અમદાવાદઃ તા:08 ભાજપના વોટ્સએપ ગ્રૂપમાં બીભત્સ વીડિયો મૂકવાની ઘટનામાં વધુ એક ઉમેરો થયો છે. અસારવા ભાજપ વિધાનસભાના વ્હોટ્સએપ ગ્રૂપમાં બીભત્સ વીડિયો મૂકવામાં આવતાં ફરી વિવાદ ઊભો થયો છે. ઉલ્લેખનીય છે કે આ ગ્રૂપમાં ધારાસભ્યો, કોર્પોરેટર સહિત સંગઠનના હોદ્દેદારો પણ સામેલ છે, જેમાં અશોક કનોજિયા નામના શખ્સ ભાજપના સભ્યએ બીભત્સ વીડિયો મૂક્યો છે.
અશોક કનોજિયાએ મૂકેલી પોસ્ટ અંગે વીડિયો વાઈરલ બન્યા છે, જેથી તાત્કાલિક આ ગ્રૂપનું નામ બદલી નાખવામાં આવ્યું છે. જો કે વિવાદ વધુ વકરતાં એડમિન દિનેશ સિસોદિયા દ્વારા ગ્રૂપને બંધ કરી દેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ દિનેશ સિસોદિયા ભાજપના ધારાસભ્ય બલરામ થવાણીના પર્સનલ સેક્રેટરી છે, જેમણે થોડા સમય પહેલાં એક મહિલા સાથે મારપીટ કરી હતી. જો કે કહેવાતી રીતે શિસ્તતાને વરેલી ભાજપ પાર્ટીના ગ્રૂપમાં આવી અશ્લીલ પોસ્ટ અંગે જાત-જાતની ચર્ચા થઈ રહી છે.
અસારવા વિધાનસભાના વોટ્સએપ ગ્રૂપમાં બીભત્સ વીડિયો મૂકવા અંગે વિવાદ થયા બાદ ઉપપ્રમુખ અશોક પટેલે ચોખવટ કરતાં કહ્યું કે, ‘આ પોસ્ટ મારા દ્વારા નથી કરાઈ, બીજા અશોકે આ બીભત્સ પોસ્ટ કરી છે.’ જ્યાએ વીડિયો પોસ્ટ કરનારા અશોક કનોજિયાએ પોતાના બચાવમાં કહ્યું કે, આ મોબાઈલ અન્ય કોઈના હાથમાં હતો અને ભૂલથી આ પોસ્ટ થઈ ગઈ છે, જે અંગે હું માફી માગું છું.
જો કે ભાજપના કોઈ વોટ્સએપ ગ્રૂપમાં બીભત્સ વીડિયો પોસ્ટ થવાની આ પ્રથમ ઘટના નથી, અગાઉ પણ ભાજપના ઘણાં વોટ્સએપ ગ્રૂપમાં આવી બીભત્સ પોસ્ટ મુકાઈ છે, અને વિવાદ પણ સર્જાયા છે. છતાં કહેવાતી રીતે શિસ્તને વરેલા ભાજપના નેતા, પૂર્વ ધારાસભ્યો, નેતાઓ અને કાર્યકરો દ્વારા આવી કહેવાતી ભૂલો થતી રહે છે, અને વિવાદના મધપૂડા છંછેડાતા રહે છે. ભાજપના આવા પુરુષ સભ્યો દ્વારા મૂકવામાં આવતા વીડિયોના કારણે મહિલા સભ્યો ક્ષોભજનક સ્થિતિમાં મુકાય છે, જેમના દ્વારા તાત્કાલિક ગ્રૂપમાંથી નીકળી જવા સિવાય છૂટકો રહેતો નથી. એક તરફ નારીશક્તિની સુરક્ષાની વાતો કરવામાં આવે છે, તો બીજી તરફ આવા હવસભૂખ્યા લોકોના હાથમાં જ સત્તાની સુકાન પણ ક્યાંકને ક્યાંક સોંપવામાં આવે છે. આવા કિસ્સા બનતાં સવાલ થાય છે કે શું ખરેખર આવા નેતાઓની નેતાગીરીમાં રાજ્યની સ્ત્રીઓ સુરક્ષિત છે ખરી?
અમદાવાદના સરખેજ વોર્ડના ભાજપના મહામંત્રી જેઠા ભરવાડ પણ આ ગંદકી ફેલાવવામાંથી બાકી રહ્યા નથી. જેઠા ભરવાડે પક્ષના એક વોટ્સએપ ગ્રૂપમાં બીભત્સ ફોટો શેર કર્યા હતા, જેના કારણે ગ્રૂપમાં રહેલી મહિલા સભ્યોએ આ અંગે વાંધો ઉઠાવી ગ્રૂપ છોડવા માટે મજબૂર થવું પડ્યું હતું. શરૂઆતમાં તો જેઠા ભરવાડ દ્વારા કમલેશ ત્રિપાઠી તેમને બદનામ કરવા આવા કાવતરાં કરતા હોવાનું જણાવ્યું હતું, પરંતુ બાદમાં જેઠા ભરવાડ દ્વારા બાદમાં આ અંગે માફી માગવામાં આવી હતી અને જણાવાયું હતું કે ભૂલથી મારાથી આ કૃત્ય થયું હોવું જોઈએ.
અમદાવાદની વાત કરીએ તો આ કોઈ પહેલી ઘટના નથી. અગાઉ બાપુનગર, મણિનગર, સરખેજ અને લાંભા ભાજપના વોટ્સએપ ગ્રૂપમાં પણ નીચ માનસિકતા ધરાવતા ભાજપના કેટલાક સભ્યો દ્વારા આવી ગંદકી ફેલાવવામાં આવ્યાના કિસ્સા સામે આવી ચૂક્યા છે.
નરોડા ભાજપના મહામંત્રી ગૌતમ પટેલ દ્વારા અગાઉ ભાજપના ઓફિશિયલ ગ્રૂપમાં 70થી વધુ બીભત્સ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યા હતા, જે અંગે રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો હતો.
ઓક્ટોબર-2018માં પણ આણંદ ભાજપમાં આવો કિસ્સો બન્યો હતો, જેમાં આણંદ જિલ્લા ભાજપના ગ્રૂપમાં વિદેશના કોઈ નંબર પરથી બીભત્સ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યા હતા. જાણવા મળ્યા મુજબ આણંદ ભાજપના હોદ્દેદારો આ લિન્કને ખોલીને પોર્ન ક્લિપ નિહાળતા હતા, જેના સ્ક્રીન શોટ્સ સોશિયલ મીડિયા પર વાઈરલ થયા હતા.
સંસ્કારીનગરી કહેવાતા વડોદરાના કહેવાતા શિસ્ત ભાજપના કાર્યકરે પણ વોટ્સએપ ગ્રૂપમાં આવી રીતે ગંદકી ફેલાવવાનો કિસ્સો અગાઉ બની ચૂક્યો છે. વડોદરા શહેર ભાજપના વિવિધ કાર્યક્રમોના ફોટોગ્રાફ્સ મૂકવા માટે બનાવાયેલા વોટ્સએપ ગ્રૂપમાં ભાજપના કાર્યકર અંબુ પટેલે બીભત્સ વીડિયો પોસ્ટ કરી પોતાની હલકી માનસિકતા છતી કરી હતી. જે અંગે ભારે વિવાદ સર્જાતાં એડમિન દ્વારા ગ્રૂપ જ ડિલીટ કરી દેવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ ગ્રૂપમાં પણ મહિલા કાર્યરકો ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ હતી. અંબુ પટેલ દ્વારા પણ અશોક કનોજિયાની જેમ જ ચોખવટ કરાઈ હતી કે ‘અન્ય કોઈના હાથમાં મોબાઈલ હતો, અને ભૂલથી પોસ્ટ મુકાઈ ગઈ હતી.’