મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખ લાલજીભાઈ મહેતાએ જણાવ્યું છે કે હવે સૌરાષ્ટ્ર કચ્છ અલગ રાજ્યની માંગણી ઉઠી રહી છે. અલગ રાજ્ય માટે ઘણી સગવડતા છે. સૌરાષ્ટ્રમાં ઘણા ઉદ્યોગો છે, વેપાર અને શિક્ષણ છે પરંતુ પ્રજાને કામ માટે ગાંધીનગર જવું પડે છે. જુનાગઢ, પોરબંદર અને વેરાવળથી ગાંધીનગર દુર થાય છે. ઝડપી યુગમાં સમય વેડફાઈ છે. ગાંધીનગરની ગાદી પર સૌરાષ્ટ્રના નેતા રાજ કરી રહ્યા છે. રાજકીય રીતે પણ સૌરાષ્ટ્ર કચ્છનો દબદબો છે. નાગરિકો આ વિચારબીજને આગળ ધપાવવા બિન રાજકીય લોકો અને વિપક્ષ તેમજ સત્તાધારી નેતાઓ સાથે ચાલીને અલગ સૌરાષ્ટ્ર કચ્છ રાજ્યના સપનાને સિદ્ધ કરવા જોડાય તેમ ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખે જણાવ્યું છે.
1960 પહેલાથી સૌરાષ્ટ્રને અલગ રાજ્ય આપવાની માંગણી છે. સુરેશ મહેતા મપખ્ય પ્રધાન હતા ત્યારે તેમણે કચ્છની ખાસ દરજ્જો આપતો કચ્છ વિકાસ બોર્ડની જાહેરાત કરી હતી.
આંધ્ર પ્રદેશને ખાસ રાજ્યનો દરજ્જો આપવાની કેન્દ્રની મોદી સરકાર તૈયારી કરી રહી છે ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છને ફરી રાજ્યનો દરજ્જો આપવાની માંગણી ઊભી થઈ છે. જે ગુજરાત પહેલાં બન્ને અલગ રાજ્યો હતા. તેની સાથે દીવને પણ સૌરાષ્ટ્રમાં ભેળવી દેવાની ફરી માંગણી ઊભી છે.
1 ઓગસ્ટ 2013માં અલગ કચ્છ-સૌરાષ્ટ્ર અંગે થશે રજૂઆત કરવામાં આવી હતી. કારણ કે ત્યારે આંધ્રમાંથી વિભાજન કરીને અલગ તેલંગણા રાજ્ય બનાવવાની જાહેરાતને પગલે ફરી એક વખત ‘અલગ સૌરાષ્ટ્ર’ નો મુદ્દો સપાટી પર આવી રહ્યો છે.
સૌરાષ્ટ્રના નેતા ભાજપના પૂર્વ સાંસદ વિઠ્ઠલ રાદડિયાએ પણ સૌરાષ્ટ્રના સર્વાંગી વિકાસ માટે સૌરાષ્ટ્ર-કચ્છનું અલગ રાજ્ય હોવું જોઇએ એવો મત વ્યક્ત કર્યો હતો. આ મુદ્દે વિચારણા કર્યા બાદ ઉચ્ચસ્તરે રજૂઆત કરવાની પણ તેમણે જાહેરાત કરી હતી. વિઠ્ઠલ રાદડિયા જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે તેમણે અલગ સૌરાષ્ટ્ર માટે જે-તે સમયે માગ ઉઠાવી હતી. અલગ સૌરાષ્ટ્ર રાજ્ય માટે નજીકના ભૂતકાળમાં એકપણ વગદાર જૂથ કે તાકાત પર રાજકારણીઓએ કઇ નક્કર ઘોષણા નથી કરી, કે નથી કોઇ એવા આંદોલનાત્મક કાર્યક્રમો આપ્યા ત્યારે રાદડિયાએ ‘અલગ સૌરાષ્ટ્ર’ ની તરફેણ કરી પણ પછી તેઓ ભાજપમાં પક્ષાંતર કરી જતાં મોદી સરકારમાં મૌન બની ગયા હતા.
સૌરાષ્ટ્ર સંકલન સમિતિની માંગ
સૌરાષ્ટ્ર-કચ્છના અલગ રાજ્યપદ માટે લાંબા સમયથી માગણી કરી રહેલી સંસ્થા સૌરાષ્ટ્ર સંકલન સમિતિએ પણ પોતાની માગને તે સમયે દોહરાવી હતી. જેટલા નાના રાજ્યો છે એટલા વધુ સમૃદ્ધ થયા છે. ગુજરાત રાજ્યમાંથી સૌરાષ્ટ્રને અલગ રાજ્ય બનાવવાની માંગ સાથે સૌરાષ્ટ્રનાં યુવાનોએ શપથ લીધા હતા.
અન્યાયથી ફરી માંગનો જન્મ
સૌરાષ્ટ્ર સંકલન સમિતિના પરાગ તેજુરાએ તે સમયે જાહેર કર્યું હતું કે, સરકારની નીતિઓને કારણે ગુજરાતનો અસમાન વિકાસ થયો છે. ગુજરાતની તુલનામાં સૌરાષ્ટ્ર-કચ્છમાં ઉદ્યોગો અને આંતરમાળખાકીય સુવિધાઓનો અભાવ છે. લઘુ ઉદ્યોગો માટે રાજ્ય સરકારની કોઇ પ્રોત્સાહક નીતિ નથી. સૌરાષ્ટ્રને મોટી નવી ઔદ્યોગિક વસાહત નથી મળી. રસ્તા, પાણી, ગટર જેવી પ્રાથમિક સુવિધાઓ તથા શિક્ષણ અને આરોગ્ય જેવા ક્ષેત્રોમાં ગુજરાતની તુલનામાં સૌરાષ્ટ્ર-કચ્છ હજુ પણ પછાત છે. આ સંજોગોમાં અલગ રાજ્ય જરૂરી છે. સિંચાઈની નવી સુવિધા ઊભી કરવામાં આવી નથી.
ભાજપનો ઉલટો પ્રચાર
જોકે, ભાજપના નેતા અંદરથી રહીને કહે છે કે, સૌરાષ્ટ્ર – કચ્છ અલગ રાજ્યની માંગણી ભાગલાવાદી છે, દેશ ની અખંડતા પર ખતરો ઊભો કરનાર છે, સરદાર સાહેબે ભારતને એક કર્યું તે મહેનત પર પાણી ફેરવવાની વાત છે. ભાગલા પાડો ને રાજ કરો ની નીતિ છે. ગુજરાત ના ટુકડા કરવાની વાત છે, સત્તા લાલસા છે. પણ ખરેખર સૌરાષ્ટ્ર કચ્છ ની અલગ રાજ્ય ની માંગ ઉભી થઇ એટલી હદે અન્યાય શા માટે કરો છો? આખા ગુજરાત માં કેનાલો બનાવી પણ સૌરાષ્ટ્ર માં કેમ નો બનાવી? નર્મદાનું પાણી સૌરાષ્ટ્ર કચ્છ ને કેમ દેતા નથી?
સરદાર પટેલે અલગ સૌરાષ્ટ્ર રાજ્ય આપ્યું હતું
સરદાર વલ્લભભાઈ પટેલે 1948 માં સૌરાષ્ટ્ર ને રાજ્ય પદ આપવાનો નિર્ણય કરેલો હતો. શું તેમનો નિર્ણય ખોટો હતો? 1960માં સરદાર સાહેબ ના નિર્ણયની ઉપરવટ જઈને સૌરાષ્ટ્રને ગુજરાતમાં ભેળવ્યું હતું. સૌરાષ્ટ્રની અવદશા, મજબૂરી અને વિકાસનો અભાવ જોયા પછી એમ લાગે છે સરદાર સાહેબ સાચા અને દીર્ઘદ્રષ્ટા હતા હતાં. સૌરાષ્ટ્રને અલગ રાજ્ય આપવાનો મતલબ સરદાર સાહેબનો નિર્ણય સાચો હતો એ સ્વીકારવું .
1947નું સૌરાષ્ટ્રને યુનાઇટેડ સ્ટેટ ઓફ કાઠિયાવાડ
1947માં ભારતે આઝાદી મેળવી હતી. આ સમયે ભારતમાં અનેક રજવાડાઓ જાહોજલાલી સાથે રાજ કરતાં હતા. આ સમયે પૂર્વ જુનાગઢ રાજ્ય સહિત કાઠિયાવાડનાં બસ્સોથી વધુ રજવાડાઓને સાથે રાખી સૌરાષ્ટ્ર રાજ્યની રચના કરાઇ હતી. ત્યારે આ સમયે સૌરાષ્ટ્રને યુનાઇટેડ સ્ટેટ ઓફ કાઠિયાવાડ તરીકે ઓળખવામાં આવતું હતું. લોથલ દુનિયાનું સૌ પ્રથમ બંદર હતું એવું માનવામાં આવે છે.