[:gj]5124 શબ્દો બોલીને મોદીએ શું કહી નાંખ્યું ? [:]

[:gj]મન કી બાત 2.0’ની 10મી આવૃત્તિમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

નવી દિલ્હી, તા. 29-03-2020

મારા વ્હાલા દેશવાસીઓ, સામાન્ય  રીતે મન કી બાતમાં હું અનેક વિષયોને લઇને આવું છું. પરંતુ આજે દેશ અને દુનિયાના મનમાં માત્ર ને માત્ર એક જ વાત છે, કોરોના વૈશ્વિક મહામારીના કારણે ઉભું થયેલું ભયંકર સંકટ. આ સંજોગોમાં હું અન્ય કોઇ વાતો કરૂં તો તે યોગ્ય નહિં ગણાય. પરંતુ સૌથી પહેલાં હું બધા દેશવાસીઓ પાસે ક્ષમા માગું છું, અને મારો આત્મા કહે છે કે, તમે મને ચોક્કસ ક્ષમા કરશો. કેમ કે, કેટલાક એવા નિર્ણયો લેવા પડ્યા છે જેના કારણે તમને બધાને અનેક પ્રકારની મુશ્કેલીઓ ઉઠાવવી પડી રહી છે, ખાસ કરીને મારા ગરીબ ભાઇઓ બહેનોને જોઉં છું તો ચોક્કસ એવું લાગે છે કે, એમને થતું હશે કે આ કેવા પ્રધાનમંત્રી છે જેમણે અમને આ મુસીબતમાં નાંખી દીધા. તેમની પણ હું ખાસ ક્ષમા માગું છું. બની શકે કે, ઘણા લોકો મારાથી નારાજ પણ હશે, કે એવા તો કેવા બધાને ઘરમાં પૂરી રાખ્યા છે. હું તમારા બધાની મુશ્કેલીઓ સમજું છું. તમને પડી રહેલી પરેશાનીઓ પણ સમજું છું. પરંતુ ભારત જેવા ૧૩૦ કરોડની વસતીવાળા દેશે કોરોના વિરૂદ્ધની લડાઇ માટે આ પગલું ઉઠાવ્યા સિવાય બીજો કોઇ રસ્તો નહોતો. કોરોના વિરૂદ્ધ લડાઇ જીવન અને મૃત્યુ વચ્ચેની લડાઇ છે, અને આ લડાઇમાં આપણે જીતવાનું છે. અને એટલા માટે જ આવા કઠોળ પગલાં ઉઠાવવા બહુ જરૂરી હતા. આવા પગલાં માટે કોઇને મન ન થાય પરંતુ દુનિયાની સ્થિતિ જોયા પછી લાગે છે કે, આ એક જ રસ્તો બચ્યો છે. તમને તમારા પરિવારને સલામત રાખવા છે, હું ફરીએકવાર તમને જે પણ અગવડ પડી છે, મુશ્કેલી પડી છે, તેને માટે ક્ષમા માગું છું. સાથીઓ, આપણે ત્યાં કહેવાય છે “એવં એવં વિકારઃ અપી તરૂન્હા સાધ્યતે સુખમ્” એટલે કે, બિમારી અને તેના પ્રકોપને શરૂઆતમાં જ ડામી દેવા જોઇએ. પછી રોગ અસાધ્ય બની જાય છે ત્યારે તેનો ઇલાજ પણ મુશ્કેલ બની જાય છે. અને આજ પૂરૂં હિંદુસ્તાન, દરેક હિંદુસ્તાની આજ કરી રહ્યો છે. ભાઇઓ, બહેનો, માતાઓ અને વડીલો કોરોના વાયરસે દુનિયાને કેદમાં ઝકડી લીધી છે.  અને તે જ્ઞાન,  વિજ્ઞાન, ગરીબ, તવંગર, નબળા, તાકાતવાન એમ હર કોઇને પડકાર ફેંકી રહ્યો છે. તે ન તો કોઇ દેશના સીમાડામાં બંધાયેલો છે, ન કોઇ ક્ષેત્ર જુવે છે, અને ન કોઇ ઋતુ જુવે છે. આ વાયરસ માણસને મારવાની, તેણે ખતમ કરવાની જીદ લઇને બેઠો છે, અને એટલા માટે સૌ કોઇએ, પૂરી માનવજાતે આ વાયરસને ખતમ કરવા માટે એકસંપ થઇને સંકલ્પ કરવો જ પડશે. કેટલાક લોકોને એવું લાગે છે કે તેઓ લૉકડાઉનનું પાલન કરીને જાણે બીજાની મદદ કરી રહ્યા છે. અરે ભાઇ, આવો ભ્રમ રાખવો એ યોગ્ય નથી. આ લૉકડાઉન તમને ખુદને બચાવવા માટે છે. તમને બચાવવાની સાથે તમારા પરિવારને પણ બચાવવાનો છે. હાલ તો તમારે આવનારા કેટલાય દિવસો સુધી આ રીતે ધીરજ બતાવવી જ પડશે. લક્ષ્મણરેખાનું પાલન કરવુ જ રહ્યું. સાથીઓ, હું એ પણ જાણું છું કે, કોઇ કાયદો તોડવા નથી ઇચ્છતું, નિયમનો ભંગ કરવા નથી ઇચ્છતું, પરંતુ કેટલાક લોકો એવું કરે છે, કેમ કે, હજી પણ તેઓ સ્થિતિની ગંભીરતા સમજી નથી રહ્યા. આવા લોકોને હું એ જ કહીશ કે, લૉકડાઉનનો નિયમ તોડશો તો કોરોના વાયરસથી બચવાનું મુશ્કેલ બની જશે. દુનિયાભરમાં ઘણા લોકો આવા વહેમમાં હતા. આજે એ બધા પસ્તાઇ રહ્યા છે. સાથીઓ, આપણે ત્યાં કહેવાય છે, “આરોગ્યં પરમ ભાગ્યં, સ્વાસ્થયં સ્વાર્થ સાધનમ્” અર્થાત્ આરોગ્ય જ સૌથી મોટું ભાગ્ય છે, ને દુનિયામાં બધા સુખનું સાધન સ્વાસ્થ્ય જ છે. આ સ્થિતિમાં નિયમ તોડનારા પોતાના જ જીવન સાથે બહુ મોટી રમત રમી રહ્યા છે. સાથીઓ, આ લડાઇના અનેક યોદ્ધા છે, જે ઘરમાં નહીં, ઘરની બહાર રહીને કોરોના વાયરસનો મુકાબલો કરી રહ્યા છે. તેઓ આપણા પહેલી હરોળના સૈનિકો છે. ખાસ કરીને આપણી નર્સ બહેનો છે, નર્સોનું કામ કરનારા ભાઇઓ છે, ડૉકટરો છે, અર્ધતબીબી કર્મચારીગણ છે. એવા સાથીઓ, કે જે કોરોનાને હરાવી ચૂકયા છે. આજે આપણે તેમની પાસેથી પ્રેરણા લેવાની છે. પાછલા દિવસોમાં મેં એવા કેટલાક લોકો સાથે ફોન પર વાત કરી છે, તેમનો ઉત્સાહ પણ વધાર્યો છે, અને તેમની સાથે વાત કરીને મારો પણ ઉત્સાહ વધ્યો છે. હું એમની પાસેથી ઘણુંબધું શીખ્યો છું. મને બહુ મન થતું હતું એટલા માટે, આ વખતે મન કી બાતમાં એવા સાથીઓનો અનુભવ એમની સાથે થયેલી વાતચીત, એમાંથી કેટલીક વાતચીત હું આપને જણાવી રહ્યો છું. સૌથી પહેલાં આપણી સાથે જોડાશે શ્રીરામ ગમ્પા તેજાજી. આમ તો તેઓ આઇટી પ્રોફેશનલ છે. આવો તેમના અનુભવો સાંભળીએ.

હા, રામ

રામઃ- નમસ્તેજી.

મોદીજીઃ- હા, રામ નમસ્તે.

રામઃ- નમસ્તે, નમસ્તે,

મોદીજીઃ- મેં સાંભળ્યું છે કે, તમે કોરોના વાયરસના આ ગંભીર સંકટમાંથી બહાર નીકળી આવ્યા છો.

રામઃ- હાજી,

મોદીજીઃ- હું તમારી સાથે થોડી વાત કરવા માંગું છું. તમે આ, સંકટમાંથી ઉગરી ગયા છો. તો, હું તમારો અનુભવ સાંભળવા ઇચ્છું છું.

રામઃ- હું આઇટી ક્ષેત્રનો કર્મચારી છું. કામને લીધે દુબઇ ગયો હતો. હું એક મીટીંગ માટે. ત્યાં જાણતા અજાણતા આ ચેપ લાગી ગયો. પરત આવતાં જ તાવ અને આ બધું ચાલુ થઇ ગયું હતું. તો પાંચ-છ દિવસ પછી ડૉકટરોએ કોરોના વાયરસનો ટેસ્ટ કર્યો અને ત્યારે એ ટેસ્ટ પોઝીટીવ આવ્યો હતો. ત્યારે ગાંધી હોસ્પીટલ, સરકારી હોસ્પીટલ, હૈદરાબાદમાં મને દાખલ કર્યો હતો. અને ત્યાર પછી ૧૪ દિવસે હું સાજો થઇ ગયો હતો. અને મને હોસ્પીટલમાંથી રજા આપી દીધી હતી. તો થોડું ડરામણું હતું આ બધું.

મોદીજીઃ- એટલે કે, તમને જયારે ચેપ લાગ્યો હોવાની ખબર પડી.

રામઃ- હા,

મોદીજીઃ- અને તે પહેલાં તમને ખબર તો હશે જ. કે આ વાયરસ બહુ ભયંકર છે. અને તકલીફદાયક લાગી રહ્યું છે.

રામઃ- હા,

મોદીજીઃ- તો જયારે તમને આ ચેપ લાગ્યો, ત્યારે તમને એકદમથી તમારો પ્રતિભાવ શું હતો ?

રામઃ- પહેલા તો બહુ ડરી ગયો હતો. પહેલા તો માની જ નહોતો શકતો કે, મને આ બીમારી થઇ ગઇ છે. એવું તો શું થઇ ગયું ? કેમ કે, ભારતમાં તો કંઇક બે-ત્રણ લોકોને જ કોરોના થયો હતો. એટલે કંઇ ખબર તો નહોતી, એના વિશે. મને જયારે હોસ્પીટલમાં દાખલ કર્યો હતો ત્યારે મને અલાયદા વોર્ડમાં(ક્વોરન્ટાઇનમાં) રાખ્યો હતો. ત્યારે તો શરૂના બે-ત્રણ દિવસ બધું એમ જ ચાલતું રહ્યું હતું. પરંતુ ત્યાંના ડૉકટરો અને નર્સો જે છે ને,

મોદીજીઃ- હા.

રામઃ- એ બહું સારા હતા. મારી સાથે, દરરોજ મને કોલ કરીને મારી સાથે વાત કરતા હતા, અને મને ભરોસો આપતા હતા કે, કંઇ નહીં થાય. તમે સાજા થઇ જશો. આવી બધી વાતો કરતા રહેતા હતા. દિવસમાં બે-ત્રણવાર ડૉકટર વાત કરતા હતા. નર્સો પણ વાત કરતી હતી. તો પહેલા જે ડર હતો, પરંતુ પછીથી એવું લાગ્યું કે, હા આટલા સારા લોકો સાથે છું, એમને ખબર છે કે શું કરવાનું છે, અને એટલે હું સાજો થઇ જઇશ. એવું લાગ્યું હતું.

મોદીજીઃ- પરિવારના લોકોની મનોસ્થિતિ કેવી હતી.

રામઃ- મને જયારે હોસ્પીટલમાં દાખલ કર્યો હતો ત્યારે પહેલાં તો બધા બહુ તણાવમાં હતા. ત્યાં વધારે ધ્યાન તો એ બધું હતું. પરંતુ હા, સૌથી પહેલાં તો ઘરનાના પણ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. બધાના રિપોર્ટ નેગેટીવ આવી ગયા હતા. એ ઇશ્વરની સૌથી મોટી કૃપા હતી અમારા માટે. અમારા કુટુંબ માટે, અને જેઓ મારી આસપાસ હતા તે બધા માટે. ત્યારપછી તો દરરોજ તબિયતમાં સુધારો દેખાઇ રહ્યો હતો. ડૉકટર મારી સાથે વાત કરતા રહ્યા હતા, અને પરિવારને પણ જણાવતા રહ્યા હતા.

મોદીજીઃ- તમે પોતે કઇ કઇ સાવચેતી રાખી. અને તમે કટુંબ માટે કઇ કઇ સાવચેતી રાખી.

રામઃ- કુટુંબ માટે તો પહેલાં આ વિષે જયારે મને ખબર પડી ત્યારે તો હું ક્વોરન્ટાઇનમાં હતો. પરંતુ ક્વોરન્ટાઇન પછી પણ ડૉકટરોએ કહ્યું હતું કે, હજી બીજા ૧૪ દિવસ ઘરે જ રહેવાનું છે, અને તમારે તમારા રૂમમાં જ રહેવાનું છે, અને મારી જાતને ઘરમાં જ ક્વોરન્ટાઇન રહેવાનું કહ્યું હતું. એટલે ઘરે આવ્યા પછી પણ હું મારા ઘરમાં જ છું.  મોટાભાગે મારા રૂમમાં જ રહું છું. માસ્ક પહેરીને જ રહું છું. આખો દિવસ, જયારે પણ બહાર ખાવાપીવા માટે નીકળું છું તો, હાથ બરાબર સાફ કરું છું. અને એ બધું બહુ અગત્યનું છે.

મોદીજીઃ- ચાલો, રામ તમે સાજા થઇ ગયા. તે સારૂં થયું. તમને અને તમારા પરિવારને મારી અનેક અનેક શુભેચ્છાઓ છે.

રામઃ- થેંક્યુ સર.

મોદીજીઃ- પણ હું ઇચ્છું છું કે, તમારો અનુભવ.

રામઃ- હાજી.

મોદીજીઃ- તમે તો આઇટી પ્રોફેશનમાં છો.

રામઃ- હા.

મોદીજીઃ- તો ઓડિયો બનાવીને

રામઃ- હાજી.

મોદીજીઃ- લોકોને મોકલો. સોશિયલ મિડિયામાં એને વાયરલ કરો. એનાથી શું થશે કે લોકો ડરશે નહીં. અને સાથોસાથ કાળજી લેવાથી કેવી રીતે બચી શકાય છે. તેની વાત બહુ સરળતાથી લોકો સુધી પહોંચી જશે.

રામઃ- હાજી, અત્યારે જયારે બહાર આવીને જોઇ રહ્યો છું કે, બધા ક્વોરન્ટાઇનનો અર્થ કે જેલ જેવો માને છે. જાણે લોકો એવું માની રહ્યા છે. પરંતુ એવું નથી. બધાને ખબર હોવી જોઇએ કે, સરકારી ક્વોરન્ટાઇન તેમના પોતાના માટે છે. તેમના પરિવાર માટે છે. તો તેના વિશે વધુમાં વધુ લોકોને કહેવા માગું છું કે, ટેસ્ટ કરાવો. ક્વોરન્ટાઇનમાં રહો. એટલે કે, ડરવાનું નથી. ક્વોરન્ટાઇનનો અર્થ કે, આપણને તેનાથી ડર ન હોવો જોઇએ. સૂગ ન હોવી જોઇએ.

મોદીજીઃ- સારૂં રામ, તમને અનેક અનેક શુભેચ્છાઓ.

મોદીજીઃ- થેંક્યું ભાઇ.. થેંક્સ એ લોટ..

રામઃ- થેંક્યું..

સાથીઓ, રામે જણાવ્યું છે તેમ, તેમણે કોરોનાનો અંદેશો થયા પછી ડૉકટરોએ તેમને જે કંઇ સૂચનાઓ આપી તેનું તેમણે પાલન કર્યું અને તેનું જ પરિણામ છે કે આજે તેઓ સાજા થઇને સામાન્ય જીવન જીવી રહ્યા છે. આપણી સાથે એવા જ એક વધુ સાથી જોડાઇ રહ્યા છે, જેમણે કોરોનાને હરાવ્યો છે. એમનો તો પૂરો પરિવાર આ સંકટમાં ફસાઇ ગયો હતો. યુવાન દિકરો પણ ફસાઇ ગયો હતો. આવો, આપણે આગ્રાના શ્રી અશોક કપૂર સાથે વાત કરીએ.

મોદીજીઃ- અશોકજી નમસ્કાર.. નમસ્કાર..

અશોકઃ- નમસ્કારજી. મારૂં સૌભાગ્ય છે કે, આપની સાથે વાત થઇ રહી છે.

મોદીજીઃ- ચાલો મારૂં પણ સદભાગ્ય છે. મેં ફોન એટલા માટે કર્યો હતો કે, આપનો પૂરો પરિવાર આ સંકટમાં ફસાઇ ગયો હતો.

અશોકઃ- જી. જી…

મોદીજીઃ- તો હું એ, જરૂર જાણવા ઇચ્છીશ કે તમને આ સમસ્યા, આ ચેપની ખબર કેવી રીતે પડી ? શું થયું ? હોસ્પીટલમાં શું થયું ? જેથી હું તમારી વાત સાંભળીને જો કોઇ બાબત દેશને જણાવવા જેવી લાગશે તો હું તેનો ઉપયોગ કરીશ.

અશોકઃ- બિલકુલ સાહેબ.. એવું હતું કે, મારે બે દિકરા છે. એ ઇટલી ગયા હતા, ત્યાં પગરખાંનું પ્રદર્શન હતું. અને અહીંયા પગરખાંનું કામ કરીએ છીએ. ફેકટરી છે, મેન્યુફેકચરીંગની.

મોદીજીઃ- હા,

અશોકઃ- તો ત્યાં ગયા હતા ઇટલી પ્રદર્શનમાં. જયારે એ લોકો પાછા આવ્યા ને.

મોદીજીઃ- હં…

અશોકઃ- તો મારા જમાઇ પણ ગયા હતા. એ દિલ્હી રહે છે. તો એમને થોડીક મુશ્કેલીઓ થઇ, અને તે હોસ્પીટલ ગયા. રામમનોહર લોહિયા..

મોદીજીઃ- હં…

અશોકઃ- તો એ લોકોએ, એમને પોઝીટીવ ગણાવ્યા. અને એમને મોકલી દીધા. સબદરજંગ.

મોદીજીઃ- હં.. પછી..

અશોકઃ- ત્યાંથી અમારા પર ફોન આવ્યો કે, તમે લોકો પણ સાથે ગયા હતા ને એટલે તમે પણ ટેસ્ટ કરાવો.  તો બંને દિકરા પહોંચી ગયા ટેસ્ટ કરાવવા. અહીં આગ્રા જીલ્લા હોસ્પીટલમાં. આગ્રા જીલ્લા હોસ્પીટલમાં. આગ્રાજીલ્લા હોસ્પીટલવાળાઓએ એમને કહ્યું કે તમારા આખા કુટુંબને બોલાવી લો. કયાંક કોઇને ચેપ લાગ્યો ન હોય. છેવટે અમે બધા ગયા.

મોદીજીઃ- હં…

અશોકઃ- તો બીજા દિવસે એમણે કહ્યું કે, તમને છ યે જણને – મારા બે દિકરા, હું, મારા પત્ની, આમ તો હું ૭૩ વર્ષનો છું. મારા પત્ની અને અમારી વહુઓ અને મારો પૌત્ર જે ૧૬ વર્ષનો છે. તો અમને છ યે ને તેમણે પોઝીટીવ ગણાવ્યા, અને કહ્યું કે, તમને દિલ્હી લઇ જવા પડશે.

મોદીજીઃ- ઓહ, માય ગોડ.

અશોકઃ- પણ સર, અમે ડર્યા નહીં. અમે કહ્યું કંઇ વાંધો નહીં. સારૂં છે કે ખબર પડી ગઇ. અમે લોકો દિલ્હી ગયા. સબદરજંગ હોસ્પીટલ. આ આગ્રાવાળાઓએ જ મોકલ્યા. અમને એમ્બ્યુલન્સ પણ આપી. કોઇ ચાર્જ પણ ન લીધો. બહુ મોટી મહેરબાની છે. આગ્રાના ડૉકટરોની. વહીવટીતંત્રની. અમને એમણે પૂરો સહયોગ આપ્યો.

મોદીજીઃ- એટલે એમ્બ્યુલન્સથી આવ્યા તમે.

અશોકઃ- હા.. જી, એમ્બ્યુલન્સથી. સાજા સમા હતા. બેસીને જ ગયા. તેમણે અમને બે એમ્બ્યુલન્સ આપી દીધી. સાથે ડૉકટર પણ હતા અને તેમણે અમને સબદરજંગ હોસ્પીટલમાં ઉતાર્યા. સબદરજંગ હોસ્પીટલમાં ડૉકટરોએ, જે દરવાજા ઉપર જ ઉભા હતા. તેમણે અમને જે ખાસ વોર્ડ હતો, તેમાં દાખલ કરી દીધા. અમને છ યે ને એમણે અલગ અલગ રૂમ આપ્યા. બહુ સારા રૂમ હતા. બધું જ હતું. તો સર, પછી અમે ૧૪ દિવસ ત્યાં હોસ્પીટલમાં એકલા જ રહેતા હતા. અને જયાં સુધી ડૉકટરોની વાત છે. તો તેમનો બહુ સહયોગ મળ્યો. બહુ સારી રીતે એમણે અમારી સારવાર કરી, પછી એ ડૉકટરો હોય કે પછી બીજા કર્મચારી. ખરેખર તો તેઓ જયારે પોતાનો ડ્રેસ પહેરીને આવતા હતા ને સાહેબ, ખબર જ નહોતી પડતી કે, આ ડૉકટર છે કે વોર્ડ બોય છે કે નર્સ છે. અને તે જે કહેતા હતા તે અમે માનતા હતા. અત્યારે અમારામાંથી કોઇનેય કોઇ પ્રકારનો એક ટકાનોય પ્રોબ્લેમ નથી આવ્યો.

મોદીજીઃ- તમારો આત્મવિશ્વાસ, બહુ મજબૂત જણાય છે.

અશોકઃ- જી. સર.. હું બિલકુલ સાજો છું. બલકે મે તો સર મારા ઘુંટણનું પણ ઓપરેશન કરાવ્યું છે. તેમ છતાં હું બિલકુલ સાજો છું.

મોદીજીઃ- પણ તો ય જયારે આટલું મોટું સંકટ પરિવારમાં આવ્યું હોય અને ૧૬ વર્ષના દિકરા સુધી પહોંચી ગયું હોય, ત્યારે…

અશોકઃ- એની પરીક્ષા હતી સર.. આઇસીએસઇના પેપર હતા ને.. તો તેનું પણ પેપર હતું. તો મેં ન આપવા દીધી પરીક્ષા. મેં કહ્યું જોયું જશે પછી. જીંદગી રહેશે તો બીજા ઘણા પેપર અપાશે. કંઇ વાંધો નહીં.

મોદીજીઃ- ખરી વાત છે, ચાલો તમારો અનુભવ એમાં કામ આવ્યો. પૂરા પરિવારને ભરોસો અપાવ્યો. હિંમત પણ અપાવી.

અશોકઃ- જી.. અમે આખો પરિવાર ત્યા ગયા. ત્યાં એક બીજાનો સહારો હતો. મળતા નહોંતા, ફોન પર વાત કરી લેતા હતા. હળતા મળતા નહોંતા અને ડૉકટરોએ પણ અમારી જેટલી સંભાળ લેવી જોઇએ તેટલી લીધી. અમે તેમના આભારી છીએ. કે તેમણે અમારી બહુ સારી સારવાર કરી. જે કર્મચારીઓ, નર્સો હતા તેમણે પણ અમને પૂરો સહયોગ આપ્યો સર..

મોદીજીઃ- ચાલો મારી આપને, અને આપના પૂરા પરિવારને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

અશોકઃ- થેંક્યુજી.. ધન્યવાદ.. આપની સાથે મારી વાત થઇ તેની પણ અમને બહુ ખૂશી છે.

મોદીજીઃ- મને પણ ખુશી છે.

અશોકઃ- ત્યારપછી પણ સર, અમારા માટે કોઇપણ પ્રકારની મતલબ જાગૃતિ માટે કયાંક જવાનું હોય, કંઇ કરવાનું હોય તો તે સેવા માટે અમે, કોઇપણ વખતે તૈયાર છીએ.

મોદીજીઃ- ના.. ના.. તમે તમારી રીતે, આગ્રામાં સેવા બજાવો. કોઇ ભૂખ્યું હોય તો તેને ભોજન આપો.

અશોકઃ- બિલકુલ.. બિલકુલ..

મોદીજીઃ- ગરીબની ચિંતા કરો અને લોકો નિયમોનું પાલન કરે તે માટે લોકોને સમજાવો કે, તમારો પરિવાર કેવી રીતે આ બિમારીમાં સપડાયો હતો. પરંતુ તમે નિયમોનું પાલન કરીને પોતાના પરિવારને બચાવ્યો. એ રીતે બધા લોકો જો નિયમોનું પાલન કરશે. તો દેશ બચી જશે.

અશોકઃ- સર, અમે. મોદી સર. અમે અમારો વિડીયો વગેરે બનાવીને ચેનલ્સને આપ્યો છે.

મોદીજીઃ- અચ્છા..

અશોકઃ- ચેનલવાળાએ બતાવ્યો પણ છે. એટલા માટે કે લોકો જાગૃત થાય અને..

મોદીજીઃ- સોશિયલ મિડિયામાં બહુ પ્રચલિત કરવો જોઇએ.

અશોકઃ- જી.. જી.. સર… અને અમે જે કોલોનીમાં રહીએ છીએ. બહુ સ્વચ્છ કોલોની છે. તેમાં અમે બધાને કહી દીધું છે કે, જુઓ અમે આવી ગયા છીએ તો ડરશો નહીં. કોઇને પણ કોઇ સમસ્યા હોય તો જઇને ટેસ્ટ કરાવો. અને જે લોકો અમને મળ્યા હોય તેઓ તો ટેસ્ટ કરાવે. ઇશ્વરની દયાથી સાજા સમા રહે. જી. સર..

મોદીજીઃ- ચાલો ખૂબ ખૂબ શુભેચ્છાઓ બધાને..

સાથીઓ, હું અશોકજી અને તેમના પરિવારના દીર્ઘાયુની પ્રાર્થના કરૂં છું. તેમણે જે રીતે ગભરાયા વિના, ડર્યા વિના, વેળાસર, યોગ્ય પગલાં લીધાં, સમયસર ડૉકટરોનો સંપર્ક સાધ્યો અને યોગ્ય સાવચેતી રાખી તે રીતે આપણે આ મહામારીને હરાવી શકીએ છીએ.  સાથીઓ, તબીબી સ્તરે આપણે આ મહામારીનો સામનો કરી રહ્યા છીએ તેના અનુભવો જાણવા માટે પહેલી હરોળમાં મોરચો સંભાળી રહેલા કેટલાક ડૉકટરો સાથે પણ મેં વાત કરી. રોજબરોજની એમની કામગીરી આવા દર્દીઓ સાથે જ રહેતી હોય છે. આવો આપણી સાથે દિલ્હીથી ડૉકટર નીતેશ ગુપ્તા જોડાઇ રહ્યા છે.

મોદીજીઃ- નમસ્તે ડૉકટર..

ડૉ.નીતેશઃ- નમસ્તે સર…

મોદીજીઃ- નમસ્તે નીતીશજી, તમે તો બિલકુલ મોર્ચા પર અડીખમ ઉભા છો. તો હું એ જાણવા માગું છું કે, હોસ્પીટલોમાં તમારા બાકીના સાથીઓનો મૂડ કેવો છે ? કહોને જરા.

ડૉ.નીતેશઃ- સૌનો મૂડ બરાબર ઉંચો છે. આપના આશીર્વાદ બધાની સાથે છે. આપે બધી હોસ્પીટલોમાં બધું આપેલું છે. અમે જે કંઇ પણ માંગીએ છીએ. તે સપોર્ટ અમને મળ્યો છે. અમે જે પણ ચીજવસ્તુ માંગીએ છીએ, તે બધી જ આપ પૂરી પાડી રહ્યા છો. એટલે અમે લોકો બિલકુલ જેમ સરહદ પર સેના લડે છે એ રીતે અહીં લાગેલા છીએ. અને અમારૂં માત્ર એક જ કર્તવ્ય છે કે, દર્દી સાજો થઇને ઘરે જાય.

મોદીજીઃ- તમારી વાત સાચી છે. આ યુદ્ધ જેવી જ સ્થિતિ છે. અને તમે બધા પણ મોર્ચો સંભાળીને બેઠા છો.

ડૉ.નીતેશઃ- હા. જી. સર..

મોદીજીઃ- તમારે તો ઇલાજની સાથે સાથે દર્દીને માહિતગાર પણ કરવા પડતા હશે ને ?

ડૉ.નીતેશઃ- હા. જી. સર.. એ સૌથી વધુ જરૂરી બાબત છે.  કેમ કે, દર્દી સાંભળીને એકદમ ડરી જાય છે કે, તેની સાથે આ શું થઇ રહ્યું છે ? તેમને સમજાવવા પડે છે. કે કાંઇ નથી. આગલા ૧૪ દિવસમાં તમે સાજા થઇ જશો. અને ચોક્કસ ઘરે પહોંચશો. તો અમે અત્યારસુધી આવા ૧૬ દર્દીઓને ઘરે મોકલી ચૂક્યા છીએ.

મોદીજીઃ- જયારે તમે વાત કરો છો. તો એકંદર તમારી સામે શું આવે છે ? કે જયારે ગભરાયેલા લોકો છે. તો તેમની ચિંતા તમને સતાવે છે.

ડૉ.નીતેશઃ- તેમને એ જ થતું હોય છે, કે આગળ શું થશે ? હવે શું થશે ? તેઓ બહારની દુનિયામાં જુએ છે કે બહાર આટલા બધા માણસો મરી જાય છે તો, અમારી સાથે શું એવું જ થશે ? ત્યારે અમે તેમને સમજાવીએ છીએ કે, તમારી આ મુશ્કેલી કયારે દૂર થશે ? તમારો કેસ બહુ હળવો છે. જેઓ સામાન્ય શરદી, ઉધરસનો કેસ હોય છે તેવો જ છે.  તો જેમ પાંચ-સાત દિવસમાં એ મટી જાય છે. તેમ તમે પણ સાજા થઇ જશો. પછી અમે તમારો ટેસ્ટ કરીશું. અને જો તે નેગેટીવ આવશે તો અમે તમને ઘરે મોકલી શકીએ છીએ. એટલા માટે અમે બે-ચાર કલાકે વારંવાર તેમની પાસે જઇએ છીએ, મળીએ છીએ, તેમના ખબર અંતર પૂછીએ છીએ, આખો દિવસ તેમને સધિયારો મળે છે. તો, એમને સારૂં લાગે છે.

મોદીજીઃ- તેમનામાં આત્મવિશ્વાસ પેદા થાય છે, પણ શરૂમાં તો ડરી જતા હશેને..

ડૉ.નીતેશઃ- હા. જી.. શરૂમાં તો તેઓ ડરી જાય છે. પણ જયારે અમે તેમને સમજાવીએ છીએ તો બીજા-ત્રીજા દિવસ સુધીમાં જયારે તે પોતે થોડા સાજા થવા લાગે છે, તો તેમને પણ લાગે છે કે હું સાજો થઇ શકું છું.

મોદીજીઃ- પણ બધા ડૉકટરોને લાગતું હશે કે, જીવનનું આ સૌથી મોટું સેવાનું કામ તેમના ઉપર આવ્યું છે, આવો ભાવ પેદા થાય છે બધામાં.

ડૉ.નીતેશઃ- હા.. જી.. બિલકુલ પેદા થાય છે. અમે અમારી ટીમને બિલકુલ પ્રોત્સાહિત કરતા રહીએ છીએ કે, ડરવાની કોઇ વાત નથી. એવી કોઇ બાબત નથી, આપણે જો પૂરી સાવચેતી રાખીશું, દર્દીને પણ સારી રીતે સાવચેતી રાખવાનું સમજાવશું કે આપણે આવી રીતે જ કરવાનું છે, તો બધું બરાબર થતું રહેશે.

મોદીજીઃ- ચાલો સારૂં છે ડૉકટર.. પણ તમારે ત્યાં તો બહુ મોટી સંખ્યામાં દર્દીઓ પણ આવે છે. અને તમે બધા બિલકુલ દિલ રેડીને મંડાયેલા છો. તમારી સાથે વાત કરીને બહુ સારૂં લાગ્યું. પરંતુ આ લડાઇમાં હું તમારી સાથે છું અને લડાઇ લડતા રહેજો.

ડૉ.નીતેશઃ- તમારા આશીર્વાદ મળતા રહે એ જ અમે ઇચ્છીએ છીએ.

મોદીજીઃ- ખૂબ ખૂબ શુભેચ્છાઓ ભાઇ..

ડૉ.નીતેશઃ- સર થેંક્યું..

મોદીજીઃ- થેંક્યું નિતીશજી. તમને ખૂબ ખૂબ સાધુવાદ.. આપના જેવાના જ પ્રયાસોથી ભારત કોરોના સામેની લડાઇમાં ચોક્કસ વિજયી થશે. મારો આપને પણ આગ્રહ છે કે, તમે તમારૂં ધ્યાન રાખજો. તમારા સાથીઓનું ધ્યાન રાખજો. તમારા પરિવારનું ધ્યાન રાખજો. દુનિયાનો અનુભવ દર્શાવે છે કે, આ બિમારીથી સંક્રમિત થનારા લોકોની સંખ્યા અચાનક વધી જાય છે. અચાનક થતા વધારાના કારણે વિદેશોમાં સારામાં સારી સ્વાસ્થ્ય સેવાઓ પણ થાકી જતી આપણે જોઇએ છીએ. ભારતમાં આવી સ્થિતિ ન આવે એટલા માટે જ આપણે સતત પ્રયાસ કરવાના છે. વધુ એક ડૉકટર આપણી સાથે પૂણેથી જોડાઇ રહ્યા છે. શ્રીમાન ડોકટર બોરસે.

મોદીજીઃ- નમસ્તે ડૉકટર..

ડૉકટરઃ- નમસ્તે.. નમસ્તે..

મોદીજીઃ નમસ્તે.. તમે તો બિલકુલ જનસેવા એ જ પ્રભુસેવાના વિચારથી સેવામાં લાગેલા છો. તો હું આજે આપની સાથે થોડી વાતો કરવા માંગું છું. જે દેશવાસીઓ માટે આપનો સંદેશ બને. એક તો અનેક લોકોના મનમાં એવો પ્રશ્ન છે કે, ડૉકટરનો સંપર્ક કયારે કરવો જોઇએ ? અને કયારે તેમણે કોરોનાનું પરીક્ષણ કરાવવું જોઇએ ? એક ડૉકટર હોવાના નાતે આપે તો પૂરી રીતે પોતાની જાતને આ કોરોનાના દર્દીઓ માટે સમર્પિત કરી દીધી છે. તો આપની વાતમાં ખૂબ તાકાત છે. અને હું આપની પાસેથી સાંભળવા માંગું છું.

ડૉકટરઃ- સરજી.. અહીંયા જે બી.જે.મેડીકલ કોલેજ પૂણે છે, તેમાં હું પ્રોફેસર છું. અને અમારા પૂનામાં મ્યુનિસિપલ કોર્પોરેશન હોસ્પીટલ છે. નાયડુ હોસ્પીટલના નામથી. ત્યાં જાન્યુઆરી ૨૦૨૦થી એક સ્ક્રીનીંગ કેન્દ્ર ચાલુ થઇ ગયું છે. તેમાં આજ સુધીમાં કોવીડ ૧૯ના ૧૬ પોઝીટીવ કેસ મળી આવ્યા છે. અને એ જે ૧૬ કોવીડ ૧૯ના પોઝીટવ દર્દીઓ છે. તેમાંથી અમે સારવાર આપીને તેમને ક્વોરન્ટાઇન કરીને, અલાયદા રાખીને સારવાર આપીને સાત જણને રજા આપી દીધી છે સર.. અને જે હજી બાકી નવ કેસ છે તેમની સ્થિતિ પણ ખૂબ સ્થિર છે અને તબિયતમાં સુધારો પણ થઇ રહ્યો છે. તેમના શરીરમાં વાયરસ હોવા છતાં પણ તેઓ સાજા થઇ રહ્યા છે. અને તેઓ કોરોના વાયરસની અસરથી મુક્ત થઇ રહ્યા છે. અને અત્યારે અહીં જે નમૂનાનું કદ છે, તે નાનું, ૧૬ કેસનું જ છે સર.. પરંતુ એવું જણાઇ રહ્યું છે કે યુવાન વસતિ પણ અસરગ્રસ્ત થઇ રહી છે. અને યુવાન વસતિ અસરગ્રસ્ત હોવા છતાં પણ જે બિમારી છે. તે બહુ ગંભીર બિમારી નથી સર.. રોગની તેમને હળવી અસર છે. અને તે દર્દીઓ સાજા થઇ રહ્યા છે સર.. અને અહીંયા જે નવ લોકો બાકી છે. તેમની સ્થિતિ બગડવાના બદલે સુધરી રહી છે. અમે તેમના પર દૈનિક ધોરણે દેખરેખ રાખી રહ્યા છીએ અને તેઓ ચાર-પાંચ દિવસમાં સાજા થઇ જશે. અને અમારે ત્યાં જે શંકાસ્પદ લોકો આવ્યા છે, જેઓ દેશવિદેશમાં પ્રવાસ કરનારા છે અને બીજાના સંપર્કમાં આવેલા છે એવા લોકોના સર અમે નમૂના લઇ લઇએ છીએ. એટલે કે અમે તેમના ઓરોફેઇંગીલ સ્વેબ અને નાકના પ્રવાહીનો નમૂનો લઇ લઇએ છીએ અને નાકના પ્રવાહીનો નમૂનો જો પોઝીટીવ આવે છે તો અમે તેમને પોઝીટીવ વોર્ડમાં દાખલ કરી દઇએ છીએ. અને જો નમૂનો નેગેટીવ આવે છે તો તેમને ઘરમાં જ અલાયદા રહેવાની સૂચના આપીને ઘરમાં કેવી રીતે અલગ રહેવાનું છે, ઘરમાં જઇને શું કરવાનું છે ? તેની સલાહ આપીને તેમને ઘરે મોકલી દઇએ છીએ.

મોદીજીઃ- તેમાં તમે શું સમજાવો છો ? ઘરમાં રહેવા માટે શું શું સમજાવો છો ? તે વાત કરો.

ડૉકટરઃ- સર. એક તો જો ઘરમાં જ રહેવાના હોય તો, તેમને ઘરમાં પણ અલગ રહેવાનું છે, પછી કોઇનાય થી પણ ઓછામાં ઓછું છ ફૂટનું અંતર રાખવાનું છે. એ પહેલી વાત. બીજી વાત તેમણે માસ્ક પહેરવાનું છે. અને વારેવારે હાથ ધોવાના છે. એ માટે જો તમારી પાસે સેનીટાઇઝર ન હોય તો આપણા સાદા સાબુથી અને પાણીથી હાથ ધોવાના છે. અને તે પણ વારેવારે. અને જયારે તમને ખાંસી કે છીંક આવે તો કપડાનો સાદો રૂમાલ નાક અને મોં આડે રાખીને તેના પર જ ખાંસી ખાવાની છે. જેથી તમારા શરીરમાંના પ્રવાહીના છાંટા દૂર ન જાય અને જમીન પર પણ ન પડે, અને જમીન પર નહીં પડવાથી તે કોઇના હાથ પર ચોંટતા નથી. જેથી વાયરસનો ફેલાવો શક્ય નહીં બને. એ સમજાવી રહ્યા છીએ સર. બીજી વાત એ સમજાવી રહ્યા છીએ કે, ક્વોરન્ટાઇન દરમિયાન તેમણે ઘરમાં જ રહેવાનું છે. અને ઘરની બહાર નીકળવાનું નથી. જો કે, અત્યારે તો લૉકડાઉન થઇ ગયું છે અને હકીકતમાં આ ચોક્કસ સ્થિતિમાં તેમણે લૉકડાઉનની સાથે સાથે ઓછામાં ઓછા ૧૪ દિવસ માટે ઘરમાં જ પૂરાઇ રહેવાનું છે. આ ક્વોરન્ટાઇનની સૂચના અમે તેમને આપીએ છીએ. સંદેશ આપીએ છીએ. સર.

મોદીજીઃ- ચાલો ડૉકટર, તમે બહુ સારી સેવા કરી રહ્યા છો. અને પૂરા સમર્પણ ભાવથી કરી રહ્યા છો. અને તમારી પૂરી ટીમ આ સેવામાં જોડાયેલી છે. મને વિશ્વાસ છે કે, આપણા જેટલા પણ દર્દી આવેલા છે, તે બધા જ સાજા અને સુરક્ષિત થઇને પોતાના ઘરે જશે. અને દેશમાં પણ આપણે આ લડાઇ જીતીશું. તમારા બધાની મદદથી.

ડૉકટરઃ- સર. અમને વિશ્વાસ છે કે, આપણે જીતીશું. આ લડાઇ જીતી જઇશું.

મોદીજીઃ- ખૂબ ખૂબ શુભેચ્છાઓ ડૉકટર આપને, ધન્યવાદ ડૉકટર..

ડૉકટરઃ- થેંક્યું. થેંક્યું.. સર..

સાથીઓ, આપણા આ તમામ સાથી આપને, પૂરા દેશને સંકટમાંથી બહાર કાઢવામાં લાગેલા છે. તેઓ આપણને જે કંઇ બાબતો જણાવે છે તેને આપણે માત્ર સાંભળવાની જ નથી. બલ્કે પોતાના જીવનમાં ઉતારવાની પણ છે. આજે જયારે હું ડૉકટરોના ત્યાગ, તપસ્યા, સમર્પણ, જોઇ રહ્યો છું. ત્યારે મને આચાર્ય ચરકે કહેલી વાત યાદ આવે છે. આચાર્ય ચરકે ડૉકટરો માટે બહુ ચોક્કસ વાત કહી છે અને આજે તે આપણે આપણા ડૉકટરોના જીવનમાં જોઇ રહ્યા છીએ. આચાર્ય ચરકે કહ્યું છે…

ન આત્માર્થમ્ ન અપિ કામાર્થમ્ અતભૂત દયાં પ્રતિ..

વતર્તે યત્ ચિકિત્સાયાં સ સવર્મ ઇતિ વર્તતે..

એટલે કે, ધન અને કોઇ ખાસ કામનાને લઇને નહિં પરંતુ દર્દીની સેવા માટે દયાભાવ રાખીને જે કાર્ય કરે છે તે સર્વશ્રેષ્ઠ ચિકિત્સક હોય છે.

સાથીઓ, માનવતાથી છલોછલ દરેક નર્સને હું આજે નમન કરું છું. આપ સૌ જે સેવાભાવ સાથે કાર્ય કરો છો, તે અતુલ્ય છે. આ પણ એક યોગાનુયોગ છે કે, આ વર્ષને એટલે કે ૨૦૨૦ના વર્ષને પૂરી દુનિયા આંતરરાષ્ટ્રીય નર્સ અને આયા વર્ષ તરીકે મનાવી રહી છે. એનો સંબંધ ૨૦૦ વર્ષ પહેલાં ૧૮૨૦માં જન્મેલા ફ્લોરેન્સ નાઇટીંગલ સાથે જોડાયેલો છે. જેમણે માનવસેવાને, નર્સિંગને એક નવી ઓળખ આપી, એક નવી ઉંચાઇ બક્ષી. દુનિયાની દરેક નર્સના સેવાભાવને સમર્પિત આ વર્ષ ચોક્કસપણે પુરા નર્સિંગ સમુદાય માટે બહુ મોટી પરીક્ષાની ઘડી બનીને આવ્યું છે. મને વિશ્વાસ છે કે, આપ સૌ આ પરીક્ષામાં સફળ તો થશો જ. પરંતુ અનેકના જીવન પણ બચાવશો. આપના જેવા તમામ સાથીઓની હિંમત અને જુસ્સાના કારણે જ આટલી મોટી લડાઇ આપણે લડી રહ્યા છીએ. આપના જેવા સાથી પછી એ ડૉકટર હોય, નર્સ હોય, અર્ધતબીબી કાર્યકર્તા હોય, આશાબહેન, એએનએમ કાર્યકર્તા, સફાઇ કર્મચારી હોય વગેરે. આપ સૌના સ્વાસ્થ્યની પણ દેશને ખૂબ ચિંતા છે. એને ધ્યાનમાં રાખીને આવા લગભગ ૨૦ લાખ સાથીઓ માટે, ૫૦ લાખ રૂપિયા સુધીના આરોગ્યવીમાની જાહેરાત સરકારે કરી છે, જેથી આપ આ લડાઇમાં ખૂબ વધારે આત્મવિશ્વાસ સાથે દેશનું નેતૃત્વ કરી શકો.

મારા વ્હાલા દેશવાસીઓ, કોરોના વાયરસ સામેની આ લડાઇમાં આપણી આસપાસ એવા અનેક લોકો છે, જે સમાજના સાચા નાયક છે. અને આ પરિસ્થિતિમાં પણ સૌથી આગળ ઉભા છે. મને નરેન્દ્ર મોદી એપ ઉપર, નમો એપ પર, બેંગલુરૂના નિરંજન સુધાકર હેબ્બાલીજીએ લખ્યું છે કે, આવા લોકો દૈનિક જીવનના નાયક છે. આ વાત સાચી પણ છે, આ એ લોકો છે જેમના કારણે આપણી રોજબરોજની જીંદગી સરળતાથી ચાલતી રહે છે.  આપ કલ્પના કરો કે એક દિવસ જો તમારા ઘરમાં નળમાં આવતું પાણી બંધ થઇ જાય કે પછી તમારા ઘરની વીજળી અચાનક કપાઇ જાય ત્યારે આ રોજબરોજના નાયકો જ હોય છે, જે આપણી મુશ્કેલીઓને દૂર કરે છે. તમારી પાડોશમાં આવેલા પરચૂરણની નાની દુકાન વિશે જરા આપ વિચારો. આજના આ મુશ્કેલ સમયમાં એ દુકાનદાર પણ જોખમ ઉઠાવી રહ્યો છે. આખરે શા માટે ? એટલા માટેને કે તમને જરૂરિયાતની ચીજવસ્તુઓ મળવામાં કોઇ પરેશાની ન થાય. બિલકુલ એ રીતે પેલા ડ્રાઇવરો, પેલા કામદારો વિષે વિચારો. જે અટક્યા વિના પોતાનું કામ કરતા રહે છે. જેથી દેશભરમાં જીવનજરૂરી ચીજવસ્તુઓની સપ્લાઇચેઇનમાં કોઇ અવરોધ ન આવે. તમે જોયું હશે કે બેંકીંગ સેવાઓને સરકારે ચાલુ રાખી છે, અને બેંકીંગ ક્ષેત્રના આપણા ભાઇઓ, બહેનો પૂરી લગનથી પૂરા મનથી આ લડાઇનું નેતૃત્વ કરીને બેંકોને સંભાળે છે. તમારી સેવામાં હાજર છે. આજના આ સમયે આ સેવા નાનીસૂની નથી. બેંકના આ લોકોને પણ આપણે ધન્યવાદ આપીએ તેટલા ઓછા છે. ઇ-કોમર્સ સાથે જોડાયેલી કંપનીઓમાં આપણા સાથીઓ ડીલીવરી પર્સનના રૂપમાં મોટી સંખ્યામાં કામ કરી રહ્યા છે. આ લોકો આ મુશ્કેલ સમયમાં પણ કરીયાણું અને જરૂરી ચીજો તમને પહોંચાડવામાં લાગેલા છે. જરા વિચારો કે લૉકડાઉન વખતે તમે જે ટીવી જોઇ શકો છો. ઘરમાં રહેવા છતાં જે ફોન અને ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકો છો. એ બધી સેવાઓને સારી રીતે ચાલુ રાખવા માટે કોઇને કોઇ પોતાનું જીવન સોંપી રહ્યો છે. આ સમય દરમ્યાન, તમારામાંથી મોટાભાગના લોકો જેઓ ડીજીટલ પેમેન્ટ સહેલાઇથી કરી શકે છે. તેની પાછળ પણ ઘણા લોકો કામ કરી રહ્યા છે. લૉકડાઉન દરમ્યાન આ જ એ લોકો છે જે દેશના કામકાજને સંભાળી રહ્યા છે. આજે હું તમામ દેશવાસીઓ તરફથી તે બધા લોકો પ્રત્યે આભાર વ્યક્ત કરું છું અને તેમને અનુરોધ કરૂં છું કે તેઓ પોતાના માટે પણ દરેક રીતે સુરક્ષાની સાવચેતી રાખે. પોતાનો પણ ખ્યાલ રાખે. પોતાના કુટુંબીજનોનો પણ ખ્યાલ રાખે.

મારા વ્હાલા દેશવાસીઓ, મને કેટલીક એવી ઘટનાઓ જાણવા મળી છે જેમાં કોરોના વાયરસના શંકાસ્પદ લોકો કે પછી જેમને ઘરે કોરન્ટાઇનમાં રહેવાનું કહેવામાં આવ્યું છે, તેમની સાથે કેટલાક લોકો ખરાબ વર્તન કરી રહ્યા છે. આવી વાતો સાંભળીને મને અત્યંત દુઃખ થયું છે. આ ખૂબ કમનસીબ બાબત છે. આપણે એ સમજવું જોઇએ કે, હાલના સંજોગોમાં અત્યારે એકબીજાથી માત્ર સામાજીક અંતર બનાવીને રાખવાનું છે, નહિં કે લાગણીઓથી અથવા માનવીય અંતર રાખવાનું છે. એવા લોકો કોઇ ગુનેગાર નથી બલ્કે વાયરસના સંભવિત પીડીત માત્ર છે. આ લોકોએ બીજાને ચેપથી બચાવવા માટે પોતાની જાતને અલગ કરી છે અને એકાંતમાં રહી રહ્યા છે. કેટલીક જગ્યાએ લોકોએ પોતાની જવાબદારી ગંભીરતાથી પણ સ્વીકારી છે. ક્યાં સુધી કે, તેમનામાં વાયરસના કોઇ લક્ષણ જોવા નહીં મળ્યા હોવા છતાં તેમણે પોતાને એકાંતમાં રાખીને ક્વોરન્ટાઇન કર્યા છે. આવું તેમણે એટલા માટે કર્યું છે કે તેઓ વિદેશથી પાછા આવ્યા છે. અને બમણી સાવચેતી રાખી રહ્યા છે. તેઓ એ ચોક્કસ કરવા માગે છે કે કોઇપણ સંજોગોમાં કોઇ બીજી વ્યક્તિને આ વાયરસનો ચેપ ન લાગે. એટલા માટે જયારે લોકો ખૂદ આટલી જવાબદારી ઉઠાવી રહ્યા હોય તો તેમની સાથે દુર્વ્યવહાર કરવાનું કોઇપણ દ્રષ્ટિએ યોગ્ય નથી. બ્લકે તેમને સહાનુભૂતિપૂર્વક સહયોગ આપવાની જરૂર છે.

કોરોના વાયરસ સામે લડવાની સૌથી કારગત રીત સામાજીક અંતર જાળવવાની છે. પરંતુ આપણે એ સમજવું જરૂરી છે કે, સામાજીક અંતરનો અર્થ સામાજીક સંપર્ક બંધ કરી દેવો એવો નથી. હકીકતમાં આ સમય પોતાના તમામ જૂના સામાજીક સંબંધોમાં નવા પ્રાણ ફૂંકવાનો છે. આ સંબંધોને તાજા કરવાનો છે. એક રીતે આ સમય આપણને  એ પણ કહે છે કે સામાજીક અંતર વધારો, પરંતુ દિલનું અંતર ઘટાડો. હું ફરી કહું છું સામાજીક અંતર વધારો, અને લાગણીઓનું – દિલનું અંતર ઘટાડો. કોટાથી યશવર્ધને નરેન્દ્ર મોદી એપ પર લખ્યું છે કે તેઓ લૉકડાઉનમાં કૌટુંબિક સંબંધો મજબૂત બનાવી રહ્યા છે. બાળકો સાથે બોર્ડગેમ અને ક્રિકેટ રમે છે. રસોડામાં નવી નવી વાનગીઓ બનાવે છે. જબલપુરા નિરૂપમા હર્ષેય નરેન્દ્ર મોદી એપ ઉપર લખે છે કે, તેમને પહેલીવાર રજાઇ બનાવવાનો પોતાનો શોખ પૂરો કરવાની તક મળી છે. એટલું જ નહિં, તેઓ તેની સાથેસાથે બાગકામનો શોખ પણ પૂરો કરી રહ્યાં છે. તો રાયપુરના પરિક્ષીત ગુરૂગ્રામના આર્યમન અને ઝારખંડના સુરતજીની પોષ્ટ પણ વાંચવા મળી. જેમાં તેમણે પોતાના સ્કૂલના દોસ્તોનું ઇ-પુર્નમિલન કરવાની ચર્ચા કરી છે. તેમનો આ વિચાર ખૂબ રસપ્રદ છે. બની શકે કે તમને પણ દાયકાઓ પહેલાના પોતાની સ્કૂલ, કોલેજના દોસ્તો સાથે વાત કરવાની તક મળે. તમે પણ આ વિચારને અજમાવી જુઓ. ભુવનેશ્વરના પ્રત્યુષને કલકતાના વસુંધાએ જણાવ્યું છે કે, આજકાલ તેઓ એવા પુસ્તકો વાંચી રહ્યા છે જેને આજ સુધી વાંચી શક્યા ન હતા. સોશિયલ મિડીયામાં મેં જોયું છે કે કેટલાક લોકોએ વર્ષોથી ઘરમાં પડેલા તબલા, વીણા જેવા સંગીતના સાધનો કાઢીને રિયાઝ કરવાનું શરૂ કરી દીધું છે. તમે પણ એવું કરી શકો છો. તેનાથી તમને સંગીતનો આનંદ તો મળશે જ. સાથે જૂની યાદો પણ તાજી થઇ ઉઠશે. એટલે કે મુશ્કેલીની આ ઘડીમાં તમને મુશ્કેલીમાંથી એક એવી પળ મળી છે જેમાં પોતાની જાતથી જોડાવાની તક તો મળી છે જ. સાથે પોતાના શોખને પણ પોષી શકશો. તમને પોતાના જૂના દોસ્તો અને પરિવાર સાથે પણ જોડાવવાની પૂરી તક મળશે.

નમો એપ પર મને રૂડકીથી શશીજીએ પૂછ્યું છે કે લૉકડાઉનના સમયમાં હું મારી ચુસ્તતા માટે શું કરી રહ્યો છું ? આ સંજોગોમાં નવરાત્રીના ઉપવાસ કેવી રીતે કરું છું ? હું એકવાર ફરી આપને જણાવું કે, મેં આપને બહાર નીકળવાની મનાઇ કરી છે. પરંતુ તમને પોતાની અંદર નીરખવાની તક પણ આપી છે. આ તક છે બહાર ન નીકળો, પરંતુ પોતાની અંદર દાખલ થાઓ. પોતાની જાતને જાણવાનો પ્રયાસ કરો. જયાં સુધી નવરાત્રીના ઉપવાસની વાત છે, તો એ મારી અને શક્તિના, ભક્તિના વચ્ચેનો વિષય છે. જયાં સુધી ચુસ્તતાની વાત છે, મને લાગે છે એ વાત લાંબી થઇ જશે. તો હું એવું કરું છું કે, ચુસ્તતા જાળવવા માટે હું શું કરું છું. તે વિષે સોશિયલ મિડીયામાં કેટલાક વિડિયો અપલોડ કરીશ. નરેન્દ્ર મોદી એપ ઉપર તમે આ વિડિયો જરૂર જોજો. જે હું કરું છું સંભવતઃ તેમાંથી કેટલીક બાબતો આપને પણ કામ આવશે. પરંતુ એક વાત સમજી લો કે હું ચુસ્તતાનો નિષ્ણાત નથી, ન હું યોગશિક્ષક છું, હું માત્ર તેનું પાલન કરનારો છું. હા, એટલું જરૂર માનું છું કે, યોગના કેટલાક આસનોથી મને ઘણો લાભ થયો છે. બની શકે કે, લૉકડાઉન દરમ્યાન, તમને આ વાતો કંઇક કામ આવી જાય.

સાથીઓ, કોરોના સામેનું યુદ્ધ અભૂતપૂર્વ પણ છે, અને પડકારજનક પણ. એટલા માટે આ દરમ્યાન લેવાઇ રહેલા નિર્ણયો પણ એવા છે, જે દુનિયાના ઇતિહાસમાં કયારેય જોવા અને સાંભળવા ન મળ્યા હોય. કોરોનાને રોકવા માટે તમામ ભારતીયોએ જે પગલાં ભર્યા છે, જે પ્રયાસો હાલ આપણે કરી રહ્યા છીએ તે જ ભારતને કોરોના મહામારી પર જીત અપાવશે. એક એક ભારતીયનો સંયમ અને સંકલ્પ પણ આપણને આ મુશ્કેલ સંજોગોમાંથી બહાર કાઢશે. સાથેસાથે ગરીબો પ્રત્ય આપણી સંવેદનાઓ વધુ તીવ્ર બનવી જોઇએ. આપણી માનવતાનો વાસ એ બાબતમાં જ છે, કે ક્યાંય પણ કોઇ ગરીબ, દુઃખી, ભૂખ્યું નજરે પડે છે તો આ સંકટની ઘડીમાં આપણે પહેલાં તેનું પેટ ભરીશું, તેની જરૂરીયાતની ચિંતા કરીશું.  અને હિંદુસ્તાન આ કરી શકે છે. તે આપણા સંસ્કાર છે. એ આપણી સંસ્કૃતિ છે.

મારા વ્હાલા દેશવાસીઓ, આજે દરેક ભારતીય પોતાના જીવનની રક્ષા માટે ઘરમાં બંધ છે. પરંતુ આવનારા સમયમાં આ જ હિંદુસ્તાની પોતાના દેશના વિકાસ માટે બધી દિવાલો તોડીને આગળ નીકળશે. દેશને આગળ લઇ જશે. તમે તમારા પરિવાર સાથે ઘરમાં જ રહો. સુરક્ષિત અને સાવચેત રહો. આપણે આ જંગ જીતવો છે. જરૂર જીતીશું, મન કી બાત માટે ફરી આવતા મહિને મળીશું. અને ત્યાં સુધી આ સંકટો પર વિજય મેળવવામાં આપણે સફળ બની પણ જઇએ તેવી એક કલ્પના સાથે, એવી એક શુભેચ્છા સાથે, આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ.[:]