આરોગ્ય વિભાગ દ્વારા ઘેરઘેર ફોગિંગ અને દવા છંટકાવવાની કામગીરી કરવામાં આવી

જામનગર, તા.૨: જામનગરમાં પાણીજન્ય રોગચાળો ઓછો  થવાનું નામ નથી લેતો. જામનગર જિલ્લાની સરકારી જી.જી.હોસ્પિટલમાં ડેંગ્યુના ૪૫ દર્દીઓ ડેન્ગ્યુ પોઝિટિવના સારવાર હેઠળ છે. જયારે ૪૫ જેટલા દર્દીઓને ડેંગ્યુની સારવાર આપી રજા આપવામાં આવી છે.સરકારી હોસ્પિટલ ઉપરાંત જામનગર મહાનગરપાલિકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને ખાનગી હોસ્પિટલ-દવાખાનાઓમાં પણ ડેંગ્યુના અનેક કેસો સામે આવી રહ્યા છે. જામનગર શહેર અને  જિલ્લામાં વધી રહેલા ડેંગ્યુના કેસોને લઈને આરોગ્ય વિભાગ દ્વારા જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ખુલ્લામાં ભરાયેલા પાણીમાં ઓઇલ નાખવા અને દવા છટકાવ કરવાની કામગીરી આરંભાઈ છે.જામનગરમાં તંત્ર દ્વારા ઘેર-ઘેર ફોગીગ કરી ડેંગ્યુના રોગચાળામાં સાવચેતી રાખવા અંગે પત્રિકાઓ આપી ચેકીંગ કરી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. ખુલ્લામાં પડેલા ટાયરોમાં મચ્છરોના ઉપદ્રવ દ્યટાડવા પણ આરોગ્ય કર્મચારીઓ કામે લાગ્યા છે. આ ઉપરાંત મચ્છરોના ઉપદ્રવ વાળા સ્થળોને શોધીને તેનો નાશ કરવાની કવાયત પણ તંત્ર દ્વારા આરંભાઇ છે. લોકોને પણ સાવચેત રહેવા કહેવામાં આવ્યું છે. પાણી ભરાઇ ન રહે અને તેનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.