અરવલ્લી એલસીબીનો લાંચિયો કોન્સ્ટેબલ નાટકીય રીતે એસીબીમાં હાજર થયો

મોડાસા, તા.08 

અરવલ્લી જિલ્લા એલઆઈબીનો કોન્સ્ટેબલ ભરતસિંહ ઝાલા એક માસ અગાઉ મોડાસાના જીવણપુર પાસેથી લાંચના છટકાની રકમ બે લાખ લઇને કારમાં ભાગી છુટ્યો હતો. છેલ્લા એક માસથી ભાગેડુ કોન્સ્ટેબલ એસીબીમાં હાજર થતાં તેને મોડાસાની કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

કોન્સ્ટેબલ ભરતસિંહ ઝાલા ભૂતકાળમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતાં વ્યક્તિને કહેતો હતો કે તારુ નામ વારંવાર પોલીસમાં આવે છે. એમ કહીને તેની પાસે રૂપિયાની માગણી કરતો હતો. કોન્સ્ટેબલથી તંગ આવી ગયેલા વ્યક્તિએ તેને પાઠ ભણાવવા ગાંધીનગર એસીબીમાં ફરિયાદ કરતાં ગત તા.5 ઓક્ટોબરે મોડાસાના જીવણપુર પાસે લાંચની રકમ આપવાનું નક્કી થતાં એસીબીએ છટકુ ગોઠવ્યું હતું.

આ લાંચિયો કોન્સ્ટેબલ કારમાં આવી ચઢ્યો હતો અને કારમાં નક્કી થયા મુજબ રૂપિયા બે લાખ સ્વીકારતાં જ તેના ઉપર એસીબીએ છટકુ ગોઠવ્યું હોવાની ગંધ આવી જતા તે ફરિયાદી સાથે કારમાં ભાગી છુટ્યો હતો. જ્યાં બોલુંદરા પાસે પસાર થતી મેશ્વો નદીના પુલ પાસે ફરિયાદીને કારમાથી ઉતારીને ભાગી છુટ્યો હતો.પોલીસે નાકાબંધી કરી હોવા છતા કોન્સ્ટેબલ ભાગી છુટ્યા બાદ છેલ્લા એક માસ બાદ તે એસીબીમાં હાજર થતાં તેને મોડાસાની કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગણી કરાતાં કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.