અમીરગઢ, તા.૩૧
અમીરગઢ તાલુકાના કાકવાડા ગામ નજીકથી પસાર થતી બનાસ નદી પાર કરીને વિધાર્થીઓને જોખમી સ્થિતિમાં અભ્યાસ માટે જવું પડે છે. ચોમાસામાં વરસાદને પગલે નદીમાં પાણી આવતા ગામ નજીકના પરામાં રહેતા પ્રાથમિક શાળાના વિધાર્થીઓ નદી પાર કરીને ભણવા જઇ રહ્યા છે. નદી પાર કરતા કુમળી વયના બાળકો તણાઇ જવાની બીક વચ્ચે અભ્યાસ કરવા મજબૂર હોવાનું સામે આવ્યુ છે. શિક્ષણ વિભાગે પરા માટે શાળા મંજુર નહિ કરતા પરિસ્થિતિ વિકટ છે.
અમીરગઢ તાલુકાના કાકવાડા ગામ નજીકથી બનાસ નદી પસાર થાય છે. કાકવાડા ગામના પરામાં અનેક પરિવારો વસવાટ કરતા હોઇ જોખમ સાથે અવર-જવર કરવા મજબૂર છે. પરામાં રહેતા રહીશોના બાળકો કાકવાડા ગામની પ્રાથમિક શાળા આવતાં દરરોજ બનાસ નદી ખેડી રહ્યા છે. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદને પગલે બનાસ નદીમાં પાણીનો ભરાવો થતાં કાકવાડા ગામ નજીક નદીનું વહેણ ખેડવું જોખમભર્યુ બન્યુ છે. પુરૂષો માટે પણ ભય સાથે પસાર થવાની ગતિવિધિ જોતા બાળકોમાં શાળાએ જવું મોત સામે ઝઝુમવા બરાબર છે.
જાણવા મળ્યા મુજબ કાકવાડા પ્રાથમિક શાળા દ્વારા શિક્ષણ તંત્રને રજૂઆત કરવામાં આવી છે કે, પરા વિસ્તારના રહીશો માટે નવિન શાળા મંજુર કરવામાં આવે. જોકે છેલ્લા કેટલાય વર્ષોથી ગામ અને પરા વચ્ચેથી પસાર થતી બનાસ નદી ઉપર ઓવરબ્રિજ ન હોવાથી ચોમાસામાં શિક્ષણ જોખમભર્યુ રહે છે. જોકે પરા માટે નવિન શાળા મંજુર થાય તો સરેરાશ 40 વિધાર્થીઓ માટે ચોમાસામાં નદી ખેડીને ભણવા આવવાનું સમાધાન નીકળે તેવુ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ જણાવ્યુ હતુ.