વનગર જીલ્લાના નીચા કોટડા અને અન્ય ૧૨ ગામો – ઊંચા કોટડા, નીચા કોટડા, તલ્લી, દયાળ, મેથળા, બામ્ભોર, કળસાર, મધુવન, ઝાંઝમેર, નવા રાજપરા, જુના રાજપરા, ગઢુલા અને રેલિયામાં અલ્ટ્રાટેક કંપની દ્વારા કરવામાં આવી રહેલા ચુનાના પત્થરના ખનન સામે લાંબો સમયથી આંદોલન ચાલી રહ્યું છે. જાન્યુઆરી મહિનામાં આંદોલન કરી રહેલા ગામલોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ ઉભું થતા પોલીસે લોકોને ખુબ માર માર્યો હતો અને ૯૨ લોકો ઉપર કલમ ૩૦૭ લગાવી તેમને જેલમાં પુરવામાં આવ્યા હતા. દસેક દિવસ પછી જામીન મળતા સૌને જેલમાંથી છોડવામાં આવ્યા હતા. આ તમામ લોકો પરથી કલમ ૩૦૭ હટાવવા માટે ગામલોકો વતી ભરતભાઈ ભીલ પીટીશનર તરીકે ગુંજરાત હાઈકોર્ટ ગયા. હાઈકોર્ટે લોકોને પોલીસ દ્વારા મારવામાં આવ્યા તે મુદ્દે તપાસ કરવા સી.આઈ.ડી. ક્રાઈમને તપાસ સોંપી છે. તે ઉપરાંત ગામલોકોને શા માટે આંદોલનનો સહારો લેવો પડી રહ્યો છે અને ગામલોકો કહે છે તે પ્રમાણે ખરેખર ખેતીનો શું પ્રશ્ન છે આ વિસ્તારમાં તેની તપાસ કરવા માટે હાઈકોર્ટે ત્રણ નિષ્ણાતોની એક સમિતિની રચના કરી છે જેમાં કપિલ શાહ, ડૉ. અરુણ દવે અને ડૉ. જી. વી. રામનજન્યુલુનો સમાવેશ થાય છે. આ કમિટી સ્થળ પર તપાસ કરવા તારીખ ૨૫ અને ૨૬ જુન દરમિયાન આવી. ગુજરાત લોકસમિતિમાંથી નીતા મહાદેવ અને મુદિતા વિદ્રોહીએ લોકો સાથે સંપર્કમાં રહી તેમને માહિતગાર કરવાનું, તેમને જાગૃત કરવાનું તથા કમિટી સામે ગામલોકોએ કેવી રીતે તથા શું શું રજૂઆત કરવી તેમજ કયા કયા મુદ્દાઓ સામે મુકવા તે બાબતે પ્રયત્ન કર્યો. ગુજરાત લોકસમિતિ પણ આ સમિતિને પોતાનો રીપોર્ટ જમા કરાવશે.