અમદાવાદ, તા. 9.
અમદાવાદ શહેર નજીક આવેલા અસલાલીથી હાથીજણ જવાના માર્ગ પરથી એક અઠવાડિયા પૂર્વે એક માથા અને આંગળીઓ વિનાનો મૃતદેહ મળી આવ્યો હતો. જોકે, આવી ક્રૂરતા પૂર્વક થયેલી હત્યા જોઈને ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ ઘટના અંગે ગ્રામ્ય એલ.સી.બી. પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં આ મૃતદેહ ગોમતીપુરના યુવકનો હોવાનું સામે આવ્યું હતું. જેમાં ગોમતીપુરના યુવક અને તેના ભાગીદાર વચ્ચે હિસાબ અંગે માથાકૂટ થઈ હતી. જેમાં મૃતક યુવકે તેના ભાગીદારની હત્યા માટે સોપારી આપી હોવાની આશંકાને લઈને તેનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. બાદમાં તેની લાશના ટુકડા કરીને કોથળામાં ભરીને અસલાલી- હાથીજણ રિંગ રોડના સર્કલ પર ફેંકી દીધા હતા.
આ ઘટના અંગે પ્રાપ્ત વિગતો મુજબ, અમદાવાદ શહેરના અસલાલીથી હાથીજણ તરફના રીંગ રોડ પર શ્યામ આઇકોન નામનું બિલ્ડીંગ આવેલું છે. જ્યાં ચાની કીટલી ધરાવતા વ્યક્તિએ ગત રવિવારે સવારે પાંચ વાગ્યે પોતાની કિટલી શરૂ કરી હતી. ત્યારે તેને તેની કિટલીની બરોબર સામે જ એક મોટો કોથળો નજરે પડ્યો હતો. આ કોથળો જોતાં પ્રથમ તો તેને શંકા ગઈ હતી, જેથી તેણે તે કોથળા અંગે માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પછી તે તેના ધંધાના કામમાં પરોવાઈ ગયો હતો.
જો કે બાદમાં થોડા સમય પછી તિવ્ર બદબૂ આવતા તેણે ફરી તપાસ કરી હતી, તો કોથળામાં કોઇ મૃતદેહ જેવું કાંઇક હોય તેવું લાગ્યું હતુ. જેથી તેણે આ મામલે પોલીસ કંટ્રોલરૂમને જાણ કરી હતી. પોલીસે ત્યાં પહોંચીને તપાસ કરી તો માનવ દેહના વિવિધ અંગો જેવા કે પગ, ગુદાનો ભાગ, સાંથળ જેવા શરીરના ભાગો કોથળામાં પડ્યા હતા.
આથી પોલીસે આ મામલે હત્યાની આશંકાએ તપાસ કરી હતી, કારણ કે તેનું માથું અને આંગળીઓ ન હતી. આ મામલે અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસે તપાસ શરૂ કરી હતી. આ તપાસમાં પોલીસને જાણ થઈ હતી કે, આ મૃતદેહ ગોમતીપુરના ગૂમ થયેલા યુવક શાકીર શેખનો હોવાનું ખુલવા પામ્યુ હતું.
પોલીસે ઘટના સ્થળની આસપાસના સીસીટીવીના ફૂટેજોને આધારે તપાસ કરી હતી. જેમાં એક રિક્ષા અને એક્ટિવા ઘટના સ્થળ નજીક શંકાસ્પદ જણાયા હતા. આ સીસીટીવી ફૂટેજો પરથી પોલીસે એક રિક્ષા ચાલકની અટકાયત કરી હતી. જેમાં તેણે જણાવ્યુ હતું કે, ગોમતીપુરના મોહમ્મદ મતબુલ શેખ નામના ઇસમે તેને પ્લાસ્ટિકની થેલીને અસલાલી સુધી લાવવા માટે રૂ. 300 આપ્યા હતા. જેથી પોલીસે મોહમ્મદ મતબુલ શેખના ઘર સુધી પહોંચી હતી. પરંતુ તે તેના વતન ઉત્તર પ્રદેશ જતો રહ્યો હતો. જો કે તે પ્લેન દ્વારા અમદાવાદ પરત આવી રહ્યો હતો ત્યારે અસલાલી પોલીસે તેની ધરપકડ કરી પૂછપરછ કરી હતી. જેમાં તેણે આ હત્યાકરી હોવાની કબૂલાત કરી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મૃતક સાકીર અને આરોપી મોહમ્મદ મતબુલ બંને ઉત્તર પ્રદેશના હતા. છેલ્લા સાત વર્ષથી તેઓ ગોમતીપુરમાં રહે છે અને કાપડનો ધંધો સાથે ભાગીદારીમાં કરતાં હતા. મતબુલે રૂ. 10 લાખની રકમ ધંધામાં રોક્યા હતા. પરંતુ સાકીરે તેનો ધંધો પચાવી પાડ્યો હતો અને ધંધાનો કોઈ હિસાબ આપતો ન હતો. આ દરમિયાનમાં મતબુલના એક મિત્રએ તેને કહ્યું હતું કે, સાકીર તારી હત્યા કરાવવા માટે સોપારી આપવા ફરી રહ્યો છે. આ શંકાને લઈને મતબુલે ગત તા. બીજી નવેમ્બરે સાકીરને પોતાના ઘરે બોલાવીને ગળું દબાવીને તેની હત્યા કરી નાખી હતી, બાદમાં તેના મૃતદેહના ટુકડા કરી કોથળીમાં પેક કરીને અસલાલી નજીક ફેંકી દીધા હતા.