભાઈ રાણાભાઈ બારડે પોલીસ ફરિયાદ નોંધાવી છે. 23 સપ્ટેમ્બરે દિશાએ અમદાવાદથી ઘરે આવવા માટે નીકળી હોવાનો ફોન કર્યો હતો, જો કે બાદમાં દિશાએ તેનું અપહરણ થયું હોવા અંગે ફોન કર્યો હતો અને જણાવ્યું હતું કે, -અપહરણકારો અઢી કરોડ આપે તો જ મને છોડશે- આટલું કહી તેણે ફોન કાપી નાખ્યો હતો.
અપહરણનું નાટક કર્યા બાદ કોઈ હિન્દીભાષી યુવક પાસેથી યુવતીએ તેના પિતાને રૂ.2.5 કરોડ આપવા અંગે ધમકીભર્યા ફોન કરાવ્યા હતા. જે અંગે 2.5 કરોડ લઈને 25 સપ્ટેમ્બરે ધારીરોડ આવી જવા જણાવવામાં આવ્યું હતું. જો કે ગભરાઈ જઈને નગાભાઈ અને તેમને પુત્ર રાણાભાઈ અમરેલી સિટી પોલીસ મથકે દોડી ગયા હતા. પોલીસે અપહરણની ફરિયાદને ગંભીરતાથી લઈ તપાસ હાથ ધરતાં સમગ્ર તરકટનો પર્દાફાશ થયો હતો. પોલીસની તપાસમાં ખૂલ્યું હતું કે યુવતીનું અપહરણ નથી થયું, માત્ર પિતા પાસેથી મોટી રકમ વસૂલવા માટે તેણે આ નાટક કર્યું હતું. ઉપરાંત તેણે આકાશ નામના યુવક સાથે લગ્ન પણ કરી લીધાં છે.