અમરેલી બેઠક પરથી પરેશ ધાનાણી જીતે એવી અંદરખાને ભાજપમાં ચાલી રહેલી રાજરમત અંગે ભાજપના નેતાઓને ખ્યાલ આવી જતાં વારંવાર પક્ષપટા માટે જાણીતા બાવકુ ઉંધાડને ફાયર કરવામાં આવ્યા હતા. તેઓ અમરેલી બેઠક પરથી વિધાનસભાની પેટી ચૂંટણી લડવા માટે તૈયારી કરી રહ્યાં હતા. તે અંગે ગુપ્તચરોએ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને જાણ કરતાં તેમણે બાવકુ ઉંઘાડને જમીન પર રહેવા અને લોકસભા બેઠક જીતાડવા કામે લાગી જવા ઠપકો આપી પક્ષ માટે કામ કરતાં સલાહ આપી હતી.
અમરેલીમાં પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમરેલીના તમામ ભાજપના નેતાઓ અને આગેવાનો સાથે લોકસભાની ચૂંટણીના પ્રચારને લઈને બેઠક કરી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 2017માં હારી ગયેલા અને કોંગ્રેસમાંથી ભાજપમાં આલેલા પુર્વ ધારાસભ્ય બાવકુ ઉંઘાડનું નામ લઈને તમામ હોદ્દેદારો વચ્ચે ખખડાવ્યા હોવાની માહિતી સુત્રો પાસેથી મળી રહી છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બધા હોદ્દેદારો અને નેતાઓની હાજરીમાં પૂર્વ ધારાસભ્ય બાવકુ ઉંધાડનો ઉધડો લીધો હતો. લોકસભા બેઠક ફેંકી દઈને પેટા ચૂંટણી નહીં કરવા માટે ટકોર કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીને જાણવા મળ્યું હતું કે, અમરેલી લોકસભાની બેઠકને કોંગ્રેસ તરફી જવા દઈને અમરેલી વિધાનસભાની બેઠક પરથી ફરીથી પેટા ચૂંટણી કરવાની અંદરખાને તૈયારીઓ ચાલી રહી હતી. આ જ કારણે મુખ્યમંત્રીએ અમરેલી જિલ્લાના આગેવાનો અને હોદ્દેદારોનો રાઉન્ડ લીધો હોવાની ચર્ચા થઈ રહી છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતુ કે, સંગઠનના બધા જ મિત્રો કોઈપણ ભેદભાવ રાખ્યા વગર કામે લાગી જાવ. આગામી દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમરેલીમાં આવી રહ્યા છે. આ પ્રકારની નિષ્ક્રિયતા નહીં ચાલે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બધા આગેવાની વચ્ચે પૂર્વ ધારાસભ્ય બાવકુ ઉંધાડને ખખડાવતા નેતાઓનો ગણગણાટ શરૂ થઈ ગયો હતો અને બેઠક પૂર્ણ થયા પછી બાવકુ ઉંધાડના મોઢા પર નિરાશા હોવાની વાતો પણ ચર્ચાઈ રહી છે.