આરોપીઓને જાહેરમાં ન મારવા કે સરઘસ કાઢવા ગૃહ વિભાગનો આદેશ

પોલીસ દ્વારા આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવા પર ગુજરાત હાઇકોર્ટે પ્રતિબંધ ફરમાવ્યો છે. ગુજરાત વડી અદાલતે આરોપીઓના જાહેરમાં સરઘસ કાઢવા સહિતની કાર્યવાહી કરનાર સામે પગલાં લેવા રાજ્ય સરકારને આદેશ કર્યો હતો. હવે ગૃહ વિભાગ આ કાળી ટીલીને દૂર કરવા માટે પરિપત્ર દ્વારા આદેશ તૈયાર કરી લીધો છે.

જેની સામે સરકાર તરફથી પણ વડી અદાલતને ખાતરી આપી હતી કે કાયદાને હાથમાં લેનાર અધિકારીઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરાશે.  સરકારે વડી અદાલતને વિશ્વાસ અપાવતાં જણાવ્યું કે, કાયદાને હાથમાં લેનારા પોલીસ અધિકારી સામે શિક્ષાત્મક કાર્યવાહી થઈ રહી છે. રાજયમાં આવા જુદા જુદા 10 કેસ સામે આવ્યા છે. તમામ સામે પગલાં લેવાયા છે અને તેની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવામાં આવી છે. સરકાર આરોપીઓ સામે જાહેરમાં કરવામાં આવતી અપમાન જનક કાર્યવાહી સામે પરિપત્ર દ્વારા આદેશ બહાર પાડશે.

જેમાં કોઈપણ પ્રકારે જાહેરમાં આરોપીઓના સરઘસ કાઢવા સામે થનારી કાર્યવાહીને જાહેર કરશે એમ પણ સરકારે સ્પષ્ટ કર્યું હતું. ઉપરોકત નિર્દેશો અને સરકારની બાંહેધરી ધ્યાનમાં લીધા બાદ પોલીસ દ્વારા સરઘસ કાઢવાના વલણને પડકારતી ગુજરાત વડી અદાલત સમક્ષ થયેલી રિટ અરજીનો વડી અદાલતે નિકાલ કર્યો હતો.

જ્યારથી ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપ જાડેજા આવ્યા છે ત્યારથી આ રીતે જાહેરમાં લોકોને મારવાના અને આરોપીઓના સરઘસ કાઢવાના બનાવો વધી ગયા છે. આવું કામ કરવા માટે જાણે સરકાર પ્રોત્સાહન આપતી હોય એવું લોકો માનવા લાગ્યા હતા. પોલીસ જ પોતાનો કાયદો હાથમાં લઈ રહી હોવાનું તેના પરથી સ્પષ્ટ થયું હતું. તેથી વડી અદાલતે જે આદેશ આપ્યો છે તે વિજય રૂપાણીના કપાળ પર કાળી ટીલી બરાબર છે.