અમરેલીમાં ભાજપે ધારાસભ્યોની બેઠકો ગુમાવી અને તાલુકા તથા જિલ્લા પંચાયત ગુમાવી તેથી વેરની વસુલાત થઈ રહી હોવાનું મોટા ભાગના લોકો માની રહ્યા છે. 5 લાખથી વધુ હેક્ટરમાં થયેલા વાવેતરમાં સૌથી વધુ વાવેતર કપાસનું 375179, મગફળીનું 126273, બાજરીનું 2708, તલનું 4411, શાકભાજીનું 4394 અને ઘાસચારો 33477 હેકટરમાં વાવેતર થયેલ છે. પરંતુ પાણીના અભાવે સૌથી વધુ નુકશાન કપાસના પાકને થઈ રહ્યું છે. કપાસનું વાવેતર સાવરકુંડલામાં 82350, રાજુલામાં 46146, લાઠીમાં 53570, ધારીમાં 69657 હેક્ટરમાં થયું છે જે હવે સાવ નિષ્ફળ ગયું છે. ચાલુ વર્ષે 4થી 10 ઇંચ જેટલો વરસાદ થયો છે, જે શરૂઆતના એક મહિનામાં જ થયો હતો. છેલ્લાં ત્રણ મહિનામાં મોટા ભાગના વિસ્તારમાં વરસાદ થયો નથી.
કલ્પસર હોત તો દુષ્કાલ ન હોત.
2003માં ગુજરાતની ભાજપ સરકારે કલ્પસરનું ખાતમુર્હુત કર્યા બાદ ગુજરાત વિશ્વ કક્ષાએ સોનાના દાણા પકવતું રાજય સાબિત થશે અને ગુજરાતનો ખેડૂત વિશ્વની મુસાફરી કરતો થશે તેવા સપનાઓ દેખાડાયા બાદ જે કલ્પસર 2008માં પૂરી થવાની હતી તે હજી સુધી શરૂ પણ થઈ નથી. કલ્પસર પાછળ 300 કરોડનો અંદાજીત ખર્ચ કર્યો છે. પણ કલ્પસરનો પાયો પણ ખોદ્યો નથી. અહીં નર્મદાના પાણી આપી શકાતાં નથી. બીજી કોઈ સિંચાઈના બંધની યોજના નથી તેથી એક માત્ર કલ્પસર યોજના જ કામની છે.
વૈશ્વિકરણ
1992માં વૈશ્વિકરણ અને મુકત બજાર વ્યવસ્થાની આર્થિક નીતિ દેશમાં અપનાવવામાં આવી, ત્યારે દેશનો ખેડૂત સમૃદ્ધ થશે એવી જાહેરાત કરાઈ હતી. રાસાયણિક ખાતર અને બિયારણો ઉપર આપવામાં આવતી સબસીડી બંધ કરવાથી અને ડીઝલના ભાવો વધવાથી લાગત ખર્ચાઓ વધવાથી અને ઉત્પાદિત માલની સારી કિંમત ન મળવાથી વૈશ્વિકરણની અવળી અસર થવા પામેલી છે. ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવાને બદલે ખરાબ થયેલ છે. જેની જવાબદારી સરકાર લેવા તૈયાર નથી.
ખેડૂતોને રાજકારણ ભરખી ગયું
અસરગ્રસ્ત જાહેર કરીને પાકવીમો અને સરકારી સહાય મળે એવા પગલાં ભરવા માંગણી ખેડૂતો કરી રહ્યાં છે પણ તેમાં કઈ થતું નથી. ગુજરાતમાં ભાજપ સરકારને 2017ની ચૂંટણીમાં જે વિસ્તારમાં પરાજયનો સામનો કરવો પડયો હતો તે વિસ્તારમાં બાકી રાખીને જે વિસ્તારો ભાજપથી પ્રભાવિત થયા હતા તે ગુજરાતના 51 તાલુકાઓને અસરગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા હતા.
કચ્છ પછી અમરેલી અસરગ્રસ્ત
ગુજરાતભરમાં સૌથી દુષ્કાળની સ્થિતિ કચ્છ અને બીજા નંબરે અમરેલી આવે છે. જયાં અમરેલી આખા જિલ્લામાં વિધાનસભાની અને તાલુકા તથા જિલ્લા પંચાયતમાં ભાજપ પરાસ્ત થયેલો હોવાથી અમરેલીનો એકપણ તાલુકાનો સમાવેશ અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો નથી. ખેડૂતોના મતથી જીતેલી કોંગ્રેસ અમરેલી જિલ્લાના ખેડૂતોની અવદશા જોવા માટે ધારાસભ્યો બહાર નિકળતાં નથી. ધારાસભ્યોએ પગાર વધારો લઈ લીધો છે. અમરેલી સહિત સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં કોંગ્રેસને જીત મળી છે તે જીતનો ભોગ આજનો ખેડૂત બન્યો છે. તમામ ખેડૂતોની પરિસ્થિતિમાં મદદ કરવા માટે ભાજપ કે કોંગ્રેસ ધ્યાન આપતી નથી.
સાવરકુંડલાની કફોડી હાલત
સાવરકુંડલા તાલુકામાં વરસાદનાં કારણે ખેતીપાક નિષ્ફળ ગયો છે, ત્યારે બીજી તરફ હીરા ઉદ્યોગની મંદીએ પણ ગામનાં હાલ-બેહાલ કરી નાખ્યા છે. વરસાદનાં અભાવે આંબરડી ગામની 8 હજાર આસપાસની વસ્તી અને 3 હજાર પશુધનની હાલત કફોડી થઈ છે. કપાસ, મગફળીનો પાક નિષ્ફળ ગયો છે અને આગામી દિવસોમાં પીવાનાં પાણીની મુશ્કેલી વર્તાઈ રહી છે. ત્યારે સરકાર આ ગામને મુશ્કેલીમાંથી ઉગારવા માટે કંઈક આગોતરા પગલા લે એવી માંગણી કરી છે.
આપઘાત કરતાં ખેડૂતો
અમરેલી જીલ્લામાં વરસાદ ન પડતાં પાક નિષ્ફળ જવાથી ખેડૂતોએ આપઘાત કર્યા છે. ખેતી અને હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ છે. ખેડૂતોએ ખાતર-બિયારણનો બબ્બે વાર વાવણી કરી શરૂઆતમાં સારો વરસાદ થતાં ખેડૂતોને આશા બંધાણી હતી કે પાક સારો નીવડશે. અહીં હજજારો એકર જમીનમાં માત્ર વરસાદ ઉપર જ આધારિત ખેતી થાય છે. અહીં કોઈ ડેમ કે નહેર નથી ત્યારે માત્ર વરસાદનાં પાણી આધારીત ખેતી હાલ નિરાધાર બની ગઈ છે. અને છેલ્લા દોઢેક માસથી વરસાદનાં પાણીનું ટીપુ પણ નથી પડયુ ત્યારે હાલ કપાસની સ્થિતિ સાવ નિષ્ફળ નિવડી છે. ગ્રામજનો, ખેડૂતો નિરાશ બન્યા છે. જોકે આ ગામનાં યુવાનો સુરત, અમદાવાદમાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે, તેથી ખેતીનાં નબળા વર્ષમાં સહાયરૂપ બનતા હતા પરંતુ હીરાઉદ્યોગની મંદીનાં કારણે આ વર્ષે એ આશા પણ છોડી દેવાઈ છે. જિલ્લામાં વ્યાજખોરી, ચોરી, લૂંટ, ધાકધમકી, રોમિયોગીરી, જેવા બનાવોથી સજજન પરિવારોમાં ચિંતા છે. જિલ્લામાં શિક્ષણ, આરોગ્ય, પરિવહન, માર્ગો સહિત અનેક સમસ્યાઓ યથાવત હોવાથી, જિલ્લાનાં સેંકડો પરિવારો આગામી દિવસોમાં મહાનગરો તરફ સ્થળાંતર કરે તેવું ચિત્ર ઉપસી રહૃાું છે.
હિજરત શરૂ થશે
અમરેલી જિલ્લામાં નોટબંધી, જીએસટી અને હવે દુષ્કાળનાં કારણે પીવાનું અને સિંચાઈનું પાણી, ઘાસચારો અને રોજગારીની તકલીફ ઉભી થવાનાં એંધાણ હોય દિવાળીના તહેવારો બાદ સમગ્ર જિલ્લામાંથી અનેક પરિવારો અન્ય મહાનગરો તરફ સ્થળાંતર કરશે. ગામનાં વયોવૃદ્ધ ખેડૂતોનાં જણાવ્યા મુજબ આ ગામમાં આવી કફોડી સ્થિતિ કયારેય જોવા મળી નથી. જિલ્લામાં લઘુ, મઘ્યમ અને મહાકાય ઉદ્યોગોની સ્થાપના કરવામાં રાજકીય આગેવાનો સદંતર નિષ્ફળ રહૃાા છે. દરેક તાલુકા મથકોએ જીઆઈડીસીની સ્થાપના કરવામા આવી નથી. હીરા ઉદ્યોગમાં એક દાયકાથી મંદીનો માહોલ હોય, ઓનલાઈન વેપારથી નાના-મોટા વેપારીઓ નવરાધૂપ બન્યા હોય, સમગ્ર અર્થતંત્ર કૃષિ આધારિત હોય અને તેમાં અપૂરતો વરસાદ થતાં જિલ્લામાં આર્થિક મંદી વિકરાળરૂપ ધારણ કરે તે એંધાણ સ્પષ્ટ જોવા મળી રહૃાા છે.
ત્રણ મહિના વરસાદ ન પડ્યો
1પ જુલાઈ પછી સાબરકુંડલા સહિત ઘણાં વિસ્તારોમાં ત્રણ માસ સતત વરસાદ ન પડવાને કારણે શીંગ, કપાસ અને અન્ય પાકોને છોડની વૃઘ્ધિ થઈ નહી. શીંગ, તલ, કઠોળ એ 90 દિવસનો મુદતી પાક છે, તે થયા નહીં. જે ખેડૂતને કુવા અને બોરની સવલત હોય તે ખેડૂતોએ પાકને બચાવવા માટે રાત-દિવસ મહેનત કરી પરંતુ વીજળીનો અભાવ, રોજ, ભુંડ અને હિંસક પ્રાણીઓના ભયને કારણે ખેડૂતો પુરતું પાણી આપી શકયા નહીં તેમજ હવામાં ભેજનું પ્રમાણ ઓછું રહેવાથી પાયેલા પાકમાં પણ કોઈ મોટો ફાયદો થયો નહી. સતત ત્રણ માસ સુધી વરસાદ ન પડવાથી આ પાકના છોડનો વિકાસ પણ થયો નથી તેના પર ફળ અને ફુલ જે બેસવા જોઈએ તે બેઠા નથી.
વીમો આપો
સરકારે યુઘ્ધના ધોરણે ક્રોપ કટીંગ કરી સરકારની જે જુની નીતિ-રીતિ છે, જુના મહેસુલી કાયદાઓમાં જે તાલુકામાં 6 ઈંચ કરતા વધારે વરસાદ પડયો હોય ત્યાં અછત જાહેર કરાતી નથી. પરંતુ આ વર્ષે જુલાઈ મહિનામાં જ એકી સાથે આ તાલુકામાં વરસાદ પડી ગયો પછી વરસાદ ન થવાના કારણે દુષ્કાળની પરિસ્થિતિ સર્જાણી છે. આવતા દિવસોમાં આ ઘણાં વિસ્તારમાં પીવાના પાણીનો પ્રશ્ન,ઘાસચારાનો પ્રશ્ન અને ગામડાની 80% પ્રજા ખેતી ઉપર નભનારી હોય જેથી ખેતીકામ મળતું નથી. રોજગારીનો પ્રશ્ન પણ ઉપસ્થિત થયો છે. સરકાર દુષ્કાળગ્રસ્ત જાહેર કરી રોજગારી, ઘાસચારો અને પીવાના પાણીની વ્યવસ્થા કરે એવી માંઘણી છે. ગત વર્ષે વીમા કંપનીની ક્રોપ કટીંગ કરવાની ખોટી પઘ્ધતિના કારણે મોટાભાગના ગામો વીમાની રકમથી વંચિત રહ્યાં છે. આ વર્ષે પણ દુષ્કાળ છે. વીમા કંપનીએ તાત્કાલીક ક્રોપ કટીંગ કરી અને ત્રણ માસમાં ખેડૂતને વીમાની રકમ મળે તેવા પ્રયત્ન સરકારે કરવા જોઈએ નહીંતર આ વર્ષે ખેડૂતો પોતાની આર્થિક સ્થિતિ નબળી બનવાને કારણે મુશ્કેલીમાં મુકાશે અને કોઈપણ પ્રકારનું સરકારનું લેણું અને વીજબીલ, મહેસુલ, પાકધીરાણ લોન ભરી શકશે નહી.
માફી આપો
ખેડૂતોએ લીધેલા દરેક બેંકોમાંથી પાક ધિરાણ તેમજ ખેતીમાંથી લીધેલી દરેક પ્રકારની લોન માફી આપવાની માગણી કરવામાં આવી છે. ખેત ઓજાર તેમજ બિયારણ, જંતુનાશક દવા, ખાતર તેમજ ખેતીમાં વપરાતા ટ્રેક્ટર, ટ્રેઈલર વગેરે પરથી વેરો દૂર કરી દેવો જોઈએ. પાક બચાવવા સળંગ એક ધારી 10 કલાક વિજળી આપવી. નબળું વર્ષ છે ત્યારે દુષ્કાળ જેવી પરિસ્થિતિમાં ખેતી વીજ જોડાણ જે ખેડૂતોને છે તેને થ્રીફેઝ વીજ કનેક્શનમાં એક વર્ષ માટે વીજ બીલ માફી આપવી જોઈએ.
કેન્દ્રિય કૃષિ પ્રધાનના જિલ્લામાં સૌથી વધું મુશ્કેલી
ભાજપના નેતાઓ ખેડૂતોનાં હિતેચ્છુ હોવાનું કહે છે પણ તેઓ ખેડૂતની મદદમાં આવતા નથી. કેન્દ્રમાં કૃષિમંત્રી પરસોત્તમ રૂપાલા અમરેલીનાં હોવા છતાં જિલ્લાનાં ખેડૂતોની હાલત કસોટીરૂપ બની ગઈ છે. રૂપાલાએ આ અંગે ભારત સરકાર કે ગુજરાત સરકારમાં કોઈ પ્રયાસ કર્યા નથી. અમરેલી રાજકારણીઓ અને અધિકારીઓ માટે ઓરમાયો વિસ્તાર હોય તેમ બધા વર્તી રહ્યાં છે. ઊર્જા પ્રધાન સૌરભ પટેલે 10 કલાક વીજળી મળતી હોવાનું ખેડૂતોને કહ્યું છે પણ અહીં 5 કલાક પણ વીજળી મળતી નથી. તેથી ખેડૂતોએ PGVCLની કચેરીએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. અમરેલી જિલ્લામાં ધારી, ખાંભા અને જાફરાબાદ તાલુકામાં અનેક ગામમાં વીજળી 5 કલાક મળતી નથી. તેથી પાક સૂકાઈ ગયો હતો.
ખર્ચ નકામા ગયા
તેવા સંજોગોમાં હાલ દુષ્કાળ જેવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે. ખાતર, બિયારણ, જંતુનાશક દવા, ખેડ ખર્ચ, મજૂરી પાછળ જે ખર્ચ કરેલા છે તે નકામા ગયા છે. અહીં પાકનું ઉત્પાદન મળતું નથી. ખેડૂતોનાં મોઢામાં આવેલો કોળીયો ઝૂંટવાઈ ગયો છે. આર્થિક મુશ્કેલીમાં મૂકાય ગયેલા ખેડૂતોમાં આત્મહત્યાના બનાવો બનવા લાગ્યા છે. ત્રણ ખેડૂતોએ આત્મહત્યા કરી છે. ખેડૂત તેમજ માલધારી માટે અગાઉથી જ ઘાસચારાની વ્યવસ્થા કરવી જોઈએ. બધા જ ડેમો ખાલી છે.
પીવાના પાણીની તંગી
અમરેલી શહેરની 1.25 લાખથી વધુની વસતી માટે 14 એમએલડી પાણીની જરૂર પડે છે. જો કે મહિ યોજનામાથી માત્ર 7 થી 8 એમએલડી પાણી મળે છે. પાલિકા પોતાના કુવામાથી પણ પાણી મેળવે છે. બહુ ઝડપથી હવે અમરેલી પાલિકાને ઠેબી નદીમાથી પાણી ઉપાડવુ પડશે. જિલ્લાના અનેક ગામો પીવાના પાણી માટે માત્ર એક કુવો કે એક ડંકી પર આધાર રાખે છે. અમરેલીમાં સવા લાખની વસતિ, 14 MLD પાણીની જરૂર પણ શહેરમા પણ ત્રણથી ચાર દિવસે પાણી વિતરણ થાય છે. વડીયામા બેના દિવસે ત્રણ દિવસે પાણી વિતરણ શરૂ કરાયું છે. ડેડાણમા પણ મહિલાઓને પાણી માટે ભટકવું પડે છે. ગ્રામ્ય વિસ્તારોમાં અત્યારથી પાણીની તંગી દેખાઇ રહી છે. અમરેલી શહેર છેલ્લા બે અઢી દાયકાથી પાણીની સમસ્યાનો સામનો કરે છે, રાજકીય નેતાઓ તેને સફળ બનાવવામાં નિષ્ફળ નિવડ્યા છે.
71 વર્ષમાં આવી જ હાલત
ખેડૂતોના મતથી ચૂંટાયેલી સરકાર નકકર નીતિ બનાવતી નથી, ઉદ્યોગોને લાભ થાય એવી નીતિ બનાવી છે. ખેડૂતો માટે નર્મદા સરદાર સરોવર બંધ બનાવ્યો પણ પાણી ઉદ્યોગો વાપરી રહ્યાં છે. ખેડૂત પાણી વગર મોતને માંગી રહ્યો છે. દેશની 70 ટકા કરતા વધુ વસ્તી ખેતી ઉપર નભતા અને ગામડામાં રહેલા લોકોમાં આઝાદીનાં 71 વર્ષ પછી પણ ફેર પડયો નથી. દર વર્ષે દેશમાં હજારો ખેડૂતો આત્મહત્યા કરે છે છતાં સરકાર તરફથી ખેડૂતોની સ્થિતિ સુધરે એવા કોઈ નકકર પગલા ભરવામાં આવતા નથી.