અમેરિકામાં ગુજરાતી પુસ્તક

ભરત શાં. શાહ 06-08-2018 ઓપિનિયન
ઉત્તમ માણસો તથા મૂર્ખાઓ, એ બેમાંથી કોઈમાં ય માર ખાઈ ખાઈને અધમૂઆ થવા છતાં આદરેલું છોડી દેવા જેટલી અક્કલ હોતી નથી. અંતે જે સફળ થાય તે ઉત્તમ કહેવાય છે – જો કે, બાકીનાઓ કાયમ વધુમતિમાં હોય છે. અમેરિકામાં ભવિષ્યની પેઢીઓની ચિંતાની વ્યર્થતા સમજાયા પછી હવે સૌને “આપણા ગયા પછી શું?”ની ફિકર પેઠી છે. આપણી સંપત્તિના ઘરાક તો મળી રહે, પણ દસકાઓથી સંઘરેલાં, અને પૂઠાં ઉપર પૂઠાં ચડાવીને રક્ષેલાં પુસ્તકોનું શું કરવું તે પ્રાણપ્રશ્ન છે. “આપ મૂઆ પીછે ડૂબ ગઈ દુનિયા” આગળ હાલ પૂરતી તો સમાધાનરેખા દોરાઈ છે.

આવતી પેઢી તો ઠીક, આપણી પોતાની પાસે પણ હવે ગુજરાતી વાંચવા માટે નથી સમય, કે નથી કદાચ શક્તિ પણ. તેથી બહાનાં કાઢીએ છીએ કે અંગ્રેજી વાંચીએ છીએ, કૉમ્પ્યૂટર ઉપર વાંચી લઈએ છીએ, અમારા ઘરમાં પડ્યાં છે તે વાંચવાનો પણ સમય નથી, અમારા બાપદાદાએ દેશમાં સેંકડો પુસ્તકો ભેગાં કર્યાં છે, ઈત્યાદિ. હવે ભારતથી પુસ્તકો લાવવાનું અશક્યવત્‌ થઈ ગયું છે, તેથી અમેરિકામાં જે પુસ્તકો આવી ગયાં છે તે સાચવવાની જરૂર છે, કોઈ વાચક નજરે ન પડે તો પણ. વળી ભારતથી મુલાકાતે કે સ્થળાંતર કરીને આવતા વડીલોમાંના મોટા ભાગના માત્ર ગુજરાતી જ વાંચી શકે તેમ છે. અંગ્રેજી આવડતું હોય તો પણ તેમનામાં સ્થાનિક પુસ્તકાલયમાં કાર ચલાવીને જવાની કે બિનઅંગ્રેજી પુસ્તકોની પૂછતાછ કરવાની ક્ષમતા પણ જવલ્લે જ હોય છે.

તેમને અનુલક્ષીને મારાં પોતાનાં બે-એક હજાર પુસ્તકોમાંથી એક પુસ્તકાલય પાંચેક વર્ષ પૂર્વે શરૂ કર્યું હતું, તે હવે લગભગ બંધ કર્યું છે કે જેની ફલશ્રુતિ અહીં રજૂ કરી છે. જીર્ણશીર્ણ હાલતમાં હોય તેવાં, બાઇન્ડિંગની દોરીઓ લટકતી હોય તેવાં, બાઇન્ડિંગ છૂટું પડી ગયું હોય તેવાં, જીવાત સિવાય બીજા કોઈએ જેમાં મોં ન નાખ્યું હોય તેવાં પુસ્તકોને સંમાર્જીને કૅટલૉગિંગ કરવું પડે. પુસ્તકોનો ઢગલો ન તો ઘરમાં આવકાર્ય છે, ન તો સામાજિક કાર્યક્રમોમાં. કબીરજીએ “દોનો હાથ ઉલેચિયે” કદાચ પુસ્તકો બાબત જ કહ્યું હશે.

ધર્મસ્થાનોમાં સાધારણ પુસ્તકાલયોની તો દુર્દશા જ થાય છે. ભગવાનનો ફોટો જો અંદર હોય તો કદાચ તે સચવાય, તદ્દન ઉઘાડ્યા વગર. વળી, એક યા બીજાં પુસ્તકો વિરુદ્ધ કોઈને ને કોઈને વાંધો પડે. શૃંગાર તો ખુદ ભગવાન કૃષ્ણના પણ નિંદાય છે ત્યાં બીજાના તો શા ભાર? ગુજરાતી સમાજો અને અન્ય સંસ્થાઓ પુસ્તકાલયોના એકાધિક દુઃખદ અનુભવોના ઢગલા ઉપર જ બેઠેલાં હોય છે. તદુપરાંત, સમાજમાં લોકો અનિયતકાળે મળતા હોય તેથી પુસ્તકોની લેવડદેવડની વ્યવસ્થાની મુશ્કેલી પડે. મનોરંજનની સંસ્થાઓ તો જાણે કે માની જ લે છે કે પુસ્તક માત્ર ગંભીર જ હોય, તેથી તેમનાથી તો હાથ જ ન અડાડાય.

ઉંમરલાયક વડીલો માટે અહીં સામાજિક કેન્દ્રો ચાલે છે. ત્યાં લોકો દરરોજ કે દર સપ્તાહે કે મહિને બે મહિને, પણ નિયમિત રીતે ભેગા થાય છે. જવાબદાર વ્યક્તિઓ તે ચલાવે છે. દૂરનાં કેન્દ્રોમાં મુશ્કેલી પડે તો પણ ત્યાં આ નિઃશુલ્ક પુસ્તક વહેંચણીની પ્રવૃત્તિ શરૂ કરવા માટે નિષ્ફળ પ્રયત્નો કરી જોયા. કોઈને અમારા ઉપર ઉપકાર કરવાનું મન ન થયું. અમારા વિસ્તારમાં બે મુખ્ય કેન્દ્રો ચાલે છે. એક સ્થાનિક વૈષ્ણવ મંદિર ચલાવે છે જેમાંથી હમણાં બે થયાં છે. બીજા હિંદુ અને જૈન મંદિરો પણ નાનાંમોટાં કેન્દ્રો ચલાવે છે. મહદંશે આ કેન્દ્રોમાં માત્ર ગુજરાતીઓ જ આવે છે. વૈષ્ણવ મંદિરમાં મૌખિક મંજૂરી તો મળી, અને બે-ત્રણ વખત અમે ત્યાં બેઠા પણ ખરાં. પણ ત્યાંના કાર્યક્રમમાં સમય કે હૉલમાં જગ્યા ન હોવાથી અને સર્વ સભ્યો ગુજરાતી હોવા છતાં, ખાસ તો ઉત્સાહનો અભાવ હોવાથી બંધ કરવું પડ્યું. થોડાં ઘણાં પુસ્તકો પાછાં ન જ આવ્યાં, વ્યવસ્થાપકોની હાકલ છતાં.

બીજું કેન્દ્ર એક સામાજિક સંસ્થા ચલાવે છે જ્યાં પચરંગી વસતિ આવે છે. તેના સેંકડો સભ્યો હશે. કાયમ આવનારા તો સો-સવાસો જ હોય. ગુજરાતીઓ લગભગ ૩પ-૪૦% હશે. તો પણ અમારાં ૭પ જેટલાં ઘરાકો થયાં. દર અઠવાડિયે તેની બેઠક થાય છે. મહિને એકથી લઈને દર હફતે સાત-આઠ પુસ્તકો લઈ જવાવાળા સભ્યો હતા. કવચિત્‌ તો પતિ અને પત્ની બંને અલાયદાં લઈ જાય. મારા ઘરે ફોન કરીને તેમની ફરમાઈશ મોકલે, જીવની જેમ પુસ્તકોનું જતન કરે, અને પાછાં લઈ આવે. મરામત કરવાની મેં ના પાડેલી, તેથી કંઈ નુકસાની હોય તો મને બતાવે પણ ખરા. અમારા આગમનની રાહ જોઈને જ બધાં બેઠાં હોય. હું પણ તેમની સાથે ખપાવું અને પસંદગીમાં મદદ કરું. શું વાંચવું એ પ્રશ્ન નાનોસૂનો નથી. વીતેલાં પાંચ વર્ષમાં સૌની ઉંમર પણ એટલી વધે જ, તેથી ઘરાકી ઘટવા માંડી, અને અમારા બંનેની પોતાની તબિયતને કારણે નિયમિત જવાનું શક્ય ન રહ્યું. અવેજીમાં કામ કરવા કોઈ આગળ ન આવ્યું એટલે થોડા વખત પર જ એ પ્રવૃત્તિ સમેટી લીધી.

એકાદ દુકાન કે ઑફિસ ભાડે લઈને કે ખરીદીને પુસ્તકાલય ચલાવવા વિચાર્યું, પણ મહિને $ ૩-પ૦૦૦ ભાડું ભરવાનું પરવડી ન શકે, તેથી હાલ પૂરતું તો તે અભરાઈ ઉપર મૂકી દીધું છે. બહારગામ મારા ખર્ચે પુસ્તકો મોકલવામાં પણ મને વાંધો નહીં, પણ તેમ છતાં પણ પુસ્તકો પાછાં આવે તેવો ભરોસો હજી પડતો નથી. આમ જુઓ તો તેનો પણ વાંધો શા માટે હોય? આપણે ક્યાં નફો કરવા નીકળ્યા છીએ? ધર્માદો કરવામાં વળી નફો શું અને ખોટ શું? એક સારી પ્રવૃત્તિ બંધ પડે તેનાથી વધારે મોટી ખોટ પણ કઈ હોય?

હવે તેની વાત કરું. અહીંની સરકાર ઓછી આવકવાળાઓ માટે મેડિકેઈડ નામે એક યોજના ચલાવે છે. વડીલોની પોતાની આવક જ ગણતરીમાં લેવાય. ભારતથી આવેલ બધાં જ વડીલો તો અવશ્ય તેમાં જોડાઈ જ શકે. દિવસ દરમ્યાન તેમનું ધ્યાન રાખવા તથા તેમને પ્રવૃત્તિમાં વ્યસ્ત રાખવા વ્યાવસાયિક ધોરણે ‘ડેકેર સેન્ટર્સ’ શરૂ થયાં છે. ગણ્યાગાંઠ્યા અપવાદ સાથે, આમ તો આ નફાખોરીનો ધંધો જ છે. ત્યાં સોમથી શુક્રવાર સુધી રોજ વડીલો સવારે નવથી સાંજે ચારેક વાગ્યા સુધી મળતા હોય છે. એવા એક કેન્દ્રમાંથી અમને આમંત્રણ આવ્યું, અને બીજાં બેમાંથી અમે માંગીને મેળવ્યું.

એક કેન્દ્રમાં ત્રણેક વર્ષથી કામ ચાલે છે, અને તેઓ ચાર-પાંચ વખત ઘરે આવીને પુસ્તકો બદલાવી ગયાં છે. એ કોઈ યહૂદી માલિક ચલાવે છે, અને ભારતની બધી ભાષાઓ ત્યાં બોલાય છે. ત્યાંથી એક પંજાબી યુવતી બે-ત્રણ વાર અમારા ઘરે આવીને પુસ્તકો બદલાવી ગઈ છે. એ લોકોનો રસ અને ઉત્સાહ પ્રશંસનીય છે.

અમારા બીજા એક યજમાનને ત્યાં પુસ્તકો પહોંચાડ્યાં, પણ થોડા મહિનાઓ પછી અડધાંપડધાં પાછાં આવ્યાં, અને “જોઈશે ત્યારે મંગાવીશું” સાથે તેમના ઉત્સાહની પૂર્ણાહુતિ થઈ. આમાં કંઈ બહુ ભારે કામનો બોજ ઉપાડવાનો છે એવું તો મને પાંચ વર્ષ કામ કર્યા પછી પણ લાગ્યું નથી.

બીજું એક કેન્દ્ર ન્યૂ જર્સીમાં છે. તેમના માલિકને ફોન કર્યો તો કહે “ઘણું સરસ. અમુક જગાએ ચોપડીઓ આપી જાવ. મારી બહેન ત્યાં બેસે છે.” મારો દીકરો જાતે જઈને ચોપડીઓ આપી આવ્યો, કેમ કે તેની ઑફિસની બાજુમાં જ તે આવેલું છે. થોડા મહિના પછી ચોપડીઓ બદલાવવા માટે ફોન કર્યો, તો ઉડાઉ જવાબ મળ્યો કે એવા કોઈ ભાઈ ત્યાં કામ નથી કરતા. થોડા દિવસો પછી ત્યાંથી જ ખબર મળી કે એ ભાઈ તો તેમની બીજી શાખામાં બેસે છે. તે શાખાનું નામ જુદું જ છે, તેથી મને મળી ન શક્યું. તેમના ભાઈ જ આ જ કેન્દ્ર ઉપર બેસે છે. તેમને ઈ-મેઈલ કરી પણ વ્યર્થ! મને કોઈ જાતની મદદ કરવાની તેમની વૃત્તિ હોય તેમ લાગતું નથી.

ત્રીજું કેન્દ્ર એક સેવાભાવી દક્ષિણ ભારતીય કુટુંબ ચલાવે છે, અને તેમની ચાર-પાંચ શાખાઓ પણ છે. તેમને હજારો ડૉલર્સની સરકારી ગ્રાન્ટ્‌સ મળે છે. ત્રણ વરસ પૂર્વે ઘરે આવીને તેઓ પચીસેક પુસ્તકો લઈ ગયા. ત્યાર બાદ ઢગલાબંધ ટેલિફોન, ઈ-મેઈલ, સંદેશા વગેરે દ્વારા સંપર્ક સાધવામાં કંઈ યારી મળી નથી. તેમના બૉર્ડ ઑફ ટ્રસ્ટીઝના એક સભ્યને હું સારી રીતે જાણું છું. તેમના દ્વારા પણ કંઈ થઈ નથી શક્યું.

પુસ્તકો પાછાં ન આવે તેનો ખાસ અફસોસ નથી. ખર્ચ થાય તે પણ સમજ્યાં. મહેનત પણ કરી લઈએ. સફળતા કે નિષ્ફળતાને સમાન ગણી શકીએ. આ ઝેર તો અમે જાણી જોઈને પીધાં છે. અરે, અમૃત માનીને પીધાં છે. દુઃખની વાત તો એ છે કે એક ધર્માદા પ્રવૃત્તિ, કે જેમાં લેનારને કંઈ મહેનત નથી કરવાની કે નથી કંઈ રોકાણ કરવાનું, જે ગંગા ઘેર બેઠાં આવી મળે છે, જેમાં કોઈ નવાં બંધન કે નિયમો લાગુ નથી પડતા, તેમાં આપણે કંઈ સહકાર, સગવડ, પ્રતિભાવ, ઉત્તેજન કે દયા પણ કેમ દાખવી નથી શકતા એ પ્રશ્ન નિરુત્તર જ રહે છે.

રોદણાં રોવાનું મને પસંદ નથી. હકીકતમાં તો હું આ પ્રવૃત્તિને સફળ થયેલી માનું છું. આ કામ અલબત્ત, કરવા જેવું જ છે, અને સરળતાથી થઈ શકે તેવું પણ છે. સંસ્થાઓ પાસેથી બહુ ઊંચી અપેક્ષા રાખવાનું વ્યર્થ છે. બહુ મોટા ક્ષેત્રમાં કાર્યરત સંસ્થાઓથી દૂર રહેવું વધારે યોગ્ય લાગે છે. પૈસાના લોભી આડતિયાઓથી દૂર રહેવાની ખાસ જરૂર છે. ગ્રાહકો સાથે બને એટલો સીધો સંપર્ક થઈ શકે તે વધારે ઇચ્છનીય છે. તેમના પક્ષે રસ અને નિષ્ઠા સારા એવાં છે.

સર્વ હક લેખકને આધીન છે.