અમિત શાહ 30મીએ ઉમેદવારી નોંધાવશે

લોકસભાની ચૂંટણીની જાહેરાત થયા પછી તમામ રાજકીય પાર્ટીઓએ પોતાના ઉમેદવારોની પસંદગીની કવાયત શરૂ કરી દીધી છે. ત્યારે ભાજપ દ્વારા ગુજરાતની 26 લોકસભાની બેઠકો પરથી 3 દિવસ સુધી કાર્યકર્તાઓ અને નેતાઓના સેન્સ લેવાની પક્રિયા પછી મંથન કરીને 16 બેઠકો પરથી ઉમેદવારોના નામની યાદી જાહેર કરવામાં આવી હતી. ત્યારે આ યાદીમાં 14 બેઠકો પરથી સાંસદોને રીપીટ કરવામાં આવ્યા છે, જ્યારે સુરેન્દ્રનગર અને ગાંધીનગરની બેઠક પરથી નવા નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગાંધીનગરની બેઠક પરથી લાલકૃષ્ણ અડવાણીની જગ્યા પર આ વર્ષે ભાજપમાંથી રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને મેદાને ઉતારવામાં આવ્યા છે. ત્યારે ગાંધીનગરમાં અમિત શાહના ફોર્મ ભરવા અંગે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.

એક રીપોર્ટ અનુસાર, રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગરથી ચૂંટણી લડવાના છે, ત્યારે તેમને જંગી બહુમતીથી જીતાડવા માટે ભાજપના કાર્યકર્તા અને ગાંધીનગર તેમજ તેની આસપાસની વિધાનસભાની બેઠકના ભાજપના ધારાસભ્યોને કામગીરી સોંપવામાં આવી છે. અમિત શાહ 30 માર્ચે ઉમેદવારી ફોર્મ ભરવા ગુજરાત આવવાના છે, ત્યારે ભાજપ દ્વારા એક રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું છે. 30 માર્ચે સવારે 10 કલાકે અમિત શાહ ગાંધીનગર ભાજપ કાર્યાલયથી એક રોડ-શો કરશે અને આ રોડ-શોમાં ભાજપના દિગ્ગજ નેતાઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાશે. ત્યારબાદ 12:39 મિનિટે વિજય મુહુર્તમાં અમિત શાહ કલેક્ટર કચેરી ખાતે ઉમેવારી ફોર્મ ભરશે.

ઉલ્લેખનીય છે કે, અમિત શાહના રોડ-શોમાં એક શક્તિ પ્રદર્શન પણ જોવા મળશે, તે માટે કમલમ ખાતે ભાજપના પ્રભારી ઓમ માથુરે પ્રદેશના નેતાઓ સાથે બેઠકોનો દોર શરૂ કર્યો છે અને 30 માર્ચે યોજાનારા રોડ-શોમાં વધારેમાં વધારે કાર્યકર્તાઓ અને લોકો જોડાય તેવા પ્રયત્નો શરૂ કર્યા છે.