અમદાવાદ,તા:૧૧ ગાંધીજીના ગુજરાતને નશાથી દૂર રાખવાનાં સપના અને મહત્ત્વાકાંક્ષા પર હવે ક્યાંકને ક્યાંક ઠંડું પાણી ફરી રહ્યું છે. ગાંધીના આ નશામુક્ત ગુજરાતમાં ઠેરઠેર નશાની હાટડીઓ ધમધમી રહી છે, ત્યાં સુધી કે મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજકોટમાં તો પરિવાર આત્મહત્યા માટે મજબૂર બન્યો છે.
અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા ત્યાં સુધી કે ગાંધીનગરમાં પણ દેશી અને વિદેશી દારૂની હાટડીઓ ધમધમી રહી છે. રાજકોટના થોરાડા ખાતે રહેતા પરિવારને તો આવા બુટલેગરોના કારણે આત્મહત્યા કરવા માટે મજબૂર થવું પડ્યું છે, અને આખરી માર્ગ તરીકે પરિવારે એક વીડિયો વાઈરલ કરવો પડ્યો છે, કારણ કે થોરાડા પોલીસે પણ આ કોળી પુરુષની ફરિયાદને કાને ધરી ન હતી.
થોરાડાના રહેવાસી ભરતભાઈના ઘરની પાસે જ બુટલેગરનો અડ્ડો ધમધમે છે, અને તેમના ઘરે આવીને આવા અસામાજિક તત્ત્વો તેમને પરેશાન કરે છે. આ અંગે ભરતભાઈએ થોરાડા પોલીસ અને પોલીસ કમિશનરને અરજી કરી છે, પણ ભરતભાઈની ફરિયાદનો કોઈ નિકાલ લાવવામાં આવ્યો નથી. આ અરજી કર્યા બાદ પણ ભરતભાઈ અને તેમના પરિવારને પરેશાન કરવામાં આવ્યા હતા, જેનો વીડિયો બનાવી ભરતભાઈએ બાળકો સહિત પરિવારના ચારેય સભ્યો સાથે સામૂહિક આત્મહત્યા કરવા ચીમકી આપી છે.
આ ઘટના માત્ર રાજકોટ પૂરતી નથી, અન્ય શહેરોમાં પણ લોકો આવા બુટલેગરોનો બેફામ ત્રાસ છે, જેને કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મચારી અને અધિકારી આંખ આડા કાન કરીને પીઠબળ પૂરું પાડી રહ્યા છે.