ગુજરાતના 6 વર્ષ સુધીના 7 ટકા બાળકો એવા છે કે જેને પૂરતું ખાવાનું પણ મળતું નથી તેથી તે કુપોષણથી અસહ્ય પીડા ભોગવી રહ્યાં છે અને શરિરનો વિકાસ રૂંધી રહ્યાં છે. તેમાંએ પૂર્વ ગુજરાતની આદિવાસી પટ્ટી પર બાળકોની હાલત આફ્રિકા અને નાઈઝીરીયાના બાળકો જેવી અત્યંત ખરાબ છે. જેમને પૂરતું ખાવાનું પણ મળતું નથી. છતાં રૂપાણી સરકાર પ્રજાના પૈસે કરોડો રૂપિયા ઉત્સવો અને વૈભવ પાછળ ખર્ચી રહી છે પણ આ બાળકોને સારું ખાવાનું આપવાની તેમને કોઈ ચિંતા જણાતી નથી.
ગુજરાતમાં કુપોષણ ઘટાડવા માટે રાજ્ય સરકારે એક યોજના સાથે રાજ્ય પોષણ નીતિ વિકસાવી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના બાળવિકાસના ધોરણો પ્રમાણે, ઊંચાઇના પ્રમાણમાં ઓછું વજન (શક્તિહિન) અથવા વયના પ્રમાણમાં ઓછી ઊંચાઇ (વૃદ્ધિમાં અવરોધ) અથવા બન્નેના સન્વયને કારણે આંશિક કુપોષણ હોઇ શકે છે. જો આમાંના કેટલાક માધ્યમથી કુપોષણગ્રસ્ત બાળકોને પૂરતો ટેકો ન મળે, તો તેઓ ગંભીર તીવ્ર કુપોષણ અથવા તીવ્રપણે વૃદ્ધિના અવરોધ તરફ પ્રગતિ કરી શકે છે, જે બન્ને જીવન સામે જોખમરૂપ પરિસ્થિતિઓ છે.
૨૦૧૫-૧૬માં સરકારે દાવો કર્યો હતો કે, રાજ્યમાં ૪.૮૫ ટકા અને ૦.૬૫ ટકા બાળકો અનુક્રમે મધ્યમ કુપોષણ અને તીવ્ર કુપોષણનો શિકાર હતા. જોકે, ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના ૨૦૧૫-૧૬ના નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-૪ અનુસાર, ૩૮.૫૦ ટકા બાળકોની વૃદ્ધિ રોકાઇ ગઇ હતી અને ૨૬.૪૦ ટકા બાળકો શક્તિહિન (મધ્યમ કુપોષણનો શિકાર) અને ૩૯.૩૦ ટકા ઓછું વજન ધરાવતા હતા. આમ, સરકારના દાવા કેન્દ્રના રિપોર્ટ સાથે સુસંગત ન હતા. વાસ્તવમાં, રાજ્યમાં શક્તિહિન બાળકોની ટકાવારી (પાંચ વર્ષથી ઓછી વય)માં ૧૮.૭ ટકા (વર્ષ ૨૦૦૫-૦૬ના એનએફએચએસ-૩)થી વધી ૨૬.૪૦ ટકા (એનએફએચએસ-૪)નો વધારો દર્શાવતા હતા.
‘કેગ’ દ્વારા જામનગર, જુનાગઢ, ડાંગ, વલસાડ, પાટણ, બનાસકાંઠા, દાહોદ, છોટાઉદેપુર એમ આઠ જિલ્લાના આંગણવાડી કેન્દ્રો તથા જિલ્લા પંચાયતોના કાર્યક્રમોની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં કુપોષિત બાળકોની સંખ્યા (ત્રણ મહિનાથી ૩ વર્ષ સુધી) ૧,૧૦,૧૨૯ હતી. જ્યારે રાજ્યમાં આ આંક ૩,૮૩,૨૦૪ હતો. ત્રણથી છ વર્ષના બાળકોની સંખ્યા અનુક્રમે ૮૯,૩૮૫ અને ૩,૩૩,૧૮૩ હતી. વર્ષ ૨૦૧૪-૧૭ના સમયગાળા દરમિયાન, આઠ નમૂનારૂપ તપાસાયેલા જિલ્લા પંચાયતના રેકોર્ડ તથા રાજ્યમાં છ ટકા (છ મહિનાથી ૩ વર્ષ) અને સાત ટકા બાળકો (૩થી ૬ વર્ષ) કુપોષણનો શિકાર હતા. જોકે, આદિવાસી જિલ્લા ડાંગમાં કુપોષણની ટકાવારી અનુક્રમે ૨૨ અને ૨૫ ટકા હતી.
કુપોષણની સ્થિતિ નિયંત્રણમાં લેવા માટે આઇસીડીએસ હેઠળ આંગણવાડી કેન્દ્રોની સ્થાપના કરવાની હોય છે. રાજ્યમાં ૨૦૧૧ની વસતિ ગણતરી મુજબ ૭૫,૪૮૦ આંગણવાડી કેન્દ્રની આવશ્યક્તા સામે ઓગસ્ટ ૨૦૧૭ની સ્થિતિએ ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં ૫૩,૦૨૯ એટલે કે ૭૦ ટકા જ આંગણવાડી કેન્દ્રોની સ્થાપના થઇ હતી. આથી ૩૪ લાખ લાભાર્થીઓ પૂરક પોષણ કાર્યક્રમ અંતર્ગત આવરી શકાયા ન હતા.
એટલું જ નહીં માર્ચ ૨૦૧૭ની સ્થિતિએ કેગની સમીક્ષામાં લેવાયેલા આઠ જિલ્લાઓમાં જોઇએ તો ડાંગમાં ૩૭ ટકામાં શૌચાલય, ૧૬ ટકામાં પીવાના પાણી, ૯૯ ટકામાં નળના પાણીનું જોડાણ ન હતું. જ્યારે ત્રણ ટકામાં વીજળી જોડાણ ન હતું. ભારત સરકારે તમામ રાજ્યોને આંગણવાડી કેન્દ્રોમાં પાયાની સુવિધાઓ જેવી કે સુરક્ષિત પીવાના પાણી અને બાળ મૈત્રીપૂર્ણ શૌચાલયો પૂરા પાડવાનું સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી. જોકે, છ વર્ષનો ગાળો વિતવા છતાં રાજ્ય સરકાર દ્વારા આ સુનિશ્ચિત કરાયું નથી. આથી આંગણવાડીમાં નોંધાયેલા બાળકો પાયાની સુવિધાથી વંચિત રહ્યા હતા, તેમ ‘કેગ’એ નોંધ્યું છે.