અલ્ટ્રાટેક સામે ખેડૂતોની લડી લેવાની ટેક, સિમેન્ટ કંપનાના કાવાદાવા કેવા ?

સિમેન્ટ જેવી મજબૂત લડાઈ – દિલીપ પટેલ

ભાવનગરના મહુવા અને તાળાજા તાલુકામાં આવેલી અલ્‍ટ્રાટેક સિમેન્ટ કંપનીએ તલ્લી અને બામભોર ગામ વચ્ચે પથ્થરની ખાણ ખોદવાનું શરૂ કરતાં 10 ગામના અસરગ્રસ્ત લોકો દોડી આવ્યા હતા અને સામાજિક નેતા ડો.કનુભાઈ કલસરિયાની આગેવાનીમાં દેખાવો શરૂ કરતાં પોલીસ દ્વારા બે સુમાર લાઠીચાર્જ રાજકીય નેતાઓના ઈશારે કર્યા બાદ આજે ભારેલા અગ્નિ જેવી સ્થિતી છે. પોલીસ અને પ્રજા સામ સામે પથ્થર મારો કરી રહી હતી. જાણે કાશ્‍મીરના પથ્‍થરબાજો ઉપર જેમ લશ્કર તૂટી પડે એવી જ રીતે ખેડૂતો ઉપર ગુજરાતની પોલીસ લાઠીઓ લઈને તૂટી પડતાં મહિલાઓ અને બાળકો પણ ઘવાયા હતા. સમગ્ર વિસ્તારમાં આજે ભાજપની રૂપાણી સરકાર વિરૂદ્ધ વાતાવરણ ઊભું થયું છે. 10 પોલીસ જવાનો અને 22 ખએડૂતોને ઇજા પહોંચતા તળાજા બાદ ભાવનગર સારવાર લીધી હતી. પોલીસે 35 ટીયર ગેસના સેલ છોડી 92 ખેડૂતોની ધરપકડ કરાઈ હતી. તેથી સરકાર પર દબાણ વધ્યું છે અને મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ તે અંગેનો અહેવાલ જિલ્લા પોલીસ વડા નિર્લેપ રાય પાસેથી માંગ્યો છે.

10 ગામ સજ્જડ બંધ

પોલીસ દમનના વિરોધમાં તલ્લી, ભંભોર, દયાળ, નીચા કોટડા, ઉંચા કોટડા અને મેથળા સહિતના ગામોમાં આજે સજ્જડ બંધ છેય. ખેડૂતોની માગ છે કે, પોલીસ દ્વારા જે ખેડૂતોની ધરપકડ કરવામાં આવી છે. તેમનો છુટકારો કરવામાં નહીં આવે ત્યા સુધી આજુબાજૂના 10 ગામને સજ્જડ બંધ રાખવામાં આવશે. પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલા ખેડૂતો પર આજીવન કેજની સજા થાય તેવી કલમો લાગૂ કરવામાં આવતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે. આજીવન કેદ થાય એવી કલમ ડીએસપીએ લગાવતાં 37 ખેડૂતો સામે મોટી મુશ્કેલી આવી પડતાં 10 ગામ બંધ રહ્યાં હતા.

શું છે સિમેન્ટ કંપની સામેની લડત ?

22 વર્ષ અગાઉ અંધારામાં રાખીને જમીન પચાવી પાડવામાં આવી હતી. પહેલાં ઇન્ડિયન રેયોન કંપનીએ ખેડૂતોની જમીન ખરીદી હતી. તે પછી, ગ્રાસિમ કંપની બનાવવાનો નિર્ણય લેવાયો. પરંતુ સ્થાનિકોના વિરોધને પગલે કંપની ન બની શકી. હવે, અલ્ટ્રાટેક કંપનીએ જમીન ખરીદી ચૂનાના પથ્થરો કાઢવાની  કામગીરી શરૂ કરાતાં સ્થાનિકો વિરોધ કરી રહ્યાં છે. આદિત્ય બિરલા ગ્રુપની અલ્ટ્રાટેક સિમેન્ટ છે. જો કે, જમીનનું વળતર હજુ સુધી ખેડૂતોને ન મળતાં ખેડૂતોએ જમીનનો કબ્જો છોડ્યો નથી. માઈનિંગના કારણે આસપાસની ફળદ્ગુપ જમીનને નુક્સાન થતું હોવાનો ખેડૂતોનો આરોપ છે.

પર્યાવરણીય સુનાવણી સામે વિરોધ ધ્યાને ન લેવાયો

અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીના ખનન પ્રોજેકટની GPCBપર્યાવરણ લોક સુનાવણી વખતે જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામ ખાતે 5 – 9 – 2017ના દિવસે અમરેલી અધિક જિલ્લા કલેકટર ડી.ડી.વ્યાસે લોકોના કોઈ વાંધા ધ્યાનમાં લીધા ન હતા ત્યારથી આ વિવાદ વકરી ગયો હતો. 2000 જેટલા લોકોએ તેવો વિરોધ કર્યો હતો. અસરગ્રસ્ત લોકોએ રજૂઆત કરી હતી કે, અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની દ્વારા લોકોને ડરાવવા, ધમકાવવા અને ખોટા પોલીસ કેસો કરી હેરાન કરવામાં આવે છે.  કંપની દ્વારા જમીનના ભવિષ્યના ભાવો આપવાની ખાતરી આપી છેતરપિંડીથી અમારી જમીનો લઈ લેવામાં આવી છે. આ જમીનોનું હક્ક મુજબનું વળતર પણ આપવામાં આવ્યું નથી.

900 મહિલા વિધવા બની

માઈનિંગને કારણે પર્યાવરણ સંરક્ષણ માટેના નિયમોનું પાલન ન થવાથી હવામાં સતત અતિશય ધૂળનું પ્રમાણ રહે છે. જેનાથી શ્ર્વાસની બીમારી, દમ, ટી.બી. જેવા રોગોનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે અને માણસોના આવી બીમારીને કારણે અકાળે મૃત્યુ પામે છે. બહેનોએ એવી પણ રજૂઆત કરી હતી કે આવી બીમારીઓના કારણે મૃત્યુ થવાથી બાબરકોટ ગામમાં 800થી 900 મહિલાઓ વિધવા બની છે અને એમના ભરણ-પોષણ તથા આજીવિકાની મુશ્કેલીઓ સર્જાઈ છે.

કૃષિ ઉત્પાદન ગુમાવ્યું

12 વર્ષ પહેલા એક વીઘા જમીનમાંથી 10 ખાંડી બાજરો પાકતો હતો. હવે અહીં રજકણોથી જમીન પાણી પ્રદૂષીત થતા ફળદ્રુપતા નાશ પામી અને ખેતીનો ફાલ ખરી પડતાં ખેતી નામશેષ થઈ રહી છે. તથા હાલમાં એક વિઘો જમીનમાંથી ફકત 1થી 2 ખાંડી બાજરાનું ઉત્પાદન મળે છે. સુનાવણીની કાર્યવાહી નોંધનું વાંચન કરવામાં આવ્યું ન હતું. ગુજરાતીના બદલ હિંદીમાં જવાબ આપવામાં આવ્યા હતા.

પ્રોજેક્ટના બે ભાગ કરી પ્રજાને છેતરી

સરકારો ગુમરાહ કરી રહી છે. કદમ નામની ક્ધસલ્ટન્સી (પર્યાવરણીય સલાહકાર) પણ તેમાં સંડોવાયેલી છે. કંપનીનો પ્રોજેકટ માટેનો કુલ વિસ્તાર 64.0499 હેક્ટર જમીન હતી. આ વિસ્તાર બાબરકોટ ગામનો જ છે. જેથી આ પ્રોજેકટ ઈઆઈએ જાહેરનામાં મુજબ 50 હેકટર કરતા વધુ જમીન હોઈ કેટેગરી એ સ્તરે આવે પરંતુ સદર કંપનીએ પોતાનું હિત સાધવા માટે આ પ્રોજેકટના વિસ્તારને બે ભાગમાં વહેચી ટુકડા કરી સ્તરે મંજૂરી માટે માંગણી કરેલી છે. સુનાવણી દરમ્યાન ગામના સરપંચો અને લોકો દ્વારા સખત વિરોધ કરી પર્યાવરણીય મંજૂરી આપવામાં ન આવે અને પ્રોજેકટને રદ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી.

193 હેક્ટરમાં ખાણની મંજૂરી

તળાજાના તલ્લી અને બામભોર ગામની સરકારી પડતર 30 હેકટર અને અન્ય ખાનગી માલિકીની મળી કુલ 193 હેકટર જમીનમાં ખનન કરવાની અલ્ટ્રાટેક કંપનીને સરકારના ખાણ અને ખનિજ વિભાગે મંજુરી આપી છે. જમીન માટે ટ્રિબ્યુનલમાં કેસ થયો હતો. તેમ ગુજરાત સરકારના ખાણ વિભાગે જાહેર કર્યું છે. આ વિસ્તાર કેમ વધી ગયો તેનો કોઈ ઉત્તર નથી.

કંપનની ખાણ પુરી દીધી

6 ઓગસ્ટ 2018માં કંપની સામે 10 ગામના ખેડૂતોએ આંદોલન થયું ત્યારે ખેડૂતો શસ્ત્ર સરંજામ સાથે ખણ પર પહોંચ્યા હતા. જેસીબી, પાવડા અને ત્રિકમ સાથે ડો.કનુભાઈ કળસરિયા સાથે 200 ખેડૂતોએઓ ખાણ પુરી દીધી હતી.  અલ્ટ્રાટેક કંપનીના વાઈસ પ્રેસિડન્ટ બી.કે.પરમારે ડો.કનુભાઈ સહિત 200 જેટલા લોકો સામે કાવતરું રચી રૂપિયા પાંચ લાખનું નુકસાન કર્યા હોવાની પોલીસમાં ફરિયાદ કરી હતી. લોકોને આવતા જોઇને અલ્ટ્રાટેકના કર્મચારીઓએ માઇનિંગ બંધ કરીને સ્થળ છોડીને ભાગવું પડ્યું હતું.

દરિયાની ખારાશ 30 વર્ષથી લોકો પરેશાન

તળાજા, મહુવા તાલુકાના 10થી વધુ ગામડાઓ જ દરિયાની ખારાશ ફરી વળતા પરેશાન છે. તેથી અહીં રોજગારી અને આરોગ્યના પ્રશ્ર્ન છેલ્લા ત્રણ દાયકાઓથી સતાવી રહ્યા છે. સરકારે આ વિસ્તારના લોકોની વેદના સમજવાના ઉલટાનું અલ્ટ્રાટેક સીમેન્ટને અહીં ચૂનાનો પથ્થર મોટા પ્રમાણમાં હોવાથી 13 ગામના લોકોનો સંપૂર્ણ બહુમતી સાથે વિરોધ હોવા છતાં ખોદકામ કરવા મંજૂરી આપી દીધી હતી.

બંધારો ન બન્યો

7 હજાર કરોડની કંપની ખરીદે, ખેડૂતોને રૂ.20 કરોડનું વળતર નહીં

20 માર્ચ 2018માં બિનાની સિમેન્ટની હરાજીમાં આદિત્ય બિરલા ગ્રુપની અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીએ કહ્યું હતું કે, પેરન્ટ કંપનીને રૂ.7,266 કરોડ પુરા પાડી લોન ડિફોલ્ટર(બિનાની સિમેન્ટ)ની સ્ટ્રેસ્ડ એસેટ ખરીદવા માટે તૈયાર છે. લેણદારોએ બિનાની સિમેન્ટ લિ.(બીસીએલ)ને રૂ.6,350 કરોડમાં ખરીદવાની પ્રતિસ્પર્ધી કંપની દાલમિયા સિમેન્ટની ઓફરને સ્વીકાર્યાના દિવસો બાદ આ પગલું ભરવામાં આવ્યું છે. ભારતમાં 92.5 મિલિયન ટનની વાર્ષિક ઇન્સ્ટોલ કેપેસિટી ધરાવતી અલ્ટ્રાટેક સિમેન્ટ ઉદ્યોગની અગ્રણી કંપની છે, જે ચીનને બાદ કરતાં વિશ્વમાં ચોથા ક્રમની સૌથી મોટી સિમેન્ટ કંપની છે. આ અંગે દાલમીયાએ કેસ કર્યો હતો તેથી 16 મહિના સુધી વિલંબ થયો હતો.

ઊંડી ખાણો નિયમોનો ભંગ

રાજુલા-જાફરાબાદ વિસ્તારોમાં ભૂકંપ ઝોનમાં છે. અહીં વારંવાર આંચકા આવે છે.  ખાણ કામ કરીને આ વિસ્તારમાં સૌથી વધુ પ્રદુષણ કરતી અલ્ટ્રાટેક સિમેન્ટ દ્વારા કરોડો ટન ખનીજ ખણોમાંથી કાઢી લેવામાં આવ્યું છે. હજારો એકર આપેલી જમીનમાં શરતો કરતા પણ ખૂબ ઊંડે સુધી ખાણ કામ કરવામાં આવ્યું છે. દરિયાની એકદમ નજીક સુધી ખણ ખોદીને સીઆરઝેડ (કોસ્ટલ રેગ્યુલેટરી ઝોન) કાયદાનો ભંગ કર્યો છે. ભુખરો પથ્થર કાઢી લીધેલો છે અને છેક દરિયા સુધી આવો પથ્થર કાઢી લેવાથી દરિયાના પાણી જમીનોમાં ઘુસી જવાથી તળ ખારા થઈ ગયેલા છે. જેના કારણે ખેતીને ખૂબ જ નુકસાન થયેલ છે. અલ્ટ્રાટેક સિમેન્ટ દ્વારા હવામાં સિમેન્ટની રજકણો ફેલાતાં હવાનું ભારે પ્રદૂષણ થાય છે. જેનાથી ખેતી પાકોના ઉત્પાદન પર વિપરીત અસર થાય છે. સ્થાનિક લોકોએ સીઆરપીસી 133 હેઠખ જાહેર ઉપદ્રવ અંગેની ફરિયાદ સબ ડિવીઝન મેજીસ્ટ્રેટ સા.ની.કોર્ટમાં કરેલી છે. પ્રદુણ અંગેનો અભ્યાસ કરવાની માંગણી સ્થાનિક લોકો કરી રહ્યાં છે. પ્રદુષણના કારણે હજારો લોકોના જીવ પર જોખમ ઊભું થયું છે. મર્યાદા બહાર ખનીજ ખોદી કાઢેલ હોય જેથી તેની સામે પણ પગલા ભરવામાં આવે તેવી પણ માંગણી થેયેલી છે. કંપનીના CEO તથા અલ્ટ્રાટેક યુનિટના હેડ ગોપીકા તિવારી, માઇન્સ ડિપાર્ટમેન્ટના મેનેજર ખોસલા, ભાનુકુમાર પરમાર, સદાનન, મનિષ બક્ષી આ બધા નિર્ણયો સાથે લેતાં હોય છે.

સિમેંટમાં ભેળસેળ પકડાઈ, વિધાનસભામાં ફરિયાદ

અબડાસામાં કાર્યરત મહાકાય સિમેન્ટ એકમ અલ્ટ્રાટેક કંપની દ્વારા સિમેન્ટ ઉત્પાદનમાં લાઇમ સ્ટોનના બદલે ચાઇના કલેનું મિશ્રણ કરાતું હોવા સામે ખાણ ખનિજ ખાતાએ નોટિસ ફટકારી હતી. નમૂના લેવામાં આવ્યા હતા. સિમેન્ટ બનાવવામાં ચૂનાનો પથ્થર વપરાતો હોય છે, તેના બદલે તેમાં ચાઇનાકલેની ભેળસેળ પકડાઈ હતી. અલ્ટ્રાટેક દ્વારા રાત્રિના ભાગે મોટાપાયે ખનિજચોરી થાય છે. આ અંગેની ફરિયાદ વિધાનસભામાં પણ કરવામાં આવી હતી.

મીનરલનું વજન કૌભાંડ

જાફરાબાદ તાલુકાના વાંઢ ગામે અલ્ટ્રાટેક કંપની દ્વારા અપાયેલા વે-બ્રિજનો કોન્ટ્રાકટમાં ઓપરેટર દ્વારા 6 મહિનાથી કોમ્પ્યુટર અને સોફટવેરમાં ઓટો પ્લાન્ટ ઇન્ડિયા સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડ આપવામાં આવેલ યુઝર આઈડી તથા પાસવર્ડ સાથે ચેડાં કરી મીનરલના ટ્રકોના વજનમા વધારો કરી કૌભાંડ આચરવામાં આવતું હોવાનું 29 જૂન 2018માં બહાર આવ્યું હતું. માઇન્સ વિસ્તારમાથી 30 ટ્રક પકડાઈ હતી. આ વિસ્તારમાં પીપાવાવ પોર્ટ, અલ્ટ્રાટેક, સિન્ટેક્ષ કંપની, શ્વાન એનર્જી, નર્મદા સિમેન્ટ, રિલાયન્સ સહિત અનેક કંપનીઓ છે. અલ્ટ્રાટેક કંપનીને આ કૌભાંડના કારણે 10 લાખનું નુકસાન થયું હતું.

સિંહોની વસાહત અને આગનું જોખમ

રાજુલા નજીક આવેલ વાંઢ ગામ નજીક અલ્‍ટ્રાટેકની માઈન્‍સમાં 27 એપ્રિલ 2018માં આગ લાગી હતી. જંગલ વિસ્‍તારમાં કે જયાં સિંહોનું રહેઠાણ પણ છે અને આ વિસ્‍તારમાં સિંહોની ખૂબ જ અવર-જવર છે. જે જગ્‍યાએ આગ લાગેલી તે સ્થળે એકસપ્‍લોઝીવ બનાવવા માટેનો માઈનીંગ વિસ્‍તાર છે. ખેડૂતો પણ અહીં દોડી આવ્યા હતા. ઔદ્યોગિક અધિકારીઓએ તેની સામે કોઈ પગલાં લીધા ન હતા.

ખેડૂતો અને ડો.કનુભાઈ કલસરીયાએ નિરમા કંપનીને ઝૂકાવી હતી. હવે અલ્ટ્રાટેક સામે જીતે છે કે હારે છે તે જોવાનું રહ્યું.