આર્થિક અનામત અંગે અદાલતમાં જંગ થશે.

મેડિકલમાં પ્રવેશ માટે ઇડબલ્યુએસની બેઠકો વધારવા માટે સરકારે કેન્દ્ર સરકાર સમક્ષ દરખાસ્ત કર્યા પછી અચાનક કેન્દ્ર સરકારનો જવાબ આવે તે પહેલા મેડિકલમાં પ્રવેશ ફાળવી દેવાતાં વિદ્યાર્થી-વાલીઓમાં ભારે આક્રોશ ઉભો થયો છે. પ્રવેશ ફાળવણીની જાહેરાતની સાથે જ આજે  અસંખ્ય વિદ્યાર્થીઓ અને વાલીઓએ પ્રવેશ સમિતિમાં જઇને આ મુદ્દે ઉગ્ર રજૂઆતો કરવાની સાથે કોર્ટમાં જવાની ચીમકી આપતાં આગામી દિવસોમાં મેડિકલ પ્રવેશને લઇને પરિસ્થિતિ વધારે બગડે તેવી સ્થિતિ ઉભી થઇ છે.

મેડિકલ પ્રવેશ પ્રક્રિયામાં ઇડબલ્યુએસ કેટેગરીમાં હાલમાં રાજકોટ અને ભાવનગરની મેડિકલ કોલેજને બાદ કરતાં બાકીની દરેક કોલેજોમાં 20-20 બેઠકો ફાળવવામાં આવી છે. પ્રવેશ સમિતિના સૂત્રો કહે છે 20-20 બેઠકો પ્રમાણે જ પ્રવેશ પ્રક્રિયા કરવામાં આવે તો જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓને એક કોલેજમાં ચારથી પાંચ અને તમામ કોલેજોમાં મળીને અંદાજે 60થી 70 બેઠકોનુ નૂકશાન થાય તેમ છે.પ્રવેશ સમિતિએ કરેલી ગણતરી પ્રમાણેની જાણકારી સરકાર સુધી પહોંચતી કરવામાં આવી હતી. જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓને નૂકશાન થાય અને જો આ કેટેગરીના વિદ્યાર્થી-વાલીઓ વિરોધ સાથે મેદાનમાં આવે તો ભારે મુશ્કેલી ઉભી થાય તેમ હોવાથી સરકારે ચૂપચાપ કેન્દ્ર સરકારમાં રજૂઆત કરીને ઇડબલ્યુએસ કેટેગરીની  બેઠકો 20માંથી વધારીને 28 કે 29 કરવા માટે દરખાસ્ત કરી દીધી હતી. જયાં સુધી કેન્દ્ર સરકાર દ્વારા જવાબ ન આવે ત્યાંસુધી પ્રવેશ ફાળવણી ન કરવાની સૂચના પણ સરકારે પ્રવેશ સમિતિના આપી હતી.સરકારની સૂચનાનુ પ્રવેશ સમિતિએ પાલન કરીને સત્તાવાર રીતે કેન્દ્ર સરકારનો જવાબ આવ્યા પછી જ એલોટમેન્ટ કરાશે તેવી જાહેરાત કરી દીધી હતી. નવાઇની વાત એ કે જાહેરાતના બીજા જ દિવસે ગઇકાલે પ્રવેશ સમિતિએ વિદ્યાર્થીઓને કોલેજ ફાળવી આપી હતી. આજે એટલે કે મંગળવારે વહેલી સવારથી જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ-વાલીઓ પ્રવેશ સમિતિ પહોંચીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. વાલીઓના કહેવા પ્રમાણે સરકારે પોતે જ કેન્દ્ર સરકાર સમક્ષ ઇડબલ્યુએસ કેટેગરીની બેઠકો વધારવા દરખાસ્ત કરીને બારોબાર પ્રવેશ ફાળવણી કરી દેતાં કશુંક ખોટુ થયાની અશંકા છે. સરકારે કેન્દ્ર સરકારનો જવાબ આવે ત્યાંસુધી રાહ કેમ ન જોઇ તે સૌથી મોટો પ્રશ્ન છે. કેટલાક વાલીઓએ હવે આ મુદ્દે કોર્ટમાં રીટ કરવાની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. એટલે કે હવે મેડિકલ પ્રવેશને લઇને આગામી દિવસોમાં નવો કાનૂની જંગ ઉભો થાય તેવી સ્થિતિ ઉભી થઇ છે.