આયુષમાન ભારત યોજના હેઠળ ગુજરાતમાં ૨.૪૪ કરોડ લોકો

રાજ્યમાં મા અને મા વાત્સલ્ય કાર્ડ યોજનાના લાભાર્થીઓને અસાધ્ય રોગો માટે રૂપિયા ત્રણ લાખ સુધીની વિનામૂલ્યે સારવાર આપવામાં આવે છે. જ્યારે આયુષમાન ભારત-પીએમ જય યોજના હેઠળ રૂા. પાંચ લાખની સારવાર વિનામૂલ્યે આપવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા તમામ લાભાર્થીઓને આયુષમાન ભારત યોજના હેઠળ સમાવેશ કરવામાં આવશે તો તે અંગેનું જે વધારાનું પ્રીમિયમ ભરવું પડશે તે રાજ્ય સરકાર ભરશે.

વડોદરા ખાતે ૪૪૦૦ લાભાર્થીઓને મા કાર્ડનું ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી રાજેન્દ્ર ત્રિવેદી, પ્રદેશ ભાજપા અધ્યક્ષશ્રી જીતુભાઇ વાઘાણી તથા મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિતરણ કર્યુ હતુ. રાવપુરા વિધાનસભા વિભાગમાં ૧૦,૪૦૦ જેટલા લાયક પરિવારો માટેમા કાર્ડસ તૈયાર કરી વિતરણ કરાયા છે.

આયુષમાન ભારત યોજના હેઠળ ગુજરાતમાં ૨.૪૪ કરોડ લાભાર્થીઓને આરોગ્ય યોજના હેઠળ સમાવી લેવામાં આવ્યા છે. વડોદરા જિલ્લામાં ૨.૯૬ લાખ લાભાર્થીઓને મા કાર્ડ આપવામાં આવ્યા છે. ગંભીર રોગોની સારવાર માટે રાજ્યમાં મા કાર્ડ હેઠળ રૂા. ૧૫૫ કરોડનો ખર્ચ રાજ્ય સરકારે કર્યો છે. આયુષમાન ભારત યોજના હેઠળ વડોદરા જિલ્લામાં ૧.૦૬ લાખ લાભાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
શહેરની સયાજી હોસ્પિટલમાં કેન્સરના દરદીઓને આધુનિક સારવાર મળી રહે તે માટે રૂા. ૨૩ કરોડના ખર્ચે કેન્સર વિભાગને સારવારના અત્યાધુનિક સાધનો પુરા પાડવામાં આવશે.