મોડાસા, તા.૧૪ મોડાસાના માલપુર રોડ પર આવેલા આનંદનગરમાં રહેતી મહિલાની એકલતાનો લાભ લઇ હવસખોર યુવાને તેની ઇજ્જત લેવાનો પ્રયાસ કર્યો હતો. શહેરના સર્વોદયનગરમાં રહેતાં યુવાનનો મહિલાએ પ્રતિકાર કરતાં હવસખોરે મહિલાને ગળાના ભાગે ચપ્પાના ઘા ઝીંકતાં તેને સારવાર માટે ખસેડાઇ હતી.
આનંદનગરમાં રહેતી મહિલા ઘરમાં એકલી હતી. દરમિયાન મોકાનો ફાયદો ઉઠાવીને શહેરના સર્વોદયનગર(ડુંગરી) વિસ્તારમાં રહેતો જગદીશ શંકર ડામોર ઘરમાં ઘૂસી મહિલા પાસે બિભસ્ત માગણી કરતા મહિલાના હોશ ઊડી ગયા હતા. મહિલા પ્રતિકાર કરે તે પહેલાં આ હવસખોરે ચપ્પાની અણીએ તેની ઇજ્જત લેવાનો પ્રયાસ કરતાં યુવાને મહિલાને ગળાના ભાગે ચપ્પા વડે જીવલેણ હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતા મહિલાએ બુમાબુમ કરતાં આજુબાજુથી લોકો દોડી આવતા હવસખોર યુવાન ભાગી છૂટ્યો હતો. ઇજાગ્રસ્ત મહિલાને લોકોએ સારવાર અર્થે ખસેડી હતી. ગંભીર ઘટનાની જાણ થતાં ટાઉન પોલીસ દોડી ગઇ હતી અને ફરિયાદના આધારે જગદીશ ડામોરને ઝડપી પાડી તેને જેલ હવાલે કર્યો હતો.