અમદાવાદ, જાન્યુઆરી 11, 2020
આજે મહાત્મા ગાંધી કન્વેન્શન હોલમાં કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહની હાજરીમાં ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના 61,000 વિદ્યાર્થીઓને પદવી પ્રદાન કરવામાં આવી હતી. આ ડિગ્રીઓ ડિપ્લોમા, એન્જિનીયરિંગ, એમબીએ, એમસીએ જેવી શાખાઓ સાથે સંબંધિત હતી તથા તેમાં વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએટ, પ્રોસ્ટ ગ્રેજ્યુએટ અને ડિપ્લોમા સહિત પીએચ.ડીની ડિગ્રી એનાયત કરવામાં આવી હતી.
આ વર્ષે વિવિધ વિષયોમાં ટોચનું સ્થાન મેળવનાર 173 વિદ્યાર્થીઓનો ગોલ્ડ મેડલ એનાયત થયા હતા. મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે, આ વર્ષે નિષ્ણાતોએ પસંદ કરેલા સ્ટાર્ટ અપને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ગૃહમંત્રી શ્રી અમિતા શાહે કહ્યું હતું કે, આપણો દેશ વિશ્વનો સૌથી યુવા દેશ છે અને તમે જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એનો લાભ દેશને મળવો જોઈએ. આપણે હંમેશા એક વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે, જ્ઞાનની સાથે દેશની સમસ્યાઓનું સમાધાન પણ આપણે કરવાનું છે.
ગૃહમંત્રીશ્રીએ વિદ્યાર્થીઓને આગળ જણાવ્યું હતું કે, દુનિયામાં નિરાશાનો વેપાર કરતાં લોકો ઓછી સંખ્યામાં નથી, પણ તમે બધા નિરાશ ન થતા. સૌથી વધારે ડૉક્ટર ભારતમાં છે, સૌથી વધારે યુવાનો ભારતમાં છે અને આ ગર્વની વાત છે. તેમણે કહ્યું હતું કે, આજે ભારતની વસતી 130 કરોડની છે અને હું આને 130 કરોડ લોકોનાં બજાર તરીકે જોઉં છું, જેની પાસે દુનિયાને હરાવવાની ક્ષમતા છે.
ગૃહમંત્રી શ્રી અમિતા શાહે યુવાનોનાં સ્ટાર્ટ અપ પ્રોજેક્ટ્સની પણ પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે, એક વાર નક્કી કરી લેવામાં આવે પછી દુનિયામાં કશું અશક્ય નથી.
છેલ્લે તેમણે યુવાનોને આગ્રહ કર્યો હતો કે, ક્યારેય પોતાની ભાષાને લઈને નિરાશ ન થાવ. ભાષા વાતચીતનું માધ્યમ છે, જ્ઞાન આંકવાનું માધ્યમ નથી. તેમણે તમામ વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે, પોતાની માતૃભાષાનું રક્ષણ કરો. ભાષા અભિવ્યક્તિનું માધ્યમ છે અને એ કોઈ પણ ભાષામાં સારી લાગે છે, વિદેશી વિદ્યાર્થીઓ સાથે પણ પોતાની ભાષામાં વાત કરો. આપણે વિદેશી ભાષાનો ઉપયોગ કરવાનો છે, નહીં કે વિદેશી ભાષા આપણો ઉપયોગ કરે.
આ પ્રસંગે ગુજરાતનાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને ગુજરાતનાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સહિત ઘણા ગણમાન્ય વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યાં હતાં.