ઘરે આવેલા પ્લમ્બર મદદગાર સાબિત થયા
ઈ-બ્લોકમાં 11માં માળે રહેતા ઉત્તમ પંચાલ (ઉ.37) ઓફિસે જવા ઘરનો દરવાજો ખોલી બહાર નિકળ્યા તો ચારે તરફ ધૂમાડો જોઈ સ્થિતિની ગંભીરતા સમજી તુરંત ઘરમાં ચાલ્યા ગયા હતા. ઘરમાં આ સમયે તેમના માતા, રિપેરીંગ કામ માટે આવેલા ત્રણ પ્લમ્બર, ઘરઘાટી અને દિકરાનો કેરટેકર હાજર હતો. આગથી બચવા માટે અગિયારમાં માળે આવેલા ઓપન ડક સ્પેસમાંથી પહેલા એક પ્લમ્બર અને તે પછી વારફરતી તમામ લોકો પાઈપ પકડીને બિલ્ડીંગના ધાબે પહોંચી ગયા હતા. ઉત્તમભાઈના 60 વર્ષીય માતા નર્મદાબહેનને કમરે ચાદર (બેડશીટ) બાંધીને ઉપર ખેંચી લેવાયા હતા. જો આગ ધાબા સુધી પહોંચે તો ઓવરહેડ ટેંકના લાઈનમાંથી પાઈપ તોડી નાંખવા સુધીની તૈયારી પ્લમ્બર ભાઈઓએ બતાવતા સૌએ હાશ અનુભવી હતી.
પતિને એકલા મુકી નીચે ઉતરવાની પત્નીએ ના પાડી દીધી
ડિસેમ્બર-2018માં અકસ્માતથી 20 જેટલા ફેક્ચર થવાના કારણે વ્હીલચેર ઉપર ફરતા દર્શન મુંજાણી (ઉ.33) તેમના પત્ની વિધિબહેન અને માતા-પિતા સાથે નવમા માળે રહે છે. એનડીઆરએફ અને ફાયરની ટીમ મુંજાણી પરિવારને રેસ્કયુ કરવા પહોંચી ત્યારે ભારે શરીરના કારણે દર્શનભાઈને સીડી વાટે નીચે લાવવા શક્ય નહીં હોવાથી તેમને એક રૂમમાં રહેવા માટે કહેવાયું હતું અને બાકી સભ્યોને નીચે ઉતરવા માટે બચાવકર્મીઓએ દબાણ કર્યું હતું. જો કે, પતિ દર્શનને એકલા મુકીને નીચે ઉતરવાની પત્નીએ ના પાડી દીધી હતી. દર્શનભાઈએ ગુસ્સો કર્યો તેમ છતાં વિધિબહેન બે કલાક સુધી તેમની સાથે રોકાયા હતા.
50 મિનીટ બાદ ફાયરબ્રિગેડની ટીમ આવી – પવન આહુજા
ઘટનાની જાણ કર્યાની 50 મિનીટ બાદ ફાયરબ્રિગેડની ટીમ સ્થળ ઉપર આવી હોવાનો આરોપ સ્થાનિક રહીશ પવન આહુજાએ લગાવ્યો છે. સાથે મનિષ બારોટ સહિતના બે પોલીસ કર્મચારીઓએ ઈ-બ્લોકમાં રહેતા લોકોને રેસ્કયુ કર્યા હતા. એ-બ્લોકમાં રહેતા પવન આહુજાએ જણાવ્યું છે કે, પાંચમાં માળે જે મકાનમાં આગ લાગી હતી ત્યારે ઘરમાં હાજર મહિલાએ તેને પાણી નાંખી બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આખા મકાનમાં પીઓપી, ફર્નિચર અને વુડન ફલોરીંગના કારણે આગ વિકરાળ બની ગઈ હતી.
સુરક્ષાના કારણોસર ઈ-બ્લોક ખાલી કરી દેવાયો
આગની ઘટના બાદ ઈ-બ્લોકને સુરક્ષાના કારણોસર ખાલી કરી દેવાયો છે. બ્લોકમાં આવેલા 44 ફલેટના રહિશોને સંબંધીઓ અને પરિચિતોના ઘરે આશરો લેવો પડ્યો છે. આગ લાગતા ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડની ટીમે ઈ-બ્લોક સહિતના ત્રણ બ્લોકનો વીજ સપ્લાય બંધ કરી દીધો હતો. આગ કાબૂમાં આવતા યુજીવીસીએલની ટીમે ઈ-બ્લોકનો પાવર સપ્લાય કટ કરવા કનેકશન કાઢી નાંખ્યું છે. બીજી તરફ બિલ્ડીંગ સ્ટ્રકચરને નુકશાન થયું છે કેમ તેની તપાસ કર્યા બાદ રહિશોને તેમના મકાનમાં રહેવા માટે જવા દેવાશે.
ગણેશ જીનીસિસમાં ફાયર સેફ્ટી લગાવનારના ઘરમાં જ આગ લાગી
પાંચમાં માળે જે ઘરમાં આગ લાગી તેના માલિક રાજેશભાઈએ જ ગણેશ જીનીસિસ સ્કીમના તમામ બ્લોકમાં ફાયર સેફ્ટી લગાવી હોવાનું સ્થાનિક રહિશો જણાવી રહ્યા છે. શ્રી સિધ્ધી ગ્રુપના બિલ્ડર મુકેશ પટેલે ફાયર સેફ્ટીના ઈક્વીપમેન્ટ લગાવનારા રાજેશભાઈને બાટર સીસ્ટમમાં ફલેટ આપ્યો હોવાની ચર્ચા સ્થાનિકો કરી રહ્યા હતા.