અમદાવાદ,મંગળવાર
રાઈટ ટુ એજ્યુકેશનની જોગવાઈઓનું પાલન કરાવવામાં સરકારની ઇચ્છા શક્તિ ઓછી હોવાથી ગરીબ વાલીઓના સંતાનોને સમયસર પ્રવેશ મળી રહે તે માટે એડમિશનની પ્રક્રિયા જાન્યુઆરીથી જ શરૂ કરી દેવાની માગણી કરતી એક પિટીશન સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી છે. આ પિટીશનમાં દરેક શાળાઓને તેમને ત્યાંની રાઈટ ટુ એજ્યુકેશન હેઠળની 25 ટકા બેઠકોની વિગતો જાહેર કરવાની ફરજ પાડવાની અને સરકારી પોર્ટલ પર તે બેઠકોની વિગતો દરેક વાલી જોઈ શકે તેવી વ્યવસ્થા કરવાની માગણી કરવામાં આવી છે.
સુપ્રીમમાં સ્પેશિયલ લીવ પીટીશન
ગુજરાતના સંદીપ મુંજ્યાસરાએ ગુજરાત સરકારને પક્ષકાર બનાવને 26216-2019 નંબરથી સ્પેશિયલ લીવ પિટીશન સુપ્રીમ કોર્ટમાં કરી છે. આ પિટીશનની સુનાવણી આગામી 26મી ઓગસ્ટે થશે. ગુજરાત હાઈકોર્ટમાં આ મુદ્દ કરવામાં આવેલી પિટીશનના ચૂકાદાથી સંતોષ ન થતાં સુપ્રીમ કોર્ટમાં હાઈકોર્ટના ચૂકાદાને પડકારવામાં આવ્યો છે.
આરટીઈ હેઠળ પ્રવેશ મળતા છ માસ વીતી જાય છે
સ્પેશિયલ લીવ પિટીશનમાં એવી દલીલ કરવામાં આવી છે કે ગુજરાતની ખાનગી શાળાઓમાં દર વરસે પ્રવેશની પ્રક્રિયા માર્ચ મહિના પછી શરૂ કરવામાં આવે છે. પ્રક્રિયા અંદાજે 6 મહિના ચાલે છે. પરિણામે શિક્ષણના અધિકાર હેઠળ આરટીઈ હેઠળ પ્રવેશ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓને પ્રવેશ મળતા છ માસ વીતી જાય છે. પરિણામે પહેલા છ માસ ગરીબ વર્ગનો વિદ્યાર્થી ભણી જ શકતો નથી. તેથી સરકારે પ્રવેશ પ્રક્રિયા માટેના નિયમો તૈયાર કરવા જોઈએ. આ નિયમ મુજબ સમયસર પ્રવેશ પ્રક્રિયાનો આરંભ થઈ જાય. છેલ્લા થોડા વરસોના ટ્રેન્ડ પર નજર રાખવામાં આવે તો શાળાના પ્વરેશની અને આરટીઈ હેઠળના પ્રવેશની પ્રક્રિયા પૂરી થતાં છ માસ લાગી જાય છે. એપ્રિલ મહિનાથી સીબીએસઈની શાળાઓ શરૂ થઈ જતી હોવાથી પહેલા તેમને માટેની પ્રક્રિયા ચાલુ કરી દેવામાં આવે અને ત્યારબાદ ગુજરાત બોર્ડની શાળાઓ જૂનના બીજા અઠવાડિયાથી ચાલુ થતી હોવાથી તેની પ્રવેશની પ્રક્રિયા ચાલુ કરવામાં આવે તે જરૂરી છે.
બંધારણના અનુચ્છેદ 14ની જોગવાઈનો ભંગ
રાઈટ ટુ એજ્યુકેશનની વર્તમાન વ્યવસ્થા હેઠળ ગરીબ વિદ્યાર્થીને પહેલી અડધીથી વધુ ટર્મ ભણવા જ મળતું નથી. તેની સામે નોન આરટીઈ હેઠળ પ્રવેશ લેતા વિદ્યાર્થીઓને પહેલી પૂરી ટર્મ ભણવા મળે છે. આ આરટીઈ અને નોન આરટીઈ વિદ્યાર્થીઓ વચ્ચે ભેદભાવ થતો હોવાનું દર્શાવે છે. આ ભેદભાવ કરવો એ બંધારણના અનુચ્છેદ 14ની જોગવાઈઓના ભંગ સમાન છે. ખાનગી શાળાઓ ડિસેમ્બર જાન્યુઆરીથી પ્રવેશ ચાલુ કરી દેતી હોવાથી સમયસર તેમની પ્રવેશ પ્રક્રિયા પૂરી થઈ જાય છે.
આરટીઈની બેઠકો ખાલી રહે છે
2018-19ના નાણાંકીય વર્ષમાં 33,839 વિદ્યાર્થીઓ માટેની આરટીઈ હેઠળની બેઠકો ખાલી પડી રહી હતી. તેની સામે 39289 વિદ્યાર્થીઓ આરટીઈ હેઠળ પ્રવેશ મેળવવાથી વંચિત રહી ગયા હતા. આ જ રીતે 2017-18ની વાત કરવામાં આવે તો રાઈટ ટુ એજ્યુકેશન હેટળ 47271 બેઠકો ખાલી રહી હતી અને 26166 ગરીબ વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી ગયા હતા. હજારો સીટ ખાલી રહી જાય છે, પરંતુ સરકાર સમયસર પ્રવેશ પ્રક્રિયા ચાલુ ન કરીને ગરીબ વિદ્યાર્થીઓને પરેશાન કરી રહી છે
શાળાઓમાં બેઠક હોવા છતા પ્રવેશ નહી?
આરટીઈ હેઠળ પ્રવેશનો એક રાઉન્ડ પૂરો થઈ ગયા પછી બીજો રાઉન્ડ પણ કમને કરવામાં આવે છે.પહેલા રાઉન્ડમાં પ્રવેશથી વંચિત રહી ગયેલા બાળકોને બીજા રાઉન્ડમાં જે શાળાઓમાં બેઠકો ખાલી રહી છે તે શાળાઓમાં પ્રવેશ આપવા માટેનો વિકલ્પ પણ આપવામાં આવતો નથી. 2018-19માં બીજો રાઉન્ડ કર્યા પછી પણ બેઠકો તો ખાલી જ રહી હતી, પરંતુ સરકાર વિરુદ્ધ પિટીશન કરવામાં આવી ત્યારબાદ જ સરકારે ત્રીજો રાઉન્ડ પ્રવેશનો કર્યો હતો. પરંતુ આ રાઉન્ડમાં પણ વાલીઓને તેમની ઇચ્છા મુજબની શાળાઓમાં બેઠકો ખાલી રહેતી હોવા છતાંય પ્રવેશ લેવાની તક આપવામાં આવી નહોતી.
આરટીઈ હેઠળ ખાલી પડતી બેઠકોની સંખ્યા બતાવવામાં આવે
ખાનગી શાળાઓ આરટીઈ-રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ ભરવા પાત્ર બેઠકો ઓછી બતાવતી હોવાનું પણ જણાવવામાં આવ્યું છે. કેટલીક શાળાઓતો આરટીઈ હેઠળ હોય જ નહિ તેવું દર્શાવી દે છે. આ સંજોગોમાં દરેક શાળાઓ દ્વારા તેમની આરટીઈ હેઠળની ખાલી પડતી બેઠકોની સંખ્યા સરકારી વેબપોર્ટલ પર મૂકવાની ફરજ પાડવાની માગણી પણ કરવામાં આવી છે. રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ શાળાઓ સાચી બેઠકોની સંખ્યા બતાવે તે માટે સરકારી ઇન્સ્પેક્ટરો વેરિફાય કરે છે તેવા સરકારના દાવાના સંદર્ભમાં પિટીશનર એવી દલીલ કરી રહ્યા છે કે સરકારી ઇન્સ્પેક્ટરે કરેલા ઇન્સ્પેક્શનના રિપોર્ટ પણ સરકારી વેબ પોર્ટલ પર મૂકી દેવામાં આવે તો આ અંગે ગેરસમજ રહેશે નહિ.
સર્ટિફાય થયેલી માઈનોરીટી શાળાના નામ જાહેર કરાય
માઈનોરિટીની શાળા આરટીઈ હેઠળ આવતી નથી તે પણ એક મોટો વિવાદ છે. આ શાળાઓમાં પણ આરટીઈ લાગુ ન પડતો હોવાનું જણાવીને ગરીબ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવતો નથી. પરંતુ સરકારે જે શાળાઓને માઈનોરીટી શાળા તરીકે સર્ટિફાય કરી હોય તે શાળાઓના નામ અને સર્ટિફિકેટ સરકારી વેબપોર્ટલ પર મૂકી દેવામાં આવે તો પણ તે અંગેની ગેરસમજ દૂર થઈ જશે. સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવેલી પિટીશનની સુનાવણી આગામી 26મી ઓગસ્ટે રાખવામાં આવી છે.