મોડાસા, તા.૧૫ ગુજરાતમાં મેઘો મહેરબાન થતા સાર્વત્રિક વરસાદથી ખેડૂતો સહીત પ્રજાજનોમાં આનંદ છવાયો છે. અરવલ્લી જીલ્લામાં સિઝનનો સો ટકાથી વધુ વરસાદ થતા ચોમાસાના પ્રારંભે તળિયા ઝાટક થયેલા જળાશયો અને સૂકાંભઠ બનેલા તળાવો છલકાતા પાણીનું સંકટ દૂર થતા
જીલ્લાવાસીઓએ હૈયે હાશકારો અનુભવ્યો છે. જીલ્લાના જળાશયોમાં નવા નીરની અવાક થતા ખેતી માટે શિયાળા-ઉનાળાની સિંચાઇની સુવિધા મળવાની આશા પેદા થતા ખેડૂતોમાં ચાલુ વર્ષે ખેતીમાં સારો પાક અને ત્રણે સીઝન લણી શકવાની સંભાવનાના પગલે ખુશી જોવા મળી રહી છે.
અરવલ્લી જિલ્લાના જળાશયોમાં નવા નીરની આવક થઇ રહી છે. જીલ્લાના વાત્રક ડેમમાં 16500 ક્યુસેક પાણીની આવક થતા ડેમની મુખ્ય સપાટી 136.25 મીટર થી બે મીટર દૂર છે. ડેમની હાલની સપાટી 134.38 મીટર પહોંચી છે. સાર્વત્રિક વરસાદ થી માજુમ ડેમમાં 2000 ક્યુસેક પાણીની આવક થતા ડેમ ઓવરફ્લો થવાની સંભાવનાના પગલે ડેમના 2 દરવાજા ખોલી 2000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. મેશ્વો ડેમ મહત્તમ સપાટી 215.59 મીટર ડેમની હાલની સપાટી 214.17 મીટર જળાશયનો જથ્થો પહોંચ્યો છે. લાંક, જવાનપુરા અને વૈડી ડેમમાં પાણીની અવાક થી ધરતી પુત્રો મલકાયા છે.
જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ૭૦૦ જેટલા સાર્વજનિક તળાવોમાં નવા નીરની આવકથી ગ્રામ્ય વિસ્તારોમાં કુવા, બોરના પાણીના તળ ઉંચા આવતા પીવાના પાણીની સમસ્યા સહીત ખેતીને પણ ફાયદો થશે.ખેડૂતો હાલ ખેતીકામમાંનિંદામણ, દવાનો છંટકાવ કરતા સીમાડાઓ ધમધમી ઉઠ્યા છે.