અલ્પેશ ઠાકોર દારૂના અડ્ડા બંધ ન કરાવી શક્યા

3 વર્ષથી દારુના અડ્ડા બંધ ન થયા. અલ્પેશ ઠાકોરે દારના અડ્ડાનું લિસ્ટ આપ્યું તેને ત્રણ વર્ષ થયા પણ અડ્ડા ચાલું છે. અને અલ્પેશ ઠાકોર મૌન છે.

ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોર છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં ચાલી રહેલા દારુના અડ્ડાઓ પર જનતા રેડ કરાવી રહ્યા છે. ગુરુવારે પણ પાટણ ખાતે જાહેરાત કરી હતી કે ગુજરાત વિધાનસભામાં જઈ અને મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાનો વ્યસન મુક્તિ મામલે જવાબ માગશે. પોતાની જાહેરાતને પગલે શુક્રવારે સવારે તેઓ વિધાનસભા સંકુલમાં પહોંચ્યા હતાં. અલ્પેશ ઠાકોરે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા સાથે મુલાકાત કરી હતી. જેમાં વ્યસન મુક્તિ અંગે વાત કરી હતી. ખાસ કરીને રાજ્યમાં જે વિસ્તારોમાં દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે તેને તાત્કાલિક અસરથી બંધ કરવાનું તેમને જણાવ્યું હતું. આ સાથે જ અલ્પેશ ઠાકોરે ફરી એક વખત રાજ્ય સરકારને દારુઓનાં અડ્ડાઓ સામે કાર્યવાહી કરવા માટે 21 દિવસનું અલ્ટીમેટમ આપ્યું હતું.

મહત્વનું છે કે ગુરુવારે પાટણમાં ક્ષત્રિય ઠાકોર સંમેલનને સંબોધતા અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે, ગુજરાત સરકારને આપેલા વ્યસન મુક્તિના અલ્ટીમેટમની તારીખ પૂરી થઈ ગઈ છે, જોકે સરકારે હજુ સુધી આ બાબતે કોઈ પણ પગલા ભર્યા નથી. ત્યારે ફરી એક વખત શુક્રવારથી ઠાકોર સમાજ સમગ્ર રાજ્યમાં દારૂના અડ્ડાઓ ઉપર જનતા રેડ કરી, દારૂનો નાશ કરવાના અભિયાનનો પ્રારંભ કરશે. તો સાથે જ અલ્પેશ ઠાકોરે સરકારને ચિમકી પણ આપી હતી કે, આ અભિયાનને રોકવા પ્રયત્ન થાય એ સંજોગોમાં જે કંઇ પણ થાય, તેની જવાબદારી સરકારની રહેશે. ઉલ્લેખનીય છે કે અગાઉ બનાસકાંઠામાં રેડ કરવા ગયેલા ઠાકોર સમાજના લોકોની સ્થાનિક ધરપકડ કરવામાં આવતા PSI સામે કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ ઉઠી હતી અને મામલો પણ બિચકયો હતો. ત્યારે શુક્રવારે અલ્પેશ ઠાકોરે મુખ્યમંત્રીને આવેદનપત્ર પણ આપ્યું હતું. જેમાં અનેક બાબતોનો ઉલ્લેક કરવામાં આવ્યો હતો.

પ્રતિ,

માન. મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ

ગુજરાત રાજ્ય,

સ્વર્ણિમ સંકુલ-1, 3જો માળ,

નવા સચિવાલય,

ગાંધીનગર.

વિષય : તા. 26-02-2016ના રોજ જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડ અમદાવાદ ખાતે “વ્યસનમુક્તિ મહાકુંભ” નામે બોલાવેલ મહાસંમેલનમાં આપેલ અલ્ટીમેટમ બાબત

માનનીય બહેનશ્રી,

ગુજરાત ક્ષત્રિય રાઠોડ સેનાએ તા. 26-1-2016ના રોજ જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડ અમદાવાદ ખાતે ઠાકોર સમાજના લાખો લોકો ભેગા કરી જાહેરમાં વ્યસનમુક્તિની “પ્રતિજ્ઞા” લેવડાવેલ. આમાં ઓ.એસ.એસ. સમૂહના લોકો પણ મોટી સંખ્યામાં હાજર રહેલા. હાજર રહેલા લાખો લોકોએ પ્રતિજ્ઞા લીધા પછી વ્યસનમુક્તિની શરૂઆત પણ કરી છે. હકારાત્મક પરિણામ પણ જોવા મળે છે.

હવે ખાસ બાબત એ છે કે, તા. 26-1-2016ના રોજ મહાસંમેલનમાં હાજર રહેલા લાખો લોકોની સમક્ષ જાહેરાત કરવામાં આવેલ કે, એક મહિનામાં ગુજરાતમાંથી દારૂ સહિતના નશીલા પદાર્થોનું વેચાણ થતું સરકાર દ્વારા બંધ કરવામાં નહીં આવે તો ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના હોદ્દેદારો અને સેનાના કાર્યકરો “જનતા રેડ” પાડવાનું તીવ્ર ગતિએ શરૂ કરશે.

અમોએ આપેલ એક મહિનાના અલ્ટીમેટમની મુદત આજે પૂરી થાય છે, તેથી અમો આજે આપને લેખિત આપીને મુદત પૂરી થયાની યાદ આપવાની સાથે રજૂઆત કરીએ છીએ કે, સરકાર નશીલા પદાર્થોના છડેચોક થતા વેચાણ અને દારૂ ગાળવાની બદીઓને બંધ કરવા માટે શું પગલાં લેવા માંગે છે? તે નક્કી કરીને પોતાની નીતિ જાહેર કરે.

એટલું જ નહિ, હાલમાં વિધાનસભાનું સત્ર ચાલુ છે, તેથી દારૂ સહિતના નશીલા પદાર્થોના વેચામ અને દારૂ બનાવવાની બદીઓ બંધ કરાવવા તેમજ નશાબંધી અંગેની ગૃહમાં ચર્ચા કરવા માટેનો એક દિવસ નક્કી કરી આ અંગેની ચર્ચા કરવામાં આવે.

અમોને વિશ્વાસ છે કે આપ મહિલા હોવાના નાતે નશીલા પદાર્થોના સેવનથી અને દારૂ પીવાથી નાની ઉંમરે મૃત્યુ પામનારા યુવાનોની, નાની ઉંમરમાં વિધવા થતી બહેનો અને નિરાધાર થતા બાળકોના દર્દને સમજી અમારી આ મુહિમને સફળ બનાવવા માટે ગુજરાત પોલીસ તંત્રને આનો ચુસ્તપમે અમલ કરવાનો જરૂરથી આદેશ આપશો તેવો અમોને આપ ઉપર ભરોસો છે.

અમારી સેનાના કાર્યકરો જનતા રેડ કરે તે વખતે જેતે વિસ્તારના પોલીસ સ્ટેશનના કર્મચારીઓ એમને સહકાર આપે તેવી પણ સૂચના આપ તરફથી આપવામાં આવે તેવી અમો આપ પાસે અપેક્ષા રાખીએ છીએ.

સહકારની અપેક્ષા સહ.