પાલનપુર, તા.૧૬
લાખણીમાં બે જૂથો વચ્ચે મારામારીના કેસમાં આગથળા પોલીસ સ્ટેશનમાં અરજી આવી હતી.દરમિયાન 5 જણને બોલાવ્યા હતા. જે પૈકી 4 જણાએ પોલીસ સ્ટેશનમાં ટિકટોકના જુદા જુદા બે વિડિયો બનાવી ટિકટોક એકાઉન્ટમાં અપલોડ કરી દીધા બાદ આગથળા મથકે ગુન્હો નોંધાયો છે.
લાખણીના 5 યુવાનો શનિવારે આગથળા પોલીસ મથકે અરજીના પગલે જવાબો લેવા બોલાવવામાં આવ્યા હતા.જ્યાં ક્રાઇમ રૂમમાં બેસાડવામાં આવ્યા હતા. તે વખતે 5 યુવાનો પૈકી ભીખાભાઈ કપુરજી ઠાકોર (રહે.છગનજી ગોળીયા)નું આગથળા પોલીસના એ.એસ.આઈ રઘુરામ ભાઈ બાજુની ઓફિસમાં નિવેદન લખાવી રહ્યા હતા. તે વખતે ક્રાઈમ રૂમમાં બેઠેલા અતુલ અભાજી ઠાકોર, દિલીપ ચેનાજી ઠાકોર, અલ્પેશજી પ્રેમાજી ઠાકોર અને મહેન્દ્ર રૂડાજી ઠાકોર જુદા જુદા વીડિયો ઉતારી ટિકટોક સોશિયલ સાઇટ પર અપલોડ કરી દીધા હતા.
કાનુન અપુનકા, ઇલાકા અપુનકા, કાટ ડાલેગા જેવા સંવાદો સાથે વાઇરલ થયેલા વિડિઓએ ભારે ચર્ચા જગાવી હતી. જે મામલે ચાર યુવકો વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ બાબતે દિયોદર ડીવાયએસપી પી.એચ.ચૌધરીએ જણાવ્યુ હતું કે, “ચાર આરોપીઓ દ્વારા ક્રાઇમ રૂમમાં એકલતાનો લાભ લઈ વિડિયો બનાવવના મામલમાં કડક કાર્યવાહી કરવામાં આવી છે. આઇટી એક્ટ હેઠળ ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે.