અમદાવાદ,તા.21
આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યની તમામ સરકારી મેડિકલ કોલેજો અને સંલગ્ન હોસ્પિટલોમાં, ડિસ્ટ્રીકટ હોસ્પિટલો, હેલ્થ સેન્ટરો અને ગુજરાત મેડિકલ એજ્યુકેશન રિસર્ચ સોસાયટી (જી.એમ.ઇ.આર .એસ)ની તમામ મેડિકલ કોલેજમાં વર્ષે દહાડે કરોડો રૂપિયાના આઉટસોર્સના કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. નીતિ-નિયમોને નેવે મૂકી આ કોન્ટ્રાકટ મેળવવા અને ટકાવી રાખવા કેટલીક મોટી એજન્સીઓમાં હરીફાઈ ચાલતી હોય છે. પરંતુ થોડાં દિવસો પહેલાં આરોગ્ય વિભાગમાં બદલી અને બઢતીનો દૌર શરૂ થતાં ઘણાં સમીકરણો બદલાતાં સૌરાષ્ટ્ર અને મહેસાણાની આઉટસોર્સ એજન્સીઓએ કામગીરી મેળવવા ગાંધીનગરમાં રીતસરના ધામા નાંખ્યા હોવાનું જાણવા મળ્યું છે.
સોનાની થાળીમાં લોઢાનો મેખ
યોગ્ય તબીબી સારવાર અને તબીબી શિક્ષણની સુવિધાની માળખાકીય વ્યવસ્થાને લીધે ગુજરાત દેશભરમાં પ્રસિદ્ધ છે. રાજ્ય સરકાર સંચાલિત છ સિવિલ હોસ્પિટલ અને સંલગ્ન મેડિકલ કોલેજો (અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, જામનગર અને ભાવનગર) ઉપરાંત ગુજરાત મેડિકલ એજ્યુકેશન રિસર્ચ સોસાયટીની આઠ જેટલી મેડિકલ કોલેજો- હોસ્પિટલો (સોલા-અમદાવાદ, ગોત્રી વડોદરા, વડનગર, ધરપુર-પાટણ, હિંમતનગર, જૂનાગઢ, વલસાડ અને ગાંધીનગર )ગુજરાતને સાચા અર્થમાં મેડિકલ હબ બનાવે છે. પરંતુ આ તમામ હોસ્પિટલો અને મેડીકક કોલેજોની સુવિધાઓની સામે તબીબો ઉપરાંત વર્ગ ૧,૨,૩ અને ૪ના સ્ટાફની અછત સોનાની થાળીમાં લોઢાની મેખ જેવો ઘાટ ઘડે છે.
હોસ્પિટલમાં કોન્ટ્રાકટ સિસ્ટમનો પગપેસારો
રાજ્યના આરોગ્ય વિભાગના સૂત્રો મુજબ રાજ્યની છ હોસ્પિટલોમાં ૪૬૦૦ કરતાં પણ વધુ જગ્યાઓ ખાલી છે તદુપરાંત રાજ્યભરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં પણ વર્ષોથી સ્ટાફ ની અછત રહી છે. તો બીજીબાજુ જી એમ ઇ આર એસ સંચાલિત મેડિકલ કોલેજો-હોસ્પિટલોમાં તો પરિસ્થિતિ વધુ ખરાબ છે. મેડિકલ કાઉન્સિલની માન્યતા મેળવવા પૂરતો સ્ટાફ પણ અહીં ઉપલબ્ધ નથી. નવી ભરતીઓ કરવા પાછળની સરકારી ઉદાસીનતાને કારણે ધીમે પગલે કોન્ટ્રાકટ સિસ્ટમે પગપેસારો કરી લીધો છે. પરિણામે છેલ્લા કેટલાક વર્ષોથી વર્ગ ૩ અને વર્ગ ૪ ની હજારો પોસ્ટ ખાલી ઉપર મેનપાવર સપ્લાય એજન્સી દ્વારા કોન્ટ્રાકટ ઉપર સ્ટાફ લઈને કામ ચલાવવામાં આવે છે.
આઉટસોર્સ એજન્સીઓની હરિફાઈ
ગાંધીનગરની ડાયરેક્ટરેટ ઓફ મેડિકલ એજ્યુકેશન ના એક ઉચ્ચ અધિકારી નામ નહીં આપવાની શરતે જણાવે છે સરકારી અને જી એમ ઇ આર એસ સંચાલિત કોલેજો અને હોસ્પિટલમાં વર્ગ ૩ અને ૪ના સ્ટાફના સપ્લાય નાં કરોડો રૂપિયાના બિલો બને છે. જેના કારણે આ ધંધામાં જબરદસ્ત હરીફાઈ છે. જોકે હાલપણ રાજ્યની પાંચ-છ એજન્સીઓની મોનોપોલી છે. જેનું મુખ્ય કારણ મોટા રાજકારણી અને ઉચ્ચ સરકારી અધિકારીઓ સાથેનો ઘરોબો છે.
પીએફ અને પગારમાં આઉટસોર્સ એજન્સીઓનો ભ્રષ્ટાચાર
હોસ્પિટલ-મેં.કોલેજોમાં મેનપાવર સપ્લાય કરતી એજન્સીઓ ક્લાર્ક, સ્ટાફ નર્સથી માંડી સ્વીપર સુંધીનાં જુદી જુદી બે ડઝન જેટલી પોસ્ટ ઉપર કર્મચારીઓ પુરા પાડે છે. મેનપાવર, હાઉસકીપિંગ અને સિક્યુરિટીની સેવાઓ પુરી પાડતી એજન્સીઓ કર્મચારીઓની હાજરી, પી એફ અને પગાર બાબતે શોષણ કરી મોટાપાયે ભ્રષ્ટાચાર કરતી હોવાની ફરિયાદો છેક આરોગ્યમંત્રી સુંધી થઈ છે પણ સરકારી અધિકારી હોય કે મંત્રી હોય, કોઈ પરિણામ આવ્યું નથી.
એજન્સીઓ ‘વ્યવ્હાર’ સાચવી લે છે
મલાઈદાર કોન્ટ્રાકટ મેળવવા અને ચલાવવા માટે એજન્સીઓ રાજકારણીથી માંડી ને સરકારી ઓફિસરો પણ દરમહીને નિયમિત મળીને વ્યવહાર સાચવી લે છે. એવું કહેવાય છે કે રાજકારણી અને અધિકારીઓની સહપરિવાર વિદેશયાત્રા , મોંઘીદાટ લક્ઝુરિયસ કાર સુદ્ધાં સ્પોન્સર કરે છે.
સૂત્રો જણાવે છે કે બદલી અને બઢતી પહેલા જે એજન્સીનું કામગીરી માટે સેટલમેન્ટ થયું હતું તેના તરફી અધિકારી બદલાઈ જતાં હવે નવેસરથી સેટિંગ કરવા રાજ્યભરની જુદી જુદી એજન્સીઓએ ગાંધીનગર અને અમદાવાદની હોટલોમાં ધામા નાખ્યા છે. જુદી જુદી એજન્સીઓ પોત-પોતાની લોબી મજબૂત કરવા આરોગ્ય વિભાગના કર્મચારીઓને રોજે રોજ પાર્ટીઓમાં બોલાવે છે. જેથી નાના-મોટા તમામ કર્મચારીઓને બખ્ખા થઈ ગયા છે.
ટેન્ડરોમાં નિયમોનું ધરાર ઉલ્લંઘન
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ જ આરોગ્ય વિભાગમાં બદલીઓ અને બઢતીઓ થઈ છે. જેથી હવે આ કામગીરીમાં માટેના સમીકરણો પણ બદલાઈ ગયાં છે. અલબત્ત આઉટસોર્સિંગ કામગીરીનાં બીલની દ્રષ્ટિએ અમદાવાદ સિવિલનો આંકડો કરોડો રૂપિયા નો થાય છે. લગભગ એક વર્ષ પહેલાં સિવિલ હોસ્પિટલ દ્વારા ટેન્ડર બહાર પડાયા હતાં, એ પછી ફરીથી કોઈ કારણોસર રિટેન્ડર કરવામાં આવ્યા હતાં અને હાલ પણ આઉટસોર્સની આ કામગીરી સ્થગિત છે. જેના માટે નાણાં વિભાગ, ખાણ-ખનીજ વિભાગ અને આર.ડી.ડી (રીજીઓનલ ડેપ્યુટી ડાયરેકટર)ની ગાઈડલાઈનનું પણ ધરાર ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું હોવાનું સૂત્રો જણાવે છે.