અરવલ્લીમાં ભાદરવાએ મેઘરાજાની ભારે જમાવટ : મોડાસામાં બે ઇંચ વરસાદ

ગુજરાતમાં હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીના કારણે સોમવારની મોડી સાંજથી મેઘરાજાએ વિસ્ફોટક બેટિંગ કરી હતી. મંગળવારે વહેલી સવારથી અરવલ્લી જીલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ સર્જાયો હતો. ત્યારબાદ થોડાક સમયબાદ કડાકા ભડાકા સાથે વરસાદ ટૂટી પડ્યો હતો. સમગ્ર જીલ્લામાં મેઘરાજાએ ધબધબાટી બોલાવતા નીચાણવાળા વિસ્તાર અને ખેતરોમાં પાણી ફરી વળતા તળાવમાં ફેરવાયા હોય એવા દ્રશ્યો સર્જાયા હતા. મોડાસા શહેરમાં સોમવારે સાંજે ધોધમાર વરસાદ ખાબકતા ચાર રસ્તા પર ભારે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.

અરવલ્લી જીલ્લાના મેઘરજ, માલપુર, બાયડ, ધનસુરા, શામળાજી પંથકમાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત બન્યું હતું. અંબાજી પદયાત્રીઓ માટે ઉભા કરાયેલ વિસામા અને ગણેશ પંડાલો ભીંજાયા હતા. મોડાસા પંથકમાં બે કલાકમાં બે થી ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબકતા સાકરીયા ગામે આવેલું ૭૦ વિઘાથી વધુ વિસ્તાર ધરાવતું મહેરેલું તળાવ ઓવરફ્લો થતા આજુબાજુના ખેતરોમાં પાણી ફરી વળ્યાં હતા. નજીકમાં આવેલી નર્સિંગ કોલેજ સુધી તળાવનું પાણી પહોંચતા પાણી ભરાયા હતા. સાકરીયા મહેરેલું તળાવ ઓવરફ્લો થતા લોકોના ટોળેટોળા તળાવની આજુબાજુ ઉમટ્યા હતા.