અમદાવાદ, તા. ૨૧. શહેરના હેબતપુર રોડ ઉપર નકલી પિસ્તોલ લગાવીને પીએસઆઇ બનીને ટ્રેક્ટર ચાલકો પાસેથી તોડ કરનાર શખ્સ ગુરુવારે સાંજે સોલા પોલીસને ચકમો આપીને નાસી ગયો હતો. પરંતુ સોલા પોલીસે તેના ટુ વ્હિલરના નંબર પરથી તેને શોધીને ઝડપી લીધો હતો.
સોલા પોલીસની શી ટીમ દ્વારા ઝડપી લેવાયેલા આ આરોપીનું નામ પારસ ઉર્ફે પાર્થ સુથાર છે. તે મૂળ રાણપુર પાસેના ગામનો વતની છે. તે ગત ગુરુવારે બે દિવસ પહેલા પારસ પોતાનું ટુ વ્હિલર લઈને હેબતપુર રોડ ઉપરના કાચા રસ્તા ઉપર બેઠો હતો. તે સમયે સોલા પોલીસ મથકની શી ટીમને આ શખ્સ પર શંકા જતા તેની પૂછપરછ કરતાં તેણે પીએસઆઇ તરીકેની પોતાની ઓળખ આપી હતી. જેથી સોલા પોલીસની ટીમે તેની પાસે આઈ કાર્ડ માંગ્યું હતું. પરંતુ તેની પાસે કોઈ ઓળખકાર્ડ ન હોવાથી પોલીસે તેની વધુ પૂછપરછ કરતાં તે ત્યાંથી નાસી છૂટ્યો હતો. પરંતુ પોતાની બનાવટી રિવોલ્વર અને ટુ વ્હિલર ત્યાં જ રહી ગયું હતું. પોલીસે તેના ટુ વ્હિલરના આધારે તેની ધરપકડ કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ આરોપીને પોલીસ ફોર્સમાં જોડાવાની ઈચ્છા હતી અને તે માટે તેણે ત્રણ પરિક્ષાઓ પણ આપી હોવાની પણ કબૂલાત કરી છે. પોલીસે નકલી પીએસઆઈ પાસેથી પોલીસે બનાવટી પિસ્ટલ પણ કબ્જે કરી છે.