રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે કહ્યું કહ્યું હતું કે, ગુજરાતમાં ઘરેઘરે(ઠેરઠેર) દારૂ પિવાય છે. તેમની વાત આજે વિજય રૂપાણીની સરકારે સાબિત કરી છે અને ગુજરાતમાં ઠેરઠેર દારૂ પિયાતો હોવાની જાહેરાત ગુજરાત વિધાનસભામાં કરી છે. બે વર્ષમાં ગુજરાતમાં રૂ.3.12 કરોડનો 19 લાખ લીટર દેશી દારુ, રૂ.232 કરોડનો 1.38 કરોડ વિદેશી પ્રકારના દારૂની બોટલો, રૂ.18 કરોડનો 17 લાખ બોટલ બિયર પકડાયા હતા. રૂ.16.25 કરોડના 11831 કિલો ગાંજો, 3236 કિલો અફિણ, 70 કિલો ચરસ, 1808 કિલો પોશડોડા પકડાયા હતા. કુલ મળીને 255 કરોડનો દારુ અને બિયર પકડાયા હતા.
કૉંગ્રેસ દ્વારા આયોજિત ‘જનવેદના આંદોલન’માં ભાગ લેવા માટે અમદાવાદમાં આવેલા ગેહલોતે એક સભાને સંબોધતાં કહ્યું કે દારૂબંધીના મુદ્દે ‘જો તેઓ ખોટા હોય તો રાજીનામું આપવા તૈયાર છે.’
રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગેહલોતે ઑક્ટોબર માસમાં ગુજરાતમાં દારૂબંધીને લઈને સવાલ ઉઠાવતાં કહ્યું કે ગુજરાતમાં સૌથી વધુ દારૂ પીવાય છે. હું ગુજરાતમાં એક વર્ષ સુધી હતો. અહીં છેક આઝાદીથી દારૂ પર પ્રતિબંધ હોવા છતાં દારૂનું ભારે સેવન કરાય છે. આ મહાત્મા ગાંધીના ગુજરાતની સ્થિતિ છે.
નોંધનીય છે કે ગેહલોત વર્ષ 2017માં યોજાયેલી ગુજરાતની વિધાનસભાની ચૂંટણી દરમિયાન ગુજરાત કૉંગ્રેસના પ્રભારી હતા.
સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ બે વર્ષમાં ગુજરાતમાં અમદાવાદમાંથી 8,39,582 વિદેશી દારૂની બોટલ પકડાઈ હતી જેની કિંમત 25,08,68,519 થાય છે. બનાસકાંઠામાંથી 1,42,694વિદેશી દારૂની બોટલ પકડાઈ હતી જેની કિંમત 22,13,99,710 થાય છે. વલસાડમાંથી 6,83,947 વિદેશી દારૂની બોટલ પકડાઈ હતી જેની કિંમત 17,15,31,770 થાય છે. વડોદરામાંથી 8,39,582 વિદેશી દારૂની બોટલ પકડાઈ હતી જેની કિંમત 16,24,91,939 થાય છે. સુરતમાંથી 22,59,202 વિદેશી દારૂની બોટલ પકડાઈ હતી જેની કિંમત 14,15,92,602 થાય છે. રાજકોટમાંથી 3,69,813 વિદેશી દારૂની બોટલ પકડાઈ હતી જેની કિંમત 12,76,50,628 થાય છે. ગાંધીનગરમાંથી 3,18,690 વિદેશી દારૂની બોટલ પકડાઈ હતી જેની કિંમત 10,06,53,398 થાય છે અને ડાંગમાંથી 24,838 વિદેશી દારૂની બોટલ પકડાઈ હતી જેની કિંમત 57,99,434 થાય છે.
આ ઉપરાંત બે વર્ષના સમયમાં ગુજરાતમાંથી 11,831 કિલો ગાંજો પકડાયો છે. જેમા સુરતમાંથી 3534 કિલો, પાટણમાંથી 2462 કિલો, આણંદમાંથી 2225 કિલો પકડાયો હતો. ગાંજાની સાથે 3236 કિલોગ્રામ અફીણ અને 69.60 કિલોગ્રામ ચરસ પણ પકડાયું હતું.
વર્ષ 2019માં લોકસભાની ચૂંટણીના પ્રથમ બે તબક્કા બાદ ગુજરાતમાંથી 3.69 લાખ લિટર દારૂ પકડાયો હતો. એ વખતે ચૂંટણીપંચ દ્વારા ગુજરાતમાંથી રૂપિયા 10.7 કરોડનો દારૂ જપ્ત કરાયો હતો.
એઇમ્સના ‘નેશનલ ડ્રગ ડિપૅન્ડન્સ ટ્રીટમેન્ટ સેન્ટર’ના ડેટા અનુસાર ગુજરાતમાં ‘ક્યારેય’ દારૂનું સેવન કર્યું હોય એવી વ્યક્તિની સંખ્યા કુલ વસતીના 8.1 ટકા હતી. જ્યારે બિહારમાં આ ટકાવારી 7.4 હતી. બિહારમાં તાજેતરમાં જ દારૂબંધી લાગુ કરાઈ છે.
માર્ચ મહિનામાં અંત સુધીમાં ચૂંટણીપંચ દ્વારા દેશભરમાંથી 1,400 કરોડ રૂપિયાનાં દારૂ, ડ્રગ અને રોકડ જપ્ત કરવામાં આવ્યાં હતાં. જેમાં સૌથી વધારે જપ્તી ગુજરાતમાંથી રૂપિયા 509 કરોડની કરાઈ હતી.
વર્ષ 2018માં કરાયેલી એક આરટીઆઈના જવાબમાં જાણવા મળ્યું હતું કે ગુજરાતમાં વર્ષ 2011થી 2017 દરમિયાન કાયદેસર દારૂનું વેચાણ છ ગણું વધ્યું હતું.
આરટીઆઈમાં અપાયેલી માહિતી અનુસાર સૌથી વધુ કાયદેસર દારૂનું વેચાણ સુરતમાં થયું હતું. એ બાદ અમદાવાદ, વડોદરા અને કચ્છમાં સૌથી વધુ કાયદેસર દારૂનું વેચાણ થયું હતું.
વર્ષ 2009 દરમિયાન અમદાવાદમાં ઘટેલી લઠ્ઠાકાંડની ઘટનામાં 136 લોકોનાં મૃત્યુ થયાં હતાં.
ગુજરાતની વિધાનસભામાં રજૂ કરાયેલા આંકડા અનુસાર વર્ષ 2012થી 2014 દરમિયાન ગેરકાયદે દારૂએ રાજ્યમાં 177 લોકોનો ભોગ લીધો હતો.
દારૂબંધી દરમિયાન લોકો ઝેરીલો દારૂ પીવે એવી ઘટનાઓ વધી જતી હોય છે એવું અમેરિકાના ઇતિહાસકાર થૉમસ કૉફી નોંધે છે. 1920થી 1933 દરમિયાન અમેરિકામાં દારૂબંધી લાગુ કરાઈ હતી.
વર્ષ 1999થી 2009 દરમિયાન ગુજરાતમાં દારૂના લગભગ 80 હજાર કેસ નોંધાયા હતા. જેમાંથી માત્ર 9 ટકામાં જ સજા કરી શકાઈ હતી.