આયુષ્યમાન ભારત યોજના હેઠળ મોરબીમાં દેશનું પ્રથમ ઘંટણનું રિપ્લેસમેન્ટ

પેટા હેડિંગઃ વડાપ્રધાન કાર્યાલય તરફથી હોસ્પિટલ અને આરોગ્ય વિભાગ મોરબીને અભિનંદન પાઠવવામાં આવ્યાં
મોરબીમાં ગરીબ વૃદ્ધાને પગના અસહ્ય દુઃખાવામાંથી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આયુષ્યમાન ભારત હેઠળ મુક્તિ મળી છે. આ વૃદ્ધાને કરવામાં આવેલું ઓપેરેશન દેશનું સૌ પ્રથમ છે. મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે દેશનું સૌ પ્રથમ knee રિપ્લેસમેન્ટનું નિઃશૂલ્ક ઓપરેશન કરાયું હતું, આ ઓપેરશન ખાનગી હોસ્પિટલમાં દોઢથી બે લાખનાં ખર્ચે થતું હોય છે,  પરંતુ આ યોજના હેઠળ વિનામૂલ્યે ઓપરેશન થતાં ગરીબ પરિવારે રાહત અનુભવી છે. આ ઓપરેશન વિનામૂલ્યે કરવામાં આવતાં વડાપ્રધાન કાર્યાલય તરફથી પણ આયુષ હોસ્પિટલ અને જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
તાજેતરમાં આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારે આ યોજના હેઠળ સાંધાના દુઃખાવાનું (knee રિપ્લેસમેન્ટનું) દેશનું પ્રથમ ઓપરેશન મોરબી શહેરમાં થયું છે. મોરબીના કાલિકા પ્લોટમાં રહેતા જીવીબહેન નામના ૬૦ વર્ષના વૃદ્ધા છેલ્લાં ઘણાં સમયથી સાંધાના દુઃખાવાથી પીડાતાં હતાં. ત્યારે તેઓએ આયુષ હોસ્પિટલનો સંપર્ક સાધ્યો હતો. જ્યાં તેઓને આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના વિશે માહિતી આપવામાં આવી હતી. બાદમાં આયુષ હોસ્પિટલના ડો. રાજદિપસિંહ ચૌહાણે વૃદ્ધાનું સાંધાના દુઃખાવાનું ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશન અઢી કલાક જેટલો સમય ચાલ્યું હતું. અંતે આ ઓપરેશન સફળ રહેતા વૃદ્ધાએ હાશકારો અનુભવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ખાનગી હોસ્પિટલમાં આ ઓપરેશન રૂ. ૧.૫થી ૨ લાખમાં થાય છે. ત્યારે ગરીબ વૃદ્ધાનું આ ઓપરેશન વિનામૂલ્યે થતાં તેઓએ હોસ્પિટલ તેમજ વડાપ્રધાનનો આભાર માન્યો હતો.
આયુષ હોસ્પિટલના ડો. રાજદીપસિંહ ચૌહાણ અને ચેતન અઘારાએ જણાવ્યું હતું કે આયુષ્યમાન ભારત જન આરોગ્ય યોજના હેઠળ દેશનું પ્રથમ સાંધાનું ઓપરેશન કરવાનું ગૌરવ આયુષ હોસ્પિટલને પ્રાપ્ત થયું છે. હાલ આ યોજના માટે આયુષ હોસ્પિટલમાં માહિતી કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. વધુમાં વધુ લાભાર્થીઓ આ યોજનાનો લાભ લે માટે અનુરોધ છે. જયારે વૃદ્ધાએ જણાવ્યું હતું કે આયુષ્યમાન ભારત યોજનામાં સમાવિષ્ઠ આયુષ હોસ્પિટલમાં તેમનો સંપર્ક સાધ્યો હતો. હોસ્પિટલના સત્તાવાળાઓએ જણાવ્યું કે આ યોજના હેઠળ તમારું નામ જાહેર થયું છે. જો તમારે પગના દુઃખાવાનું ઓપરેશન કરાવવું હોય તો ઓપરેશન વિનામૂલ્યે થશે. આથી મારા પુત્રો સાથે વાતચીત કર્યા બાદ મેં આ હોસ્પિટલમાં પગના દુઃખાવાનું ઓપરેશન કરાવ્યું છે. આ ઓપરેશનનો મારે એક પણ રૂપિયો દેવો પડ્યો નથી અને કાયમી રીતે પગના દુઃખાવામાંથી મુક્તિ મળી છે.
હાલ આ યોજના માટે આયુષ હોસ્પિટલમાં માહિતી કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. વધુમાં વધુ લાભાર્થીઓ આ યોજનાનો લાભ લે તે માટે અનુરોધ કરાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ અન્ય રાજ્યમાં પાયલોટ પ્રોજેક્ટ હેઠળ આયુષ્માન ભારત જન આરોગ્ય યોજનામાં સાંધાના દુઃખાવાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. બાદમાં Knee રિપ્લેસમેન્ટનું પ્રથમ ઓપેરશન મોરબીમાં થયું છે. આમ આ ઓપરેશન ભારતનું પ્રથમ ઓપરેશન છે.