આમીર અમદાવાદની દિકરી માટે સિક્રેટ સુપરસ્ટાર, છેલ્લા સાત વર્ષથી કરે છે મદદ

અમદાવાદ,તા.17

હેમીંગ્ટન જેમ્સ

લોકો ભલે તેમને ફિલ્મ સ્ટાર કે હીરો તેમને સ્ક્રીન પર જોઈને કહેતા હોય, મારા માટે તેઓ સાચા હીરો છે કારણ કે એક પિતાએ જે ફરજો અદા કરવાની હોય તે ફરજ તે અદા કરે છે. બલકે મારા માટે તેઓ એક પિતા સમાન જ છે, આ શબ્દો છે 16 વર્ષની કામ્યાના જેના અભ્યાસનો તમામ ખર્ચ બોલીવૂડ અભિનેતા આમીર ખાન ઉપાડે છે. કામ્યા સત્તાધાર વિસ્તારમાં આવેલા ફ્લેટમાં માતા અમીશા યાજ્ઞીક સાથે રહે છે. જનસત્તા સાથે વાત કરતાં તેણે જણાવ્યું કે, હું 10માં ધોરણમાં હોવાના કારણે મને થીયેટરમાં જઈને ફિલ્મો જોવાનો સમય નથી મળતો પણ જ્યારે સમય મળે ત્યારે હું મોબાઈલમાં તેમની તમામ ફિલ્મો જોઈ લઉં છું.

કેમ માને છે આમીરને પિતા?
જ્યારે 2012માં આમીર ખાનનું સત્યમેવ જયતે શરૂ થયું ત્યારે પ્રથમ સીઝનના પ્રથમ એપિસોડમાં જ હું તેમને મળી હતી. જ્યારે સ્ક્રીન પર મારો ઈન્ટરવ્યૂ પુરો થયો ત્યારે તેમણે મારો કેસ કોઈ પણ પ્રકારના પૈસા લીધા વગર લડ્યો તે યોગક્ષેમ માનવ સંશાધન સંસ્થાના સ્થાપક અને વકીલ ડો. રાજેન્દ્ર શુક્લા આમીરને મળ્યા અને તેમને મારી દિકરી કામ્યાના અભ્યાસ માટે પડી રહેલી નાણાકીય ભીડની વાત કરી તો કોઈ પણ જાતના સંકોચ વગર તરત જ તેમણે  હા પાડી દીધી હતી.

ક્યાં મળ્યા આમીરને?
શુટીંગ પુરી થયું પછી આમીર તેના ક્રુ મેમ્બર્સ સાથે મુંબઈમાં તેની વેનિટી વેનમાં હતો તે વખતે તેમણે મને અને કામ્યાને બોલાવ્યા હતા. તેમણે કામ્યાની સાથે થોડી વાતો કરી અને પાંચ જ મિનીટમાં અમે ત્યાંથી નીકળી ગયા.  તે ઓછું બોલે છે પણ ખૂબ જ પ્રેમાળ અને નમ્ર છે.

સહાયમાં શુ મળે છે?
2012માં જ્યારે આમીર ખાનને ખબર પડી કે કામ્યાને અભ્યાસ માટે તકલીફ પડી રહી છે તો તેણે તે જ વખતે અમારા ખાતામાં રૂપિયા 50,000 જમા કરાવ્યા હતા. ત્યારે કામ્યા ત્રીજા ધોરણમાં ભણતી હતી અને ત્યારથી અત્યાર સુધી એક પણ વષર્ર્ એવું નથી ગયું જ્યારે તેમણે અમેને કામ્યાના અભ્યાસ માટે પૈસા ના મોકલ્યા હોય. આ વર્ષે પણ તેમણે કામ્યા 10માં ધોરણમાં હોવાના કારણએ 1.28 લાખ રૂપિયા મારા એકાઉન્ટમાં સીધા જ ટ્રાન્સફર કરી દીધા છે.

કોણ કરે છે આમીર સાથે વાત?
રાજેન્દ્ર શુક્લા અમારા વતી આમીરને મેઈલ કરે છે. હુ અને કામ્યા તેમની સાથે બેસીને આખા વરસનો ખચર્ર્ કાઢીને જે એસ્ટીમેટ મોકલીએ છીએ તે જ રકમ ત્યાંથી આવે છે. તેમાં એક પણ રૂપિયો ઓછો હોતો નથી.

આમીર તમામ સર્ટીફિકેટ જુએ છે
અમીશા યાજ્ઞીકે જનસત્તાને જણાવ્યું કે દર વરસે આમીરની ટીમમાંથી સ્વાતી નામની એક મેમ્બર અમને ફોન કરે છે અને કામ્યાના સમાચાર લે છે તેણે અમને કહ્યું હતુ કે આમીર કામ્યાના અભ્યાસની પ્રગતિથી ઘણો ખુશ છે. કામ્યાના તમામ પ્રમાણપત્રો તે જાતે જુએ છે.

શું હતો કેસ?
વકીલ રાજેન્દ્ર શુક્લાના જણાવ્યા અનુસાર, કેસની વિગતો એવી હતી કે, અમીશા યાજ્ઞીકના લગ્ન ડિસેમ્બર 2000માં અમદાવાદના એક યુવક સાથે થયા હતા અને લગ્નના બીજા વરસે જ્યારે તેમને ગર્ભ રહ્યો ત્યારે તપાસના બહાને અમીશાને તેના સાસુ-સસરા ડોક્ટર પાસે લઈ જઈને ભૃણની તપાસ કરાવી લેતા. તે વખતે અમીશાને બેભાન કરી દેવામાં આવતી હતી અને જ્યારે તે જ્યારે ઉઠે ત્યારે તેનો ગર્ભ  પાડી દેવામાં આવ્યો હોવાની તેને ખબર પડતી. આવું સતત છ વાર થયા બાદ જ્યારે એક વખત સારી તબીયત નહીં હોવાના કારણે અમીશા પોતાના માતા-પિતાને ત્યાં ગઈ ત્યારે કામ્યાનો જન્મ થયો જે અમીશાને પતિ કે સાસરીયાઓને પસંદ પડ્યું નહીં અને તેને છુટાછેડા આપવા માટે દબાણ કર્યુ. ચાર મહિના સુધી તેના પોતાની દિકરી કામ્યા સાથે મળવા પણ દેવામાં આવતી નહોતી આ સમયે વકીલ રાજેન્દ્ર શુક્લાએ તેનો કેસ લડીને મદદ કરી હતી.