ગુજરાત રાજયમાં મહિલાઓ અને બાળકીઓની સલામતી નથી. છેલ્લાં બે વર્ષમાં રાજયમાંથી 13,574 મહિલાઓ અને 4989 બાળકો ગુમ થયા છે. રાજય સરકારના સત્તાવાર આંકડા મુજબ રાજયમાંથી 42,432 બાળકો ગુમ થયા છે તે પૈકી 14,882 બાળકો લાંબા સમયથી ગુમ છે, જયારે 14,301 વ્યકિતઓ ગુમ છે આ ગુમ વ્યકિતઓને શોધવામાં તંત્ર નિષ્ફળ નિવડયું છે.
રાજયમાં અને દેશમાં ગુમ થયેલા બાળકો, મહિલાઓ અંગે જાહેર હિતની અરજીમાં નામદાર સુપ્રિમ કોર્ટે વર્ષ 2012-13માં રાજયના મુખ્ય સચિવને રાજયમાંથી ગુમ થયેલા બાળકોની વિગતો રજુ કરવા બે વખત નોટીસ ફટકારી હતી તેમ છતાં રાજય સરકારે વિગતો રજુ કરી ન હતી. ત્યારબાદ સુપ્રિમ કોર્ટે કડક વલણ અપનાવતાં ગુમ થયેલા બાળકો અંગે જે તે સમયે આંકડા રજુ કર્યા હતા. રાજયમાં ગુમ થયેલા બાળકો અંગે નામદાર સુપ્રિમ કોર્ટે વિવિધ રાજયોને આપેલા આદેશમાં આંતરરાજય સંકલન, રાજયમાં વિવિધ જીલ્લાઓમાં સંકલન, ગુમ થયેલા બાળકોની વિગતો દર્શાવતી વેબસાઈટ, ગુમ થયેલા બાળકો અંગેની હેલ્પ લાઈન સહિતની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. અમદાવાદ જેવા મોટા શહેરમાં બાળકો ગુમ થવા અંગે પીસીબીને જવાબદારી સોંપાઈ છે પણ કોઈ વાલી ગુમ થયેલા બાળક અંગે ફરીયાદ કરવા જાઈ તો પીસીબી તેમના ક્રાઈમ બ્રાંચના મીસીંગ ચાઈલ્ડ સેલમાં મોકલે છે. ક્રાઈમ બ્રાંચમાં જયારે વાલી પહોંચે તો તેમને પીસીબીમાં ધકેલવામાં આવે છે. ગુજરાત સરકારે સુપ્રિમ કોર્ટના આદેશ બાદ ગુમ થયેલા બાળકો અંગે 32 જેટલા પરીપત્રો કરેલ છે પણ તે માત્ર કાગળ પર છે. મીસીંગ ચાઈલ્ડ માટેની વેબસાઈટ પણ બરાબર કાર્યરત નથી તેમજ અપડેટેડ નથી, હેલ્પ લાઈન નંબર 1098 ઉપર કોઈ સંતોષકારક જવાબ મળતો નથી. ચાર ઝોનમાં મીસીંગ ચાઈલ્ડ માટે વ્યવસ્થા તંત્રની જાહેરાત કરનાર ભાજપ સરકારમાં અન્ય જાહેરાતોની જેમ આ પણ જાહેરાત બની ગઈ છે.
રાજયમાં કીડની ચોર પકડાયા પછી રફુ ચક્કર થાય, બાળકોને વેંચી નાંખવાની ગેંગ સક્રિયતાથી કામ કરતી હોઈ છતાં પોલીસને ખબર ન પડે અને સીબીઆઈ સમગ્ર બાબતે જયારે ધરપકડ કરે ત્યારે રાજયમાં બાળકોને ગુમ કરવામાં અને ખાસ કરીને દિકરીઓને ગુમ કરીને વેંચી નાંખવાના કૌભાંડનો પર્દાફાશ થાય છતાં રાજયના ગૃહ વિભાગનો હવાલો સંભાળતા ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપ જાડેજા નિષ્ફળ રહ્યા છે.
આ પ્રશ્નોનો જવાબ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી આપી શકે તેમ નથી
1 તાજેતરમાં સીબીઆઈ દ્વારા દિકરીઓને વેંચી નાંખવાના કૌભાંડમાં પકડાયેલ માયા અને ગેંગના સભ્યો દ્વારા કેટલી યુવતીઓ દિકરીઓ ભોગ બની છે ?
2 – છોટા ઉદેપુરમાં હોસ્પિટલોમાંથી બાળકોને બારોબાર ગુમ કરીને વેંચી નાંખવાના આંતરરાજય કૌભાંડમાં પકડાયેલ ડોકટર અને ભાજપના આગેવાન સંડોવાયેલા તેમાં કેટલા બાળકોને ગુમ કરીને વેંચી નાંખવામાં આવ્યા ?
3- આણંદ જીલ્લામાંથી કીડની કૌભાંડ અને અંગના વેપારમાં સંડોવાયેલી આંતરરાજય ગેંગના સાગરીતોને આંધ્ર પ્રદેશ પોલીસે ધરપકડ કરેલા તે ડોકટર અને અન્ય સાગરીતો ગુજરાતમાંથી કેમ ભાગી ગયા છે ?
4 – રાજયમાં મોટા શહેરોમાં અને ગ્રામ્ય વિસ્તારમાંથી ગુમ થતાં બાળકો અને ખાસ કરીને યુવતીઓ માટે સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ સરકાર કેમ સંવેદનશીલ બનતી નથી ?
5 – રાજયમાંથી 42,432 બાળકો ગુમ થયા છે તે પૈકી 14,881 બાળકો લાંબા સમયથી ગુમ છે, જયારે 14,301 વ્યકિતઓ ગુમ છે તે અંગે સરકાર કેમ સંવેદનશીલ બનતી નથી ?
રાજયમાં 2001 થી 2018 સુધીના 17 વર્ષમાં મોટાપાયે ગુમ થતાં બાળકો ખાસ કરીને યુવતીઓ-મહિલાઓ અંગે રાજય સરકારનું ગૃહ વિભાગ સાચા આંકડાઓ જાહેર કરે અને ગુમ થયેલા બાળકો-મહિલાઓને શોધવા માટે સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ નક્કર કામગીરી કરે.