આરોગ્ય મંત્રી નીતિન પટેલ અને ગાંધીનગરથી ઉચ્ચ અધિકારીઓએ સોમવારે અમદાવાદ ની સીવીલ હોસ્પિટલ કેમ્પસ ની મુલાકાત લીધી હતી. આ ટાણે જ કોન્ટ્રાક્ટ પર કામ કરતા લગભગ ૫૦૦ થી ૭૦૦ કર્મચારીઓએ પોતાની મૂળભૂત માંગો ને લઇ અને હડતાલ કરી હતી.
રાજ્યમાં આરોગ્ય વિભાગ સંચાલિત અમદાવાદ, બરોડા, રાજકોટ, ગાંધીનગર, સુરત ,ભાવનગર, જામનગર વગેરે જેવા શહેરોમાં આવેલી મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલમાં વર્ગ-૩ અને વર્ગ-૪ની ઘણી જગ્યાઓ પર કર્મચારીઓ આઉટસોર્સ કરવામાં આવે છે. જેનું મહિને દાડે સરકાર કરોડો રૂપિયાનું બિલ ચૂકવે છે.
પરંતુ તેમાંથી મોટાભાગની મલાઈ તો આઉટસોર્સિંગ એજન્સીઓ અને સરકારી અધિકારીઓ જ ખાઈ જાય છે, મજૂરોને તો તેમની મહેનત ના પૂરતા પૈસા પણ મળતા નથી આ બાબતે આરોગ્ય વિભાગમાં ઉચ્ચ અધિકારીઓ સુધી વારંવાર ફરિયાદો થઈ છે આમ છતાં કોઈ પગલાં લેવાતા નથી. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં જ સરકાર દ્વારા આઉટસોર્સિંગ એજન્સી ને મજૂરોના મહેનતાણા પેટે ચૂકવાતી રકમમાં મસમોટો વધારો કરાયો છે.
છેલ્લા કેટલાય સમયથી કોન્ટ્રાક્ટ પર કામ કરતા કામદારોના મૂળભૂત પ્રશ્નો પડતર છે. જેમ કે લઘુતમ વેતન, અઠવાડિક રજા, પ્રોવિદંડ ફંડ અને મેડિકલ બેનિફિટ્ જેવી તેમની માંગને લઈને તેઓ વારંવાર આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સુધી રજૂઆતો કરી છે.
હાલમાં છેલ્લા પાંચેક વર્ષથી અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે રાજદીપ એન્ટરપ્રાઇઝ નામની એક આઉટસોર્સિંગ એજન્સી માં પાંચ વર્ષથી કામ કરતા કર્મચારીઓ જણાવ્યું હતું કે ‘અમારા પગારમાંથી પ્રોવિડન્ટ ફંડના પૈસા તો કપાય છે પરંતુ અમારા પી એફ એકાઉન્ટ કોન્ટ્રાક્ટ દ્વારા ખોલવામાં આવતા નથી અને જેના પી એફ એકાઉન્ટ ખોલ્યા છે તેમના એકાઉન્ટ માં આ પૈસા ભરાતા નથી. ના તો કોઈ મેડિકલ ફેસિલિટી મળે છે, ના અઠવાડિક રજા. જો રજા પાડવામાં આવે તો પગાર કાપી લેવાય છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે કામદારોના હકના રક્ષણ માટે સરકારે કાયદા તો બનાવ્યા છે પરંતુ સરકારી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર ભેગા મળીને કાયદાની કાયાપલટ કરી નાખે છે.
સફાઈ કામદારોને લઘુત્તમ વેતન, પી.એફ, ઇ એસ આઈ નંબર હોવા જોઈએ. તદુપરાંત જ્યારે આઉટસોર્સિંગ એજન્સી દ્વારા તેમનો પગાર ચૂકવાય ત્યારે સેનેટરી ઇન્સપેક્ટર ની હાજરીમાં પગાર કરવો પડે અને યોગ્ય પગારની ચુકવણી બાદ જ સેનેટરી ઇન્સપેક્ટર આઉટસોર્સિંગ એજન્સી ના બિલમાં સહી કરે તો જ એજન્સીઓ ને સરકાર દ્વારા બિલની ચુકવણી કરવામાં આવે તેવો નિયમ છે. ઉપરાંત બિલની સાથે કામદારોના પી એફ, ઇ એસ આઈ ભર્યા હોવાના ચલણો પણ રજૂ કરવાનો નિયમ છે. પરંતુ મોટેભાગે એજન્સી ઓ સેનેટરી ઇન્સ્પેક્ટર કે સમક્ષ અધિકારીના ખિસ્સા ગરમ કરી દે છે. જેથી કામદારોના ખિસ્સા ખાલી રહી જાય છે.
તદુપરાંત આઉટસોર્સિંગ એજન્સી નું બિલ જે સરકારી ટેબલ પરથી પસાર થાય છે તે તમામ સરકારી બાબુને તેની મલાઈ પીરસી દેવામાં આવે છે.
સોમવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસની મુલાકાતે આવેલા આરોગ્યમંત્રી નિતીનભાઈએ પત્રકાર પરિષદમાં પ્રશ્નોત્તરી દરમિયાન આવી આઉટસોર્સિંગ એજન્સી સામે કડક પગલાં લેવાની જે ચીમકી ઉચ્ચારી છે. તેનો હકીકત માં અમલ કરશે આરોગ્ય વિભાગ માં ચાલતો સડો તો બહાર આવશે જ, સાથેસાથે રાજ્યભરમાં કોન્ટ્રાક્ટ ઉપર કામ કરતાં લાખો કામદારો અને તેમના પરિવારનું ભલું થશે.