આરટીઓ બોગસ લાયસન્સ રેકેટમાં મહિલા જુનિયર કલાર્ક સહિત 4 લોકોની ધરપકડ

વસ્ત્રાલ આરટીઓમાં બેકલોગ એન્ટ્રી કરી બોગસ લાયસન્સ ઈસ્યુ કરવાના રેકેટમાં મહિલા કર્મચારી સહિત ચાર લોકોની ધરપકડ થતા આરોપીઓનો આંકડો 9 પર પહોંચ્યો છે. જુનિયર કલાર્ક તરીકે નોકરી કરતી દિપ્તી સોલંકીએ આ રેકેટના મુખ્ય સૂત્રધાર અને આરટીઓ એજન્ટ જીજ્ઞેશ મોદીને સારથી-4 સોફટવેરના આઈડી આપ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં વસ્ત્રાલ આરટીઓ કચેરીમાં પરચૂરણ કામ કરતો એક યુવક પણ સામેલ છે.

સાયબર ક્રાઈમ બ્રાંચને વસ્ત્રાલ આરટીઓમાંથી બોગસ લાયસન્સ બની ગયા હોવાની ફરિયાદ મળતા તપાસ બાદ રેકેટના સૂત્રધાર જીજ્ઞેશ મોદી, એજન્ટ સંકેત રફાલીયા, જામનગરના હેકર ગૌરવ સાપોવડીયા અને રાજકોટના સંદીપ મારકણાની પ્રથમ તબક્કામાં ધરપકડ કરી કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. ત્યારબાદ આરટીઓમાં કોન્ટ્રાકટ ધરાવતી સ્માર્ટ ચીપ કંપનીના સુપરવાઈઝર કિરણ રાઠોડની ધરપકડ કરી હતી.

આ કેસની તપાસમાં એજન્ટ જીજ્ઞેશ મોદીને વસ્ત્રાલ આરટીઓ કચેરીમાં કામ કરતી મહિલા કર્મચારી દિપ્તી વિજયભાઈ સોલંકી (રહે. સેકટર-4, ગાંધીનગર)એ સારથી-4 સોફટવેરનું આઈડી અને પાસવર્ડ આપ્યો હોવાનો ઘટસ્ફોટ થયો હતો. સારથી-4 સોફટવેર આઈડી અને પાસવર્ડના આધારે આરોપીઓએ બેકલોગ એન્ટ્રીમાંથી રજાના દિવસે બોગસ લાયસન્સ ઈસ્યુ કરી દીધા હતા. સાયબર ક્રાઈમ બ્રાંચના પીઆઈ વી.બી.બારડે દિપ્તી સોલંકી ઉપરાંત અન્ય ત્રણની ધરપકડ કરી છે. જેમાં ડ્રાઈવીંગ સ્કુલ ચલાવતો આરટીઓ એજન્ટ ચિરાગ ઠાકોરભાઈ પટેલ (રહે. શ્યામગ્રીન વિલા, નરોડા), આરટીઓ સુભાષબ્રિજમાં અગાઉ કોન્ટ્રાકટ પર નોકરી કરતા કરણ મનોજભાઈ મિસ્ત્રી (રહે. પૃથ્વી રો હાઉસ, નવા નરોડા) અને વસ્ત્રાલ આરટીઓમાં પરચૂરણ કામ કરતા અને સામે અજય-5માં રહેતા જીતુ નટુભાઈ પટેલનો સમાવેશ થાય છે. પકડાયેલા તમામ આરોપીઓ રૂપિયાની લાલચે કેસના સૂત્રધાર જીજ્ઞેશ મોદીના ઈશારે કામ કરતા હતા.