આઈટી સેક્ટરની કંપની એમ્ફિસિસના શેર્સ ખરીદાય તો ખરીદી લો

અમદાવાદ,તા:૧૫

હાલમાં રૂા. 990ની આસપાસની ભાવ સપાટીએ અથડાઈ રહેલા એમ્ફિસિસ(કોડ 526299)ના શેર્સમાં રોકાણ કરનારાઓને મધ્યમ ગાળામાં સારો લાભ મળી રે તેવી સંભાવના છે. મધ્યમ ગાળામાં શેરનો ભાવ સુધરીને રૃા.1035થી 1045ની રેન્જમાં પહોંચી શકે છે. છેલ્લા બાવન અઠવાડિયામાં 855નું બોટમ અને 1254નું મથાળું બતાવનાર એમ્ફિસિસની સ્ક્રિપનું વોલ્યુમ વધ્યું છે. તેમ જ તેમાં 52.79 .ટકા સોદાઓ ડિલીવરીવાળા જ છે. વર્તમાન બજાર સ્થિતિમાં આ શેરમાં કરેલું રોકાણ એક સારું ઇન્વેસ્ટમેન્ટ ગણી શકાય તેમ છે. એમ્ફિસિસનો હજી ગઈ 25મી જુલાઈએ જ તેના રૂા.10ની ફેસ વેલ્યુના શેરદીઠ રૂા.27નું ડિવિડંડ આપવાની જાહેરાત કરી છે. કંપનીની શેરદીઠ કમાણી જૂન 2019ની સ્થિતિએ 57.94ની છે.2016ના માર્ચમાં કંપનીની શેરદીઠ કમાણી રૂા. 30.04ની હતી, માર્ચ 2017માં વધીને રૂા.37.63, માર્ચ 2018માં રૂા.43.34, માર્ચ 2019માં રૂા.57.64 અને જૂન 2019માં 57.94ની થઈ છે. આમ કંપનીની કમાણી સતત વધી રહી છે. એમ્ફિસિસનો પ્રાઈસ ટુ બુક રેશિયો 5.65નો છે. કંપની દ્વારા ઇન્વેસ્ટ કરવામાં આવતા રૂા. 1 પર તે રૂા.20.12નો નફો મેળવી રહી છે. જે બતાવે છે કે કંપનીની કામગીરી ઘણી જ સારી છે.

માર્ચ 2018માં પૂરા થયેલા વર્ષમાં કંપનીનો ચોખ્ખો નફો રૂા. 850.60 કરોડનો હતો. તેની સામે માર્ચ 2019માં પૂરા થયેલા નાણાંકીય વર્ષમાં કંપનીનો ચોખ્ખો નફો રૂા. 1073.30 કરોડનો રહ્યો છે. 2019-20ના પહેલા ત્રિમાસિક ગાળાને અંતે કંપનીનો ચોખ્ખો નફો રૂા.205.81 કરોડનો રહ્યો છે. માર્ચ 2019માં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં કંપનીનો ચોખ્ખો નફો રૂા.190.74 કરોડનો હતો. આમ કંપનીના નફામાં સતત સુધારો જોવા મળી રહ્યો છે. જૂન 2018થી કંપનીની આવક પણ સતત વધી રહી છે. જૂન 2018માં રૂા. 852.7 કરોડ, સપ્ટેમ્બર 2018માં રૂા. 885.61 કરોડ, ડિસેમ્બર 2018માં રૂા.897.88 કરોડ તથા માર્ચ 2019માં કંપનીની ત્રિમાસિક આવક રૂા. 916.40 કરોડની રહી છે. ત્યારબાદ પણ કંપનીની ત્રિમાસિક આવક જૂન  2019માં વધીને રૂા. 999.48 કરોડની થઈ છે. ભારતીય રૂપિયો અમેરિકી ડોલર અને ગ્રેટ બ્રિટનના પાઉન્ડ સામે નબળો પડી રહ્યો હોવાથી આ કંપનીના માર્જિન સતત ઊંચા જઈ રહ્યા છે. રૂા.એક ટકા નબળો પડે તો કંપનીના માર્જિનમાં પા ટકાથી માંડીને પોઈન્ટ 30 બેઝિસ પોઈન્ટનો સુધારો જોવા મળે છે. આમ એક જ માસમાં વિદેશી ચલણ સામે ભારતીય રૂપિયો 5.3 ટકા જેટલો નબળો પડ્યો છે. તેનો સીધો લાભ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી-આઈ.ટી. સેક્ટરની કંપની એમ્ફિસિસને મળી રહ્યો છે.

કંપનીના મેનેજમેન્ટનું કહેવું છે કે તેમનો ક્લાયન્ટ બેઝ સતત વધી રહ્યો છે. તેમાંય સારા ક્લાયન્ટ્સની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. પરિણામે આગામી મહિનાઓમાં તેમની કંપનીની આવકમાં વધારો થવા માંડશે. ડિસેમ્બર ક્વાર્ટરમાં આ આવક વધુ રિફ્લેક્ટ થશે. કંપનીની આવક અને નફામાં વધારો થવાના ચાન્સ વધતા તેના શેર્સના ભાવ પણ ઊંચકાવાની શક્યતા વધી રહી છે. આ જ સ્થિતિ સતત ચાલુ રહેશે તો લાંબા ગાળામાં આ સ્ક્રિપના ભાવ વધુ ઊંચે જવાની સંભાવના રહેલી છે. કંપનીની આવક વીમા ક્ષેત્રના, બેન્કિંગના અને ફાઈનાન્શિયલ સર્વિસિસના સેક્ટર થકી જ હોવાની માન્યતા છે. જોકે આરોગ્યના ક્ષેત્રની કંપનીઓ, માલ પરિવહન, ટ્રાવેલિંગના સેક્ટરના પણ ખાસ્સા ક્લાયન્ટ્સ કંપની ધરાવે છે. તેમના થકી પણ કંપની ખાસ્સી આવક કરી રહી છે. છેલ્લા થોડા મહિનાઓ દરમિયાન કંપનીને અમેરિકાની મોટી બેન્ક, ફાઈનાન્શિયલ સર્વિસ કંપની અને માલની હેરફેર કરતી કંપની તરફથી ખાસ્સા ઓર્ડર મળ્યા છે. તેથી તેની આવકમાં સારો એવો વધારો જોવા મળ્યો છે. વાર્ષિક ધોરણે કંપનીની આવકમાં અંદાજે 25થી 30 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે.

એમ્ફિસિસ હવે તદ્દન નવી જ પેઢીની આઈ.ટી. સેવાઓ ચાલુ કરવાની દિશામાં સક્રિય બની છે. આ સેવામાં એપલ પેની એપ્લિકેશન ડેવલપ કરવાની કામગીરીનો પણ સમાવેશ થાય છે. કંપની દ્વારા કરવામાં આવેલી નવી પહેલ કંપનીની આવકમાં વધારો કરી રહી છે. ડીએક્સસી ચેનલના માધ્યમથી એમ્ફિસિસની થતી આવકમાં 22 ટકા જેટલો વધારો જોવા મળ્યો છે. ડીએક્સસી ચેનલના માધ્યમથી થતી આવકમાં વધારો કરવા કંપની સક્રિય છે. 2020ના વર્ષમાં તેની મોટી અસર કંપનીની આવક પર જોવા મળશે.ડીએક્સસીના અન્ય ક્લાયન્ટ્સ થકી પણ એમ્ફિસિસને ખાસ્સી આવક થઈ રહી છે. ડીએક્સસી ચેનલમાં થર્ડ પાર્ટી કોન્ટ્રાક્ટ તેમને મળ્યો હોવાનો કંપનીનો દાવો છે. તદુપરાંત કંપનીના અન્ય ક્લાયન્ટ્સમાં એચ.પી. એન્ટરપ્રાઈસ, એચ.પી. ઇન્કોર્પોરેસન અને માઈક્રો ફોકસનો સમાવેશ થાય છે. ડીએક્સસીમાંથી તેને થતી આવક વધતી રહેવાની એમ્ફિસિસને આશા છે. કંપની પાસે રૂા.1000 કરોડનો રોકડનો પ્રવાહ છે. તેમાં વ્યાજની આવકનો પણ સમાવેશ થાય છે. પરિણામે આગામી જાન્યુઆરીમાં કંપની બાયબેકની ઓફર સાથે પણ આવે તેવી સંભાવના છે. કંપનીના આર્થિક પરફોર્મન્સની તુલનાએ તેના શેરના ભાવ તેના જ સેક્ટરની અન્ય કંપનીઓ કરતાં ખાસ્સા નીચા છે. તેથી તેના શેરનો ભાવ સુધરવાની આશા રાખવામાં આવી રહી છે. આ સ્ક્રિપમાં કરેલું રોકાણ મધ્યમથી લાંબા ગાળા માટે લાભદાયી ઇન્વેસ્ટમેન્ટ બની રહે તેવી સંભાવના છે.